થાણે: કલ્યાણમાં જ્વેલરીની દુકાનમાં લૂંટ ચલાવવા ઘૂસેલા પાંચ લૂંટારુનો દુકાનમાં હાજર ત્રણ જણે સામનો કરી લૂંટની યોજના નિષ્ફળ બનાવી હતી. જોકે લૂંટારુએ તલવારથી કરેલા હુમલામાં બે જણ ગંભીર રીતે ઘવાયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની સવારે ૧૧ વાગ્યાની આસપાસ બની હતી. દાગીનાની લૂંટ ચલાવવા દુકાનમાં ઘૂસેલા લૂંટારુઓએ તોફાન મચાવ્યું હતું અને દુકાનમાલિકના બે સગા પર તલવારથી હુમલો કર્યો હતો.
દુકાનમાલિક અને તેમના બે સગાએ લૂંટારુઓનો સામનો કર્યો હતો, જેને કારણે લૂંટ ચલાવ્યા વિના જ આરોપી કારમાં ફરાર થઈ ગયા હતા. આ પ્રકરણે હિલ લાઈન પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૯૫ અને ૩૦૭ તેમ જ આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરાર આરોપીઓની શોધ માટે પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. (પીટીઆઈ)