પ્રખ્યાત અભિનેતા, નિર્માતા, નિર્દેશક સતીશ કૌશિકનું આજે વહેલી સવારે નિધન થયું. તેઓ 66 વર્ષના હતા. અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરીને સતીશ કૌશિકના નિધનની માહિતી આપી છે. સતીશ કૌશિક ગંભીર અભિનેતાથી લઈને કોમેડિયન સુધી જાણીતા હતા. તેઓ ઘણી ફિલ્મોના નિર્દેશક અને નિર્માતા પણ હતા. તેમના નિધનથી સમગ્ર બોલિવૂડમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સતીશ કૌશિકનો જન્મ 13 એપ્રિલ 1956ના રોજ થયો હતો. તેમનો જન્મ હરિયાણાના મહેન્દ્રગઢમાં થયો હતો. સતીશ કૌશિકે 1983માં ફિલ્મ ‘જાને ભી દો યારો’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેમણે 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. 1993માં તેણે ફિલ્મ રૂપ કી રાની ચોરોં કા રાજાનું નિર્દેશન કર્યું હતું. આ પછી તેણે ડઝનેક ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. તેમણે ઘણી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું. સતીશ કૌશિકની વિશેષતા એ છે કે તેણે તમામ પ્રકારના પાત્રો ભજવ્યા છે. જોકે, તેમની હાસ્ય ભૂમિકાઓ વધુ લોકપ્રિય બની હતી.

મિસ્ટર ઈન્ડિયામાં સતીશ કૌશિકનો રોલ સૌથી વધુ લોકપ્રિય છે. તેમને બે વાર બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. અભિનેતા ગોવિંદા સાથે તેની કોમેડી ટાઈમિંગ પરફેક્ટ હતી. તેમની નાની ભૂમિકાઓ પણ દર્શકોને હંમેશા યાદ રહી ગઇ છે. સતીશ કૌશિકે પોતાનું શિક્ષણ દિલ્હીના કરોલ બાગમાં પૂરું કર્યું. આ પછી તેણે દિલ્હી યુનિવર્સિટીની કોરીમલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સાથે જોડાયા હતા. તેમણે 1978માં ત્યાંથી પાસ આઉટ થઈને તેમણે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં અભ્યાસ કર્યો હતો.