મહિલા પ્રીમિયમ લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું અત્યાર સુધીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. WPL ઓક્શનની સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંધાનાનો દેખાવ માટે અત્યાર સુધી નિરાશાજનક રહ્યો છે. પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે બીજી મેચમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઇ ઇન્ડિયન્સની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 9 વિકેટે પરાજય આપ્યો હતો.
WPLની પ્રથમ બે મેચ હારી ચૂકેલી RCB સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા ટ્રોલ થઈ રહી છે. ઘણા ચાહકો તેમની સરખામણી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પુરૂષ ટીમ સાથે પણ કરી રહ્યા છે, જેમનું પણ IPLમાં આવું જ ભાગ્ય રહ્યું છે. પ્રશંસકો કહી રહ્યા છે કે ટીમનું નામ ‘RCB’ જ પનોતી છે.
મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ સતત બીજી વખત તેના બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. આરસીબીની ટીમ 155 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને એમઆઈએ માત્ર એક વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
મુંબઈ ઈન્ડિયન્સ અને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ વચ્ચે હંમેશા ખાસ સંબંધ રહ્યો છે. કિરોન પોલાર્ડે IPLમાં MIને ઘણી મેચો જીતાડી છે અને હવે મહિલા ઓલરાઉન્ડર હેલી મેથ્યુઝ પણ આવું જ કરી રહી છે. મેથ્યુઝે આરસીબી સામેના મુકાબલામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તેણે 77 રન અને 3 વિકેટ ઝડપી હતી.