બિહારમાં રાજકીય વાવંટોળ ચાલુ છે. નેતાઓની બયાનબાજીના કારણે સત્તાધારી JDU અને RJD વચ્ચેની ખાઈ વધુ ઊંડી થઈ રહી છે. સત્તામાં સાથી હોવા છતાં આરજેડીના નેતાઓ મુખ્ય પ્રધાન નીતીશ કુમારને ઘેરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. આરજેડી નેતા સુધાકર સિંહે ફરી એકવાર નીતીશ કુમાર પર પ્રહાર કર્યા છે. દારૂ પર પ્રતિબંધના મુદ્દે સુધાકર સિંહે કહ્યું હતું કે બિહારમાં નકલી દારૂની હોમ ડિલિવરી થઈ રહી છે. નીતિશ કુમારના ‘કાર્ય અને શબ્દો’માં ફરક છે.
ખગરિયામાં એક કાર્યક્રમ દરમિયાન આરજેડી નેતા સુધાકર સિંહે કહ્યું હતું કે, ‘લોકો કહે છે કે બિહારમાં દારૂ ઝેરી છે. બધા જાણે છે કે ઝેરી દારૂ ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે, પરંતુ સરકાર ખેડૂતોની ખેતી માટે બિયારણ અને ખાતર ઘરે પહોંચાડી શકતી નથી. તેમણે આગળ કહ્યું હતું કે, “શું આમાં કોઈ મોટું વિજ્ઞાન છે, માત્ર ઈચ્છા શક્તિની જરૂર છે.” આરજેડી નેતાએ વધુમાં કહ્યું હતું કે, ‘વીજળી વિભાગ સુવિધા એપ ચલાવે છે અને તે દોઢ વર્ષથી બંધ છે. જે રાજ્યમાં એપ ઓનલાઈન ચાલી શકતી નથી ત્યાં તેઓ કહી રહ્યા છો કે બિહાર બદલાઈ જશે. નીતીશકુમાર ખોટું બોલી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સુધાકર સિંહ સતત નીતીશ કુમાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. તેઓ પોતાના ધારદાર નિવેદનોથી નીતીશ કુમાર પર નિશાન સાધી રહ્યા છે. જોકે આરજેડીએ નીતિશ વિરોધી નિવેદનો પર સુધાકર સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આરજેડીએ સુધાકર સિંહને કારણ બતાવો નોટિસ જારી કરી છે.