રોજ બરોજ – અભિમન્યુ મોદી
ભારતીય રાજકારણનું આ કદાચ ‘ડર્ટી પિક્ચર’ છે. દેશભરના લોકોએ તેને ફરીફરીને નિહાળ્યું અને માણ્યું. નિહાળ્યું તેના માટે ટીવી ન્યૂઝ ચેનલો જવાબદાર અને માણ્યું તેના માટે એંગ્રી યંગમેન જવાબદાર! ૧૯૮૦ના દાયકામાં અમિતાભ બચ્ચન એંગ્રી યંગમેન તરીકે જાણીતા થયા અને એ વખતે પડદા પર વિલનને તે જ્યારે ઢીબતા હતા ત્યારે થિયેટરમાં સીટીઓ વાગતી અને લોકો ખુરશી પર ઊભા પગે બેસી જતા. હીરોની સાથે દર્શક પોતે પણ મનનો ગુસ્સો ઠાલવી દેતા. અદ્દલ એવી જ સ્થિતિ ઝારખંડમાં થઈ રહી છે. ઝારખંડ સરકારે જૈન સમાજના પવિત્ર ધાર્મિક સ્થાનક સમ્મેત શિખરને પ્રવાસન સ્થળ બનાવવાની ઘોષણા કરી દીધી અને હવે પોતના ધર્મની ધરોહરને બચાવવા દેશભરમાં જૈન સમાજ અહિંસક આંદોલન કરી રહ્યો છે. તેમના આંદોલનમાં આખું ઝારખંડ જોડાઇ ગયું છે. વિપક્ષ રાજકીય રોટલો શેકી રહ્યો છે. જ્યારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પોતાના આ નિર્ણયના ઘેરા પ્રત્યાઘાત જાણે દેખાતા જ ન હોય તેમ મ્યુનિસિપાલિટીની ચૂંટણીના પ્રચાર અભિયાન માટે રણનીતિ ઘડી રહ્યા છે. જયારે તેમની સમૂળગી સરકાર ઝારખંડમાંથી નામશેષ થઈ જાય તેવા રાજકીય સમીકરણો ઝારખંડમાં રચાઈ ગયાં છે.
સમ્મેત શિખરની ઘટના એ વાતનો પુરાવો છે કે ભારતીય રાજકારણીઓ જનમાનસમાં માન ગુમાવી બેઠા છે. પ્રજા અને નેતા વચ્ચે એક મર્યાદારેખા હતી જે હવે ભૂંસાઇ ગઇ છે. નેતા અને પ્રજા વચ્ચે અંતર ઘટી ગયું છે. દર પાંચ વર્ષે ભારતીય મતદાર તેના મતાધિકારનો ઉપયોગ કરીને કોઇ એક પક્ષને લપડાક મારીને પાઠ ભણાવતો, પણ હવે મતદારની ધીરજ ખૂટી છે. પાંચ વર્ષ સુધી રાહ જોવાનો તેની પાસે કદાચ સમય નથી. જૈન સમાજે તો સોરેન સરકારની સાથે ભાજપને પણ મત આપવાનો ઇન્કાર કર્યો છે. ૨૦૧૯માં વડા પ્રધાનપદનો તાજ પહેર્યા બાદ ’નમો’એ સમ્મેત શિખરની રક્ષા કરવાનું અને અસામાજિક તત્ત્વોના આતંકને દૂર કરવાનું વચન આપ્યું હતું. તેઓ જાણે પોતાના વચનને ચુકી ગયા હોય તેવા ઘાટ આજે ઘડાઇ રહ્યા છે અને જૈન સમાજ આક્રોશપૂર્વક ઝારખંડ સરકારની ઝાટકણી કાઢી રહ્યો છે. અલબત્ત ઝારખંડમાં થઈ રહેલી પ્રત્યેક સરકાર વિરોધી પ્રવૃત્તિ ભાજપ માટે શુકનવંતી છે.
પાંચ મહિના પૂર્વે પણ ભાજપે ઓપરેશન લોટસ સક્રિય કરીને સીએમ હેમંત સોરેનને ખુલ્લી ધમકી આપી હતી કે તેની સરકાર ધ્વસ્ત થશે. તેનાથી ડરીને શિવસેનાની જેમ સૈનિકો શાસ્ત્રો લઈને પલાયન ન થાય એ માટે સોરેન ધારાભ્યોને લઈને ટુર પર નીકળી ગયા હતા. મહારાષ્ટ્ર જેવી સ્થિતિ ઝારખંડમાં થાય તો સોરેનની શાન ધૂળધાણી થઈ જાય એટલે શક્ય હોય તેટલા પ્રયત્નો કરીને તેમણે ધારાસભ્યોને ગળે બાંધી રાખ્યા હતા. એ સમયે તેમના પર કોલસાના ગેરકાયદેસર ખનનનો આરોપ લાગ્યો હતો.
બિહારથી છૂટું પડીને નવું રાજ્ય બનેલું ઝારખંડ તેના ખનીજના જથ્થા માટે મશહૂર છે. ઝારખંડની જમીનમાં યુરેનિયમ, માઇકા, બોક્સાઇટ, ગ્રેનાઇટ, સોનું, ચાંદી, ગ્રેફાઇટ, મેગ્નેટાઇટ, ડોલોમાઇટ, ફાયરક્લે, ક્વાર્ટઝ, કોલસો, આર્યન અને કોપર દટાયેલાં પડયાં છે. આખા દેશમાં જેટલો કોલસો છે તેનો ૩૨ ટકા કોલસો માત્ર ઝારખંડમાં છે. એવી જ રીતે આખા દેશમાં જેટલું કોપર જમીનમાં દટાયેલું પડયું છે તેના ૨૫ ટકા કોપર માત્ર ઝારખંડમાં છે. આટલી સમૃદ્ધ ભૂમિ ઝારખંડની છે, પરંતુ કરુણતા એ છે કે ઝારખંડની પ્રજા હજુ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. તેનું કારણ એ છે કે ઝારખંડમાં આવેલી વિવિધ ખાણોનો માલ ઉધોગપતિઓ અને દલાલો સીધો જ ઓહિયા કરી જાય છે. રાજ્યને સુદ્ધાં બહુ લાભ મળતો નથી. રાજકારણીઓ અને અધિકારીઓની મિલીભગતથી રાજ્યની તિજોરીમાં ખાણ- ખનીજની રોયલ્ટીનો પૂરતો હિસ્સો જમા થતો નથી તે પણ એક વરવી વાસ્તવિકતા છે જ અત્યારે ઝારખંડમાં જે રાજ્કીય સંકટ ઊભું થયું છે તેની પાછળ પણ આ ખનીજોની તગડી કમાણી કારણભૂત છે. પાંચ મહિના પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન પર આક્ષેપ હતો કે, તેમણે જાતે જ સરકારની એક ખાણ પર કબજો જમાવ્યો છે. ઝારખંડની રાજધાની રાંચીના અનગડા વિસ્તારમાં આવેલી એક ખાણની લીઝ મુખ્યમંત્રીએ પોતાનું હિત ધરાવનારાઓને આપી દીધી, ઝારખંડમાં મુખ્ય વિપક્ષ એવા ભાજપે આ મુદ્દાને ઓફિસ ઓફ પ્રોફિટ સાથે જોડીને રાજ્યપાલને ફરિયાદ કરી હતી. આ ફરિયાદને આધારે રાજ્યપાલે સમગ્ર મુદ્દા પર ચૂંટણી કમિશનની સલાહ માગી હતી. અંતે ફ્લોર ટેસ્ટમાં માંડ માંડ બહુમતી સાબિત કરીને સોરેને પોતાની સરકાર બચાવી લીધી હતી પરંતુ જૈન સમાજના આંદોલન બાદ હવે તેમના સિંહાસન પર કોલસા કૌભાંડના છાંટા ઉડી રહ્યા છે.
હેમંત સોરેનના પૂજ્ય પિતાજી જયારે સત્તારૂઢ હતા ત્યારે ધનબાદની કોલસાની ખાણના કોલસાનો રંગ દિલ્હી પહોંચતાં સુધીમાં લીલો થઇ જતો અને આ કોલસો ચલણી નાણાંનું સ્વરૂપ ધારણ કરી લેતો. તેમના શાસનમાં સરકાર પર આક્ષેપ હતો કે કોલસાના માફિયાઓને સરકારને પ્રોટેક્શન મની આપી છે એટલે કોઈ તેમનો વાળ પણ વાંકો નહીં કરી શકે. આજે કાળા-બ્લ્યૂ કપડાં પહેરતા ખાણિયા અને તેના દલાલો સફેદ ચકચકિત ખાદી અને સૂટ-બૂટ ધારણ કરીને લકઝુરિયસ એસયુવીમાં ફરતા થઇ ગયા છે. હજારો ફૂટ ઊંડે ઊતરીને કોલસાની કાળાશ સાથે હરીફાઇ કરનારો ખાણિયો દિવસે ન ઉતરે એટલો રાતે જમીનમાં જીવના જોખમે ઊંડો ઊતરતો જાય છે. અને વધુ ગરીબ બનતો જાય છે. આ કિસ્સાઓને ઝારખંડ ભાજપના નેતાઓ મીડિયા સમક્ષ રજૂ કરી રહ્યા છે. દુ:ખની વાત છે કે સોરેન જૈન સમુદાયના આસ્થાના પ્રતીક પર અર્થ-ઉપાર્જન મેળવીને ઝારખંડનો વિકાસ કરવા માંગે છે. આ ડર્ટી પિક્ચર’થી સમગ્ર ઝારખંડ ખફા છે.
સમ્મેત શિખરનો વિવાદ ચાલે છે ત્યારે જ કેન્દ્ર સરકારના નેશનલ થર્મલ પાવર કોર્પોરેશને જાહેરાત કરી છે કે કોલસાનું ઉત્પાદન નીચા ભાવે પડે તો જ વીજ વપરાશકારોને સસ્તા ભાવે વીજળી આપી શકાય. હાલ કોલસાના વિશાળ જથ્થા પર કબજો ધરાવતી વિશ્ર્વની સૌથી મોટી એકમાત્ર કંપની કોલ ઇન્ડિયા છે જેના હાથમાં હજારો કરોડોનો વહીવટ છે. અને તે પૂર્ણપણે ભાજપ તરફી છે. આવા સમયે ભાજપ ફરી ઓપરેશન લોટ્સ સક્રિય કરે તેના અણસાર વર્તાઈ રહ્યા છે. ઝારખંડ વિધાનસભામાં અત્યારે કુલ ૮૧ બેઠક છે. સત્તા સ્થાને બેસવા ૪૨ બેઠકો જોઈએ. જેમાં સોરેનની ઝારખંડ મુકિત મોરચા, કૉંગ્રેસ અને આરજેડીની સંયુક્ત સરકાર છે. ઝારખંડ મુક્તિ મોરચાના ૩૦ ધારાસભ્યો, કૉંગ્રેસના ૧૮, આરજેડીનો એક અને એક અપક્ષ મળીને કુલ પચાસ ધારાસભ્યો હેમંત સોરેન પાસે છે. ભાજપના ધારાસભ્યોની સંખ્યા ૨૬ છે. આ ઉપરાંત ભાજપને આજસુના બે તથા બીજા ત્રણ ધારાસભ્યોનો ટેકો છે એટલે કુલ ૩૧ ધારાસભ્યો તો તૈયાર જ છે. ૧૧ ઘટે છે. જો જૈન સમાજની માગ નહીં સ્વીકારાઈ તો ૧૧ પણ ખળી જશે.
ઝારખંડની સ્થાપના બાદ બાવીસ વર્ષમાં ૧૧ મુખ્યમંત્રીઓ થયા છે. સરેરાશ કાઢીએ તો દર બે વર્ષે મુખ્યમંત્રી બદલે છે. ઝારખંડ એરિયાની દૃષ્ટિએ દેશનું ૧૫મા નંબરનું અને વસતિના હિસાબે દેશનું ૧૪મા નંબરનું રાજ્ય છે. ગાઢ જંગલો અને મોટા પાયે ખનીજ સંપત્તિ ધરાવતા આ રાજ્યમાં આદિવાસીઓની મોટી વસતિ છે. કમનસીબી એ છે કે, ઝારખંડના રાજકારણીઓ અને એમાંયે સોરેન પરિવારે લોકો માટે કરવાં જોઇએ એવાં કામો કર્યા જ નથી. ઝારખંડનું રાજકારણ વધુ એક કરવટ લઇ રહ્યું છે ત્યારે હવે સમ્મેત શિખર અંગેનો સીએમ સોરેનનો નિર્ણય તેની સરકારનું ભાવિ નક્કી કરશે. ઉ