યુવાનો સહિત મોટેરાઓ પણ જે દિવસની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે એવું વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે અને લોકો કાગડોળે 14મી ફેબ્રુઆરીની રાહ જોતા હોય છે. પ્રિયપાત્રને મોંઘી મોંઘી ગિફ્ટ આપવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, પણ તેમના માટે એક ચિંતા કરાવે એવા સમાચાર આવી રહ્યા છે, કારણ કે પ્રેમના પ્રતિક ગણાતા રેડ રોઝ એટલે કે લાલ ગુલાબની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.
વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ ત્યારથી જ દેશભરમાં ફૂલ અને તેમાં પણ ખાસ કરીને ગુલાબની માગણી વધી ગઈ છે જેને કારણે તેની કિંમત વધી છે. સજાવટ માટે ફૂલો અને ગુલાબનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે ઉત્તર સહિતના ભારતમાં કડકડતી ઠંડી પડી હતી, જેને કારણે ફૂલોના ઉત્પાદન પર અસર જોવા મળી હતી. ફૂલની કિંમતમાં 40થી 50 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
જાન્યુઆરી મહિનામાં લગ્નસરાની સિઝન ચાલુ થઈ ગઈ હતી તેથી ઘર, મંદિર, હોલ વગેરે સ્થળોએ સજાવટ માટે ફૂલોની માગણી વધી ગઈ હતી અને તેમાં પણ ખાસ કરીને મકર સંક્રાંતિ બાદ તો બધા જ ફૂલોની કિંમતમાં અચાનક જ વધારો જોવા મળ્યો હતો. સામાન્યપણે ગુલાબ ચારથી પાંચ રૂપિયામાં મળે છે, પણ હવે આ જ ગુલાબની કિંમત 15થી 20 રૂપિયાને ભાવે વેચાય છે અને હજી તો આ ભાવ અઠવાડિયે વધુ વધે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
બેંગલોર અને તેની આસપાસના બાગલૂ, ચિક બલ્લાપુર, ડોડ્ડાબલ્લાપુર, અતિબેલે અને હોસકાટે ખાતેના ગુલાબની ખાસ માગણી હોય છે. બેંગ્લોર એ ગુલાબનું હબ છે આખા દેશ માટે. અહીંના ગુલાબો માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. અહીંની ગુલાબની કેટલીક પ્રજાતિઓ ખૂબ જ લોકપ્રિય છે જેમાં સામાન્ય ગુલાબની જેમ જ તાજમહલ જાતિના ગુલાબ ખૂબ જ લોકપ્રિય છે અને તેની માગણી માગણી સૌથી વધુ હોય છે.
આ વર્ષે દેશભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું અને તેની જ અસર ફૂલોના ઉત્પાદન પર પણ જોવા મળી હતી. આ સિવાય ઘણી જગ્યાઓ ગુલાબના ફૂલોને પર ડાઉન મિલ્ડ્યુ નામનો રોગ થયો હોવાને કારણે ઉત્પાદન ઘટી ગયું હતું. ગુલાબના ઉત્પાદનમાં 60થી 70 ટકા ઘટાડો જોવા મળ્યો હતો, જેને કારણે તેની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. આ કિંમતમાં હજી 40થી 50 ટકાનો વધારો જોવા મળશે
જોકે, બજારમાં ફૂલોના પણ વિકલ્પો મળી રહ્યા છે. રિયલ ફૂલોની સાથે સાથે જ હવે બજારમાં પ્લાસ્ટિકના ફૂલો મળી રહ્યા છે. જેને કારણે ખેડૂતો, વેપારીઓ ચિંતામાં પડી ગયા છે. વધારે ભાવને કારણે લોકો પ્લાસ્ટિકના અને આર્ટિફિશિયલ ફૂલ તરફ વળી રહ્યા છે અને તેનો ફટકો ખેડૂતોને પડશે.