રોજ બરોજ -અભિમન્યુ મોદી
માણસને ભૂખ, તરસ અને દેહસુખ પછીની ચોથી પ્રાથમિક જરૂરિયાત ‘નશો’ જ છે અને ભારતમાં તો લોકોને નશો કરવાનો ‘નશો’ છે. વડોદરાના સિંઘરોટ ગામના ખેતરમાંથી ૫૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું અને મુંબઈનું નામ આ રેકેટમાં ઉછળ્યું, કેમ? આ ડ્રગ્સ કાંડમાં સામેલ મુખ્ય સૂત્રધાર સૌમિલ પાઠક મૂળ મુંબઈનો રહેવાસી અને ૨૦૧૭માં આ જ મોડેસ ઓપરેન્ડીથી મુંબઈના સાંગલી ગામમાં ખેતરમાં મગફળીના નામે ૪૮ લાખ રૂપિયા એમડી ડ્રગ્સ અને હશીશની ખેતી કરતા ઝડપાયો હતો. તેણે વેબસિરિઝ ‘નાર્કોઝ’થી પ્રેરાઈને વડોદરામાં પણ ભેંસના તબેલાની આડમાં ડ્રગ્સનું પ્રોડક્શન હાઉસ શરુ કર્યું હતું. ‘નાર્કોઝ’ એટલે ‘ડ્રગ લોર્ડ’ તરીકે ઓળખાતા કોલંબિયાના માફિયા કિંગ પાબ્લો એસ્કોબારની જીવની. આખાય આયખા દરમિયાન પાબ્લોએ વિશ્ર્વમાં ડ્રગ્સનો વ્યાપાર અને વિકાસ કર્યો. તેના પ્રતાપે આજે વિશ્ર્વભરમાં નશેડીઓને ડ્રગ્સ મળે છે. પાબ્લોએ કેનાબિસ સટાઇવા નામની વનસ્પતિમાંથી નશીલા દ્રવ્યો બનાવવાની શરૂઆત કરી હતી.
લગભગ બધા જ દેશોના લોકો કોઈને કોઈ ધાર્મિક કે વૈજ્ઞાનિક માન્યતાઓ મુજબ કેનાબિસનો નશો સદીઓથી કરતા આવ્યા છે. કેનાબિસને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે જેમ કે ચરસ, ભાંગ, ગાંજો, ડગ્ગા, મારીજુઆના, મેરી જેન. ક્યારેક કેનાબિસના છોડને કાપીને, સૂક્વીને, વાળીને સિગારેટ તરીકે પણ ઉપયોગ કરાય છે. કેનાબિસ સહિતના ડ્રગ્સનું વિપુલ માત્રમાં સેવન જગત જમાદાર અમેરિકામાં સૌથી વધુ થાય છે. ખુદ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ સ્વીકાર્યું છે કે તેઓ શૈશવકાળમાં મારીજૂઆના નામના કેમિકલ યુક્ત ડ્રગ્સનું સેવન કરતા હતા. અમેરિકા કરે એ દુનિયા કરે આવી નકલખોરીથી ભારત સહિતના દેશોમાં પણ મારીજૂઆનાની ફેશન પુરબહારમાં આવી હતી અને આજે પણ ભારતના ખૂણેખૂણેથી નશીલા દ્રવ્યો સાથે યુવાનો પકડાઈ છે.
દિવંગત સુશાંતસિંહ રાજપુતના કેસમાં શરૂ થયેલ ડ્રગ્સનું રેકેટ આયર્ન ખાન, શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂર સુધી લંબાયું. ભારતના સેલિબ્રિટીઓ અને શ્રીમંત નબીરાઓ જેના રવાડે ચડ્યા છે એવા મુખ્ય ડ્રગ્સ એલએસડી, મેન્ડ્રેક્સ અને મારીજૂઆનાની અમુક ઇફેક્ટસ અને સાઈડ ઇફેક્ટસ જાણી લેવા જેવી છે. તેમાં આંખે ધૂંધળું દેખાવું, બોલવામાં જીભે લોચા વળવા, ચક્કર અને અશકિત જેવી તકલીફોનો ભોગ બની શકાય છે. બાકી અન્ય ડ્રગ્સના ઓવરડોઝમાં તો નપુંસકતા, હૃદયરોગ, કિડની ફેઈલયોર કે મૃત્યુ પણ થઈ શકે છે. પરંતુ નશાની નાગચૂડમાં ફસાયેલા સેલિબ્રિટીઝને તેનાથી કોઈ ફરક પડ્યો નથી. દેવાનંદે ’દમ મારો દમ’ ગીતમાં ચરસ-ગાંજાની કાળી બાજુ દર્શાવી છતાં લોકોએ ચરસમાં ચૈતન્ય શોધવાની ફિલસુફી અપનાવી લીધી.
સિદ્ધાર્થ કપૂર બેંગલુરૂમાં જે રેવ પાર્ટીમાં ઝડપાયો તેણે બેંગ્લોરમાં માલેતુજારો દ્વારા ચાલતા ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. બેંગલુરુમાં તો મુંબઈ કરતાં પણ નશેડીઓ મળી આવે છે. ભારતમાં આઈટી ક્ષેત્રે લગભગ ૪૫ લાખ લોકો કામ કરે છે ને તેમાંથી ત્રીજા ભાગના એટલે કે ૧૫ લાખ ખાલી બેંગલુરૂમાં જ રહે છે. ભારતનું આઈટી સેક્ટર દર વર્ષે નિકાસમાંથી ૮૦ અબજ ડોલરની કમાણી કરે છે. તેમાં બેંગલોરનો હિસ્સો ૪૦ ટકા એટલે કે લગભગ ૩૨ અબજ ડોલર છે. બેંગલુરૂમાં એ રીતે ડોલરનો વરસાદ થાય છે.
આઈટીની અઢળક કમાણીના કારણે બેંગલુરૂએ ઝાકમઝોળમાં મુંબઈ, દિલ્હી જેવાં શહેરોને ક્યાંય પાછળ છોડી દીધું છે. મલ્ટિનેશનલ કંપનીઓની ભવ્ય ઓફિસો, લક્ઝરીયસ બ્રાન્ડ્સના શો-રૂમ, શરાબ ને શબાબની મહેફિલો, દારૂની રેલમછેલ ને ડાન્સના થિરકાટ હોય એવાં પબ્સ, આંખો અંજાઈ જાય એવી નાઈટ લાઈફ બેંગલૂરૂમાં છે. અઢળક કમાણી હોવાથી યુવાનો જલસા કરે છે ને તેના કારણે ડ્રગ્સ સહિતનાં દૂષણો પગ કરી ગયાં હોય એ શક્ય છે. બેંગલુરૂની ક્ધનડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ ડ્રગ્સના કારણે વગોવાયેલી છે. બેંગલુરૂ કર્ણાટકની રાજધાની છે તેથી મોટામોટા રાજકારણીઓ અને અધિકારીઓ અહીં રહે છે. નેતાઓ અને અધિકારીઓ પાસે કામ કરાવવા માંગતા લાયેઝન સાથે સંકળાયેલાં લોકો, સોશિયાલઈટ્સ પણ પડયાપાથર્યા રહે છે.
બેંગલુરૂમાં ફિલ્મ સ્ટાર્સની રેવ પાર્ટીઓ અને ડ્રગ્સ નવી વાત નથી. સુશાંત કેસ ગાજતો હતો ત્યારે ક્ધનડ ફિલ્મના ડ્રગ્સ કૌભાંડે ખળભળાટ મચાવ્યો હતો કે જેમાં ક્ધનડ અભિનેત્રીઓ રાગિણી દ્વિવેદી અને સંજના ગલરાની સંડોવાયેલી હતી. આ કૌભાંડનો રેલો બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય સુધી પહોંચ્યો હતો. ડ્રગ્સ રેકેટનો સૂત્રધાર વિવેકનો સાળો આદિત્ય આલ્વા હતો. ભાજપના ભૂતપૂર્વ નેતા જીવરાજ આલ્વાના પુત્ર આદિત્યની માતા નંદિની જેડીએસની સભ્ય છે. આદિત્ય ૪ એકરમાં ફેલાયેલા પોતાના ‘હાઉસ ઓફ લાઈફ’ બંગલામાં ફિલ્મ સ્ટાર્સની રેવ પાર્ટી કરતો તેમાં ફિલ્મ સ્ટાર્સ ડ્રગ્સ લઈ મસ્ત બની જતાં. ક્ધનડ જ નહીં પણ દેશભરની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સ્ટાર્સ પાર્ટીઓમાં આવતા.
રાગિણી દ્વિવેદીની ધરપકડ થઈ ત્યારે આદિત્યનું નામ બહાર આવી ગયેલું પણ એ ભાગી ગયેલો. કર્ણાટકમાં ત્યારે યેદુરપ્પા મુખ્યમંત્રી હતા. વિવેક ભાજપની નજીક છે અને મોદી પરની બાયોપિકમાં મોદીનો રોલ કરી ચૂક્યો હોવાથી આદિત્યને સરકારે કશું ના કર્યું પણ મીડિયામાં આદિત્યનાં પરાક્રમોની વાતો છપાતી રહી તેથી પોલીસે આદિત્યને ત્યાં રેડ કરવી પડી હતી. આ રેડમાં કબાટમાંથી ઘણાં હાડપિંડર બહાર આવી ગયેલાં. આદિત્યની બહેન અને વિવેકની પત્ની અદિતી આદિત્યની ભાગીદાર હોવાથી તેની સામે સમન્સ નિકળેલું. વિવેકને ત્યાં પણ રેડ પડી હતી પણ પછી બધું ભીનું સંકેલાઈ ગયેલું.
ભારતમાં મુંબઈ અને દિલ્હીના યુવાનો ડ્રગ્સને રવાડે છેલ્લા ત્રીસેક વરસથી ચડ્યા છે. પંજાબ તો ડ્રગ્સનું ધામ છે. એ સિવાય સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને બેંગ્લોર જેવા મેટ્રોપોલિટન શહેરો સુધી આ દૂષણ સારા એવા પ્રમાણમાં પહોંચી ગયું છે અને ભયજનક રીતે વ્યાપાર-પ્રચાર વધી રહ્યો છે. દર મહિને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે વિપુલ માત્રામાં ડ્રગ્સ ઠલવાઇ છે. રાજકોટમાં તો ક્રિકેટર યુવક અને તેની પત્નીનું ભયંકર ડ્રગ્સ કૌભાંડ સામે આવ્યું હતું. અમદાવાદમાં દર બીજા દિવસે અફીણ અને ડ્રગ્સનું વેચાણ કરતા વ્યાપારીઓ મળી આવે છે.
વર્ષોથી ભારતના દરિયા કિનારે શો અને નશીલા પદાર્થોની હેરાફેરી શરૂ થઈ રહી છે અને હરીફરીને તેનું કનેશન મુંબઈમાં ખુલે છે. સૌમિલ પાઠક જેવા ઝેરનો વ્યાપાર ચલાવતા માફિયાઓએ કબુલ્યું છે કે નશીલા દ્રવ્યોનો આ આખો કારોબાર અફઘાન – પાકની સરહદે હોશમાં રહીને ખૂંખાર વેપારીઓ કરી રહ્યા છે જેઓ મ્યાનમાર – ભારત- પાક – અફઘાન ચારેય દેશોના મોસ્ટ વોન્ટેડ છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ માદક દ્રવ્યોના ટ્રાન્સ્પોર્ટેશન માટે પેલા વેપારીઓ પાસેથી શેહ શરમ વગર લાખો રૂપિયા લે છે જે વરસે કરોડો થવા જાય છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના આતંકવાદીઓનો એક કોમન નાણાં પ્રવાહ માદક પદાર્થોમાંથી આવે છે.
પાકિસ્તાનનો મૂળભૂત હેતુ દેશની યુવાપેઢીને ખતમ કરવાનો છે. એટલે જ તે પંજાબ પર પ્રહાર કરે છે. પંજાબી પ્રજાની તાકાત વિશ્ર્વખ્યાત છે. ત્યાં તો ભાગ્યે જ કોઈ પરિવાર એવું હોય જેમાંનું કોઈ રાષ્ટ્રની સેવામાં સરહદે તૈનાત ન હોય. લશ્કરી ભરતીમાં પંજાબી યુવાનોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયેલો છે અને એનું એકમાત્ર કારણ પાકિસ્તાન પ્રેરિત માદક દ્રવ્યો છે.
ડ્રગ્સની વાત નીકળે ત્યારે સામાન્યરીતે પંજાબની જ વાત ચાલતી હોય છે પરંતુ ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક એનો પડછાયો દેખાય છે. કેટલાક કોલેજિયનો સિગારેટમાં માદક દ્રવ્ય ઉમેરીને પીતા થયા છે. સ્થાનિક ભાષામાં એને ‘ભરેલી’ સિગારેટ કહેવાય છે. આ ભરેલી સિગારેટની જેમ જ ભારતમાં ડ્રગ્સનું દૂષણ ભરાઈ ગયું છે. ક્યારેય ભારત નશાની નાગચૂડમાંથી મુક્ત થઈ શકશે? આ નશીલો વ્યાપાર ક્યારે અટકશે?