મહારાષ્ટ્ર પોલીસની થાણે ક્રાઈમ બ્રાન્ચે નકલી ચલણ છાપવામાં સામેલ એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 2000ની નકલી ચલણી નોટોનો જંગી જથ્થો કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર 8 કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે. આ નોટોને બજારમાં લાવવાની તૈયારી ચાલી રહી હતી, પરંતુ તે પહેલા જ પોલીસે તેમને ઝડપી લીધા હતા. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.
થાણે પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ 52 વર્ષીય રામ શર્મા અને 55 વર્ષીય રાજેન્દ્ર રાઉત તરીકે કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓ પાલઘરના રહેવાસી છે અને નકલી નોટો બજારમાં પહોંચાડવાનું કામ કરતા હતા.
નકલી નોટો છાપતી આ ટોળકી પાસેથી પોલીસે 2000ની નોટો ધરાવતા 400 બંડલ કબજે કર્યા છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે નકલી નોટો છાપનારાઓનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે. પોલીસના જણાવ્યા અનુસાર, છેતરપિંડી કરનારાઓ બજારમાં 2000 હજાર રૂપિયાની નોટોની અછતનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા.