Homeરોજ બરોજભારતમાં જી-૨૦: વૈશ્ર્વિક મોરચે પીએમ મોદીનું ટ્વેન્ટી-ટ્વેન્ટી!

ભારતમાં જી-૨૦: વૈશ્ર્વિક મોરચે પીએમ મોદીનું ટ્વેન્ટી-ટ્વેન્ટી!

રોજ બરોજ – અભિમન્યુ મોદી

ભારતમાં બે જ ટોપિક ટ્રેન્ડિંગમાં છે. એક તો ગુજરાત-હિમાચલની ચૂંટણી અને બીજું જી-૨૦ સંમેલન. ચૂંટણી તો થતી રહેશે પરંતુ વિશ્ર્વના ૨૦ શક્તિશાળી રાષ્ટ્રોના પ્રમુખ ભારતના મહેમાન બનશે અને વૈશ્ર્વિક સમસ્યાઓ પર વિચાર વિમર્શ કરશે. તેના પર જ સૌ ની નજર છે. આમ તો સંમેલનમાં શુષ્ક ચર્ચાઓ થાય છે. પાંચ વર્ષ પહેલા જે રશિયાના પ્રમુખ યુદ્ધનો વિરોધ કરતા હતા એ પુતિન આજે ત્રીજા વિશ્ર્વયુદ્ધની શરૂઆત કરવા અગ્રેસર બન્યા છે. પ્રત્યક્ષ રીતે જી-૨૦માં ‘ચાય પે ચર્ચા અને બિસ્કૂટ પે બિગાડના’ સિવાય કંઈ નવું થતું નથી. પરંતુ જી-૨૦ સંમેલન પરોક્ષ રીતે ખૂબજ મહત્ત્વનું છે. જી-૨૦ એવા રાષ્ટ્રોનો સમૂહ છે જેની વિશ્ર્વના જીડીપીમાં ૮૦%ની ભાગીદારી ધરાવે છે. દુનિયાનો ૭૫% જેટલો આંતરરાષ્ટ્રીય વ્યાપાર આ ૨૦ રાષ્ટ્રોમાં જ થાય છે અને જગતની ૬૦% જેટલી વસ્તી આ રાષ્ટ્રોમાં જ સમાયેલી છે એટલે જી-૨૦ સમગ્ર દુનિયા તો સામેલ નથી થતી પરંતુ એવા દેશ સામેલ થાય છે જે દુનિયાને ચલાવામાં અગ્રીમ ફાળો ભજવે છે. અને તેમ ભારત પણ સામેલ છે, પરંતુ ભારતમાં ચાલતી ચૂંટણીનું શું?
ગુજરાત-હિમાચલના મતદાન પર ભાજપનું ભાવિ નિર્ભર છે. એ ઓછું હોય તેમ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી શરૂ થઈ, જેનું મતદાન ગત રવિવારે થયું. ચૂંટણી અને જી-૨૦ બન્ને વચ્ચે પીએમ મોદીએ તાદામ્ય સાધવાનું છે. અત્યારે ગુજરાતની ગાદી, હિમાચલની શાલ અને દિલ્હીની ખુરશી ચિંતાનો વિષય છે. મોદી મેજીક છવાશે કે નહીં તેના પર જ કોંગ્રેસ અને આપની નજર છે. બાકી મોદી સાહેબે તો ગુજરાતમાં યોજયેલી જાહેર સભામાં એવી જાહેરાત કરી છે કે ’યોગ્ય લાગે તો જ મતદાન કરજો’. તેમના આવા નિવેદન સ્પષ્ટ કરે છે કે તેમની ચૂંટણીમાં વિજયી થવાની વ્યૂહરચના સફળ થઈ રહી છે. અમદાવાદના જમાલપુરમાં ઓવૈસી જેવા નેતાઓ રડી રડીને મત માંગે, કૉંગ્રેસ પ્રમુખ રાવણની આડમાં જીતનો દાવો કરે, વીજળીના સહારે આમ આદમી વિજયી થવાનો સંકલ્પ કરે છે ત્યારે મોદી મતદાન કરીને સેલ્ફી પાડવામાં વ્યસ્ત છે. ચિંતા તો હવે આપના સુપ્રીમો કેજરીવાલને ભેટમાં મળી છે. કારણ કે આગામી સપ્ટેમ્બર માસમાં જી-૨૦ની પરિષદ દિલ્હી ખાતે યોજાશે. તેના આયોજનમાં આપની સરકારે પણ મહત્ત્વનો ફાળો આપવો પડશે. એ તો ઠીક કે સરકારી કામગીરી છે તેને કેજરીવાલના નેતાઓ પહોંચી વળશે પરંતુ સપ્ટેમ્બર માસમાં દિલ્હીમાં વરસાદ પછીનો પણ વરસાદ વરસે છે. આવી કુદરતી આપદાનું શું? સરકાર ઋતુઓની અતિવૃષ્ટિ કે પ્રતિકૂળ પરિસ્થિતિ સામે અનેકવાર નિષ્ફ્ળ થઈ છે. વરસાદ વધતા સ્થિતિ બેકાબુ પણ બની છે અને તેની આર્થિક અને વ્યવસાયિકરીતે ઘણી અસરો થાય છે. જ્યારે ઓછો વરસાદ પડે ત્યારે પણ ભારતમાં જરૂર પૂરતું પાણી એકત્ર થતું નથી. આ પરિબળને ભૂલીને પ્રવર્તમન પરિસ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતની ચૂંટણીમાં થયેલા ઓછા મતદાનને કારણે ભાજપના આગેવાનો ચિતામાં મુકાયા છે. તેમાંય જો ભાજપની ગુજરાતમાં હાર થઈ અને આપની જીત થશે તો શિખર સંમેલન વખતે દિલ્હીમાં ભાજપ અલગ જ મોરચે યુદ્ધ લડશે તેના માટે અત્યારે જ કેજરીવાલે તૈયારી કરી લેવી પડશે.
જી-૨૦ના કારણે ભારતના આંતરિક રાજકારણમાં અનેક પરિવર્તન આવશે જો કે વૈશ્ર્વિક મોરચે તો જી-૨૦ ભારતને યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં પરમેનન્ટ મેમ્બરશીપ આવવાનું ટ્રમ્પ કાર્ડ બની જશે. થોડા દિવસ પહેલા અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની બેઠક મળી હતી. તેમાં ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ભારતને યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં પરમેનન્ટ મેમ્બરશીપ મળે તેવી હિમાયત કરી હતી. બ્રિટને પણ આ પ્લેટફોર્મ પણ ભારતને કાયમી સભ્ય બનાવવાની વાતનું પુનરાવર્તન કર્યું હતું. માત્ર આ બે દેશની જ વાત નથી, દુનિયાના મોટાભાગના દેશો એવું ઇચ્છે છે કે, ભારત યુનાઇટેડ નેશન્સ સિક્યોરીટી કાઉન્સિલનું કાયમી સભ્ય બને. એક માત્ર ચીન એવો દેશ છે જે આડો ચાલે છે. ભારત ઉપરાંત જાપાન અને જર્મની સહિત બીજા કેટલાંક દેશો પણ કાયમી સભ્યપદની માંગ કરતા રહ્યા છે. પરંતુ સમગ્ર વિશ્ર્વની ભલાઇ કરવાની વાત હોય ત્યારે ભારતનું નામ જ પહેલા આવે છે. અને હવે જ્યારે વિશ્ર્વના ૨૦ ધનિક દેશોના સંગઠન જી-૨૦નું અધ્યક્ષપદ ભારતે સંભાળી લીધું તેનાથી મેમ્બરશીપની યાત્રા શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેનું પરિણામ પણ વિશ્ર્વ નિહાળશે.
જી-૨૦ના આગમનથી અત્યારે જ વિશ્ર્વના અનેક દેશો ભારતનો પડયો બોલ ઝીલતા થયા છે. દુનિયાના ચમરબંધી નેતાઓ ભારતના પીએમ મોદીને સેલ્યૂટ કરતા થયા છે. ભારત માટે આ મહત્ત્વની સિદ્ધિ છે. જી-૨૦નું અધ્યક્ષપદ સંભાળ્યા પછી મોદીએ આખી દુનિયાને વિશ્ર્વશાંતિનો સંદેશો આપ્યો છે. તેમણે દુનિયાના એકતાની સાર્વભૌમિક ભાવનાને વેગ આપવા ભારત કામ કરતું રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ફરી એકવાર વિશ્વને યાદ અપાવ્યું છે કે આ યુદ્ધનો યુગ નથી. વાત કોરોનાની વેક્સિનની હોય કે રશિયા-યુક્રેન યુદ્ધની હોય. આખા વિશ્ર્વની નજર ભારત પર મંડાયેલી છે.
ભારત સતત વિકાસશીલ દેશો તેમજ ગરીબ દેશોને થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યું છે. જેના પડઘા આખા વિશ્ર્વમાં પડી રહ્યા છે. ભારતનું કદ એટલા માટે વધ્યું છે કે મહાસત્તાઓ તેમજ વગદાર દેશોના દબાણ છતાં ભારતે હંમેશાં આર્થિક તેમજ માનવીય વિકાસ પર વધારે ધ્યાન આપ્યું છે. કોઈની શેહશરમ રાખ્યા વિના વિશ્ર્વ કલ્યાણ માટે ભારત સતત કામ કરી રહ્યું છે. દુનિયાના અનેક દેશોમાં ઘેરી મંદી ફરી વળી છે ત્યારે ચાલુ નાણાકીય વર્ષમાં ભારત ૭ ટકાનો ગ્રોથ રેટ હાંસલ કરવા જઈ રહ્યો છે. ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઇમાં પશ્ર્ચિમના દેશોની પલાયનવૃત્તિને ધ્યાનમાં લઇને ધનિક દેશોને ઝાટકી નાંખવામાં ભારતે કોઇ કસર બાકી રાખી નથી. ભારતે એવા સમયે જી-૨૦નું અધ્યક્ષપદ સંભાળ્યું છે જ્યારે જી-૨૦ના ૨૦ પૈકી ૧૯ સભ્ય દેશોમાંથી ૫ દેશમાં ફુગાવો ફૂંકાડા મારી રહ્યો છે અને ૧૦ ટકાને પાર કરી ગયો છે. ૭ દેશોમાં ફુગાવો ૭.૫ ટકાથી ૧૦ ટકાની વચ્ચે છે. ભારત જ્યારે એક વર્ષ માટે જી-૨૦નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે ત્યારે વિશ્ર્વ સામેના સંકટો દૂર કરવાના તમામ સંકલ્પો અને એજન્ડા પૂરા કરવાની તેની નેમ છે.
પીએમ મોદીએ ખાસ કરીને રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવીને વિશ્ર્વ શાંતિ તરફ વધારે ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. કૂડ સપ્લાય ચેન ભાંગી પડી છે તેને રિસ્ટોર કરવાની છે. ઊર્જાની કટોકટીમાંથી સૌને ઉગારવાના છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારત વિશ્ર્વની સૌથી મોટી પાંચમી આર્થિક મહાસત્તા બની ગયું છે. ૨૦૩૦ સુધીમાં તે ચીન અને અમેરિકા પછી વિશ્ર્વની ત્રીજી મોટી ઇકોનોમી બનવા કદમ માંડી રહ્યું છે. આવા સંજોગોમાં વિશ્ર્વના તમામ દેશો ભારતની વાત સાંભળશે અને સ્વીકારશે તેમાં કોઈ શક નથી. અમેરિકા સહિત પશ્ર્ચિમના કેટલાક દેશોના દબાણ છતાં ભારતે તેની સ્વતંત્ર વિદેશનીતિ સાથે વસુધૈવ કુટુમ્બકમની ભાવના જગાવવા બીડું ઝડપ્યું છે.
૬ મહિના પૂર્વે જર્મનીનાં અલમૌ ખાતે વિશ્ર્વનાં સાત ધનિક દેશોનાં ગ્રૂપ જી-૭ની શિખર બેઠક યોજાઈ હતી. પીએમ મોદીને તેમાં અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિશ્ર્વનાં નેતાઓ સાથેની મુલાકાતમાં મોદીની પર્સનલ કેમિસ્ટ્રીનાં દિલચશ્પ રંગ જોવા મળ્યા હતા. મહત્ત્વની વાત એ હતી કે ભારતે તેનાં રાષ્ટ્રીય હિતો જાળવવાની સાથે સ્વતંત્ર વિદેશ નીતિ અંગે મક્કમતા દર્શાવી હતી. ભારત જી-૭ ગ્રૂપનું સભ્ય નથી પણ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, કેનેડા, ઇટાલી અને જાપાનનાં વડાઓની આ બેઠકમાં તેઓ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. બેઠકમાં રશિયા અને યુક્રેન યુદ્ધનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. મોદીએ આ યુદ્ધનો ઉલ્લેખ આડકતરીરીતે કર્યો હતો. મોદીનાં વક્તવ્યની મહત્ત્વની વાત એ હતી કે તેમણે ભારતની વિદેશ નીતિ અંગે તમામ દેશોને સ્પષ્ટ શબ્દોમાં વલણ જણાવી દીધું હતું. ઊર્જાનાં સંસાધનો પર ફક્ત ધનિક દેશોનો કબજો હોવો જોઇએ નહીં. ગરીબ દેશોનો પણ તેનાં પર સમાન હક છે. આમ તેમણે જી-૭ દેશોને આડકતરીરીતે સાનમાં સમજાવી દીધું હતું કે ભારત તેનાં હિતો જાળવવા કોઈની શેહશરમમાં નહીં રહે. પર્યાવરણની જાળવણી તેમજ ક્લીન એનર્જી માટે ભારત દ્વારા કરવામાં આવેલી કામગીરી તેમણે સચોટરીતે રજૂ કરી હતી. ભારતનાં બજારોમાં ક્લીન એનર્જીની ઊભરી રહેલી જબરદસ્ત સંભાવનાને ધ્યાનમાં રાખીને વિશ્ર્વનાં દેશોને ક્લીન એનર્જી અને ગ્રીન એનર્જીની ટેક્નોલોજીમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. વિશ્ર્વનાં નેતાઓ સમક્ષ પેટ છૂટી વાત કરીને મોદીએ ધનિક દેશોનાં ઇરાદાઓને ખુલ્લા પાડયા છે. ભારત કોઈનાં દબાણમાં નહીં આવે તેવો સંકેત તેમણે વિશ્ર્વનાં મહાનુભાવોને મળીને આપી દીધો છે. ભારતનું સ્પષ્ટ વલણ અમેરિકા સહિત અનેક દેશો માટે અકળાવનારું છે પણ ભારત તેની નીતિ મુજબ જ અનુસરશે તેવી વાત પછી ધનિક દેશો પાસે ભારત સાથે મૈત્રી મજબૂત બનાવ્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. ત્યારે જોવાનું રહેશે કે હવે જી-૨૦ ભારતને વૈશ્ર્વિક મોરચે કેટલી સફળતા અપાવશે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -