પશ્ચિમી ઉપનગર માટે ૩૯ કરોડ રૂપિયાની જોગવાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસા પહેલાં મુંબઈના રસ્તા પરના બેડપેચીસ દૂર કરવા માટેની યોજના મુંબઈ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે અને તેને માટે સૌથી વધુ રૂ. ૩૯ કરોડનું ભંડોળ ફક્ત પશ્ચિમી પરાં માટે ફાળવવામાં આવ્યું છે. મુંબઈના શહેર વિસ્તાર માટે ૨૭ કરોડ અને પૂર્વના પરાં માટે ફક્ત રૂ. ૧૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે. મુંબઈમાં ચોમાસા પહેલાં રસ્તાને સારા બનાવવા માટે દરેક વોર્ડ ઓફિસને તેમના વિસ્તારમાં સર્વેક્ષણ કરીને રસ્તા પરના ખાડાઓ તથા બેડપેચીસને શોધી કાઢવાના છે અને તેનું સમારકામ નિયુક્ત કરવામાં આવેલી એજન્સી મારફત સમારકામ કરાવી લેવાનો આદેશ પાલિકાના એડિશનલ કમિશનર પી.વેલરાસુએ આપ્યો છે.પી.વેલરાસુએ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે દરેક વોર્ડ ઓફિસે આપેલા ઓર્ડર કરતા પણ વધુ માત્રામાં તેમને ખડી અને ડામર સહિતના સામાનનો પુરવઠો કરવામાં આવ્યો છે.
એટલો સ્ટોક ઓછો પડતો હોય તેઓ વધુ મટિરિયલ મગાવી શકે છે, પરંતુ રસ્તાની ગુણવત્તા જળવાઈ જ રહેવી જોઈએ. મુંબઈના ૨૪ વોર્ડમાં આવેલા તમામ રસ્તાના કામ આગામી ૧૫ જૂન સુધીમાં એટલે કે ચોમાસા પહેલા પૂરા કરવાનો આદેશ પણ એડિશનલ કમિશનરે આપ્યો છે.
નોંધનીય છે કે મુંબઈના રસ્તાની હાલત એવી હોય છે કે પહેલા વરસાદમાં જ રસ્તા પર મોટી માત્રામાં ખાડા પડી જતા હોય છે ત્યારે આ વખતે પાલિકા પ્રશાસને મુંબઈના તમામ ૨૪ વોર્ડમાં રસ્તા પરના ખાડા તથા બેડપેચીસને પૂરીને રસ્તા સમથળ કરવા માટે તેમને રો મટિરિયલ પૂરો પાડીને તમામ કામ ચોમાસા પહેલા પૂરા કરવાનો આદેશ આપ્યો છે, જેમાં સૌથી વધુ ફંડ પશ્ચિમ ઉપનગરમાં ૩૮ કરોડ રૂપિયા ફાળવ્યા છે, તો પૂર્વ ઉપનગર માટે ૧૮ કરોડ રૂપિયા અને શહેર માટે ૨૭ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.