Homeલાડકીઊગતી જુવાની V/S આથમતી યુવાની

ઊગતી જુવાની V/S આથમતી યુવાની

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

ટીનએઈજમાંથી બહાર નીકળવાના રસ્તે પહોંચેલી કોઈપણ યુવાન છોકરી માટે બે પડકારોના એકીસાથે જીવનમાં પડઘા પડવાના ચાલુ થાય છે. એક પોતાની ઊગતી જુવાની અને બીજી પેરેન્ટસની આથમતી યુવાની. એક તરફ બદલતી જાત અને બગડતી પરિસ્થતિ જયારે બીજી તરફ ઉલઝતાં માતા-પિતાની સાથે ઉખડતા સંબંધો. જાણે જીવનપુલના બંને સામસામેના છેડા. આ બંને વચ્ચે સમતુલન જાળવી જીવન ચલાવવું એ ટીનએઈજ યુવતીઓ માટે અતિશય અઘરું કાર્ય સાબિત થાય છે. એટલું અઘરું કે મોટાભાગની યુવતીઓ આવા કોઈ પ્રયત્ન ચાલુ જ કરતી નથી અથવા તો અધવચ્ચે જ પ્રયત્નો મૂકી દે છે.
ઘરમાં એકલતાની ઊંડી ખીણમાં ધકેલાય જવું એને પસંદ આવે છે અને એમાંથી જ એ વિચાર સ્ફુરે છે કે પોતાના ઊગી રહેલ નવા જીવન બાગની સામે ઉજડી રહેલ જૂના જંગલની શી વિસાત! આ મતલબના અનેક વિચારો વિહા જેવી અનેક યુવતીઓના મનનો કેડો મુકતા હોતા નથી અને આથીજ એ ક્યારેક પોતાના માતા-પિતા પરત્વે બેદરકાર બની જાય છે, મિત્રો કે સહેલીઓને વધુ મહત્ત્વ આપે છે અને માતા-પિતાને સમજાવવાની શરૂઆત કરતા પહેલા જ હારી જવાનું પસંદ કરે છે.
મોટાભાગે જિંદગીના ત્રીજા ચોથા દાયકામાં પહોંચેલી સ્ત્રીઓ અને પોતાના બીજા દસકાની નજીક પંહોંચેલા સંતાનો વચ્ચે સાયુજ્યની વાત આવે ત્યારે સ્વભાવગત એવું જ સાંભળવા મળે છે કે તેઓની દુનિયા હવે સંતાનોની દુનિયા કરતા અલગ થઇ ગઈ!. અત્યાર સુધી સતત મમ્મી..મમ્મી કરી પાછળ દોડાદોડી કરતી દીકરી હવે માળો છોડીને ઊડવા માટે તૈયાર છે કે ઊડી જ ગઈ છે એ હકીકત સ્વીકાર્ય બનતા બહુ વાર લાગે છે. અને આથીજ અંત:સ્ત્રાવોને કારણે થતા ફેરફારોને વશ આમ પણ દીકરી અને માં બંન્નેની માનસિક તેમજ શારીરિક પરિસ્થિતિ સામાન્ય કરતાં ઘણી અલગ બની જતી
હોય છે અને એજ સમયે યુવતીઓને જો પેરેન્ટ્સ તરફથી ઈચ્છા મુજબનો સાથ સહકાર ના મળતા વધુ દુ:ખી થતી જોવા મળે છે.
પહેલા અને હવેના સમયમાં પોતે તો એના એજ છે એવું માનતા દરેક ટીનએજર્સને પેરેન્ટ્સ સાથેનાં પરિમાણો શા માટે બદલી ગયા છે એ પ્રશ્ર્નનો કોઈ ચોક્કસ જવાબ મળી આવે નહી એ સ્વાભાવિક છે, પરંતુ એ વિચારોની પોતાના પેરેન્ટ્સ સાથે ચર્ચા જ ના કરવી અને મનફાવે તે રીતે વર્તવું કે પછી તેઓની તકલીફો પરત્વે બેદરકાર બની જવું અતિશય અયોગ્ય છે.
કારણકે ઘણી વખત એવું બને છે કે તરુણાવસ્થા દરમિયાન કે એ પછી ઉદભવતી અનેક નાની મોટી સમસ્યાઓનો તમારા જ પેરેન્ટ્સ દ્વારા બહુ સારી રીતે નિષ્કર્ષ નીકળી પણ શકતો હોય છે, પરંતુ જરૂર હોય છે કે તમારા પેરેન્ટ્સને તમારાથી અલગ ના સમજતા એને પોતાનાજ સમજી હળવે હળવે તમે શું અનુભવો છો અથવા તો શા માટે તમને તેઓના અમુક વર્તનથી તકલીફ પડે છે એ પરિસ્થિતિથી વાકેફ કરવા. તેઓ દ્વારા અપાતાં મંતવ્યોને વધાવવા અને જરૂર લાગે તો અમલમાં પણ મુકવાનું શરૂ કરવું
જોઈએ.
બીજી સૌથી મોટી ભૂલ પેરેન્ટ્સ દ્વારા પણ થતી હોય છે કે સંતાનોને પોતાના જેવા જ બનાવવાનો સતત પ્રયત્ન કરવામાં તેઓ એક મુખ્ય મુદ્દો ભૂલી જાય છે કે સંતાનોનું પણ એક અલગ વ્યક્તિત્વ છે. અને કુદરતી રીતે જ તેઓના વ્યક્તિત્વથી આપણે અલગ છીએ અને તેઓ જેવા બનવા કે તેઓને આપણા જેવા બનાવવા અસમર્થ છીએ એ મુજબનો ખ્યાલ જો આવી જાય તો અંત:સ્ત્રાવોના વમળમાં ચકરાવે ચડી જતાં સંતાનોને સંભાળી શકીએ છીએ.
આ પરિસ્થિતિમાંથી નીકળવાનો સૌથી સહેલો ઉપાય એ છે કે સંતાન સાથે સમય પસાર કરતા શીખો. તેની સાથે વાતો કરવી, કોઈ વિષય પર ચર્ચા કરવી, નિર્ણયો લેવાના આવે ત્યારે તેના મતને ગણતરી પર લેવો, તેની સલાહને માન આપવું અને ઘણી વખત સલાહ પણ એવી રીતે આપવી કે તમે એની સ્વતંત્રતા પર કાપ મૂકો છો એવું એને
લાગે નહિ.
ધીમે ધીમે એવું બનશે કે સંતાન છે એ પણ પોતાની પરિસ્થિતિ તમને સમજાવતા શીખશે. અને એક ખૂબ સ્વસ્થ સંબંધનું નિર્માણ થવાની શરૂઆત થશે જે આગળ જતા તમને શાતા આપવા સમર્થ બનશે. સંતાન તમને ગમતાં પુસ્તકો વાંચે એના માટે તમારે એને ગમતું પુસ્તક વાંચવું પડે, તમને ગમતું સુગમ સંગીત સાંભળે એ માટે તમારે તેઓને ગમતું રોક મ્યુઝિક સાંભળવું પડે, તમારી દુનિયાને સજાવવા માટે સંતાનોની દુનિયાને સમજવી પડે એ સત્ય જો તમે
સમજી જાઓ ટીનએજર્સની જિંદગીને ફરિયાદોથી પર અને આનંદથી સભર બનાવી શકાય છે. મારી મમ્મી મારી ફ્રેન્ડ છે, મારા પપ્પા મારા દોસ્ત છે કે મારું સંતાન મારું મિત્ર છે એ પ્રકારનાં વાક્યો બોલવા ઘણા સહેલા છે, પરંતુ એ મુજબનું જીવન જીવવું બહુ અઘરુ છે.
આજકાલ રીતસરની એ ફેશન ચાલે છે કે અમારા સંતાનોને અમે મિત્રો માનીએ છીએ, અમારા બાળકો, દીકરો કે દીકરી પછી પણ પહેલા ફ્રેન્ડ છે, પરંતુ શું બોલવાથી, કોઈને કહેવાથી કે એવું માત્ર વિચારી લેવાથી એ સાચું હોય છે ખરું?? કે કોઈ પ્રયત્ન વગર સાચું પડી જાય છે? એમજ કોઈ ચમત્કાર થઇ શકતો નથી, એના માટે બાળક નાનું હોય ત્યારથી જ એકધારા પ્રયત્નો થાક્યા કે હાર્યા વગર કરવા પડે, ઘણું બધું જતું કરવું પડે અને એક સમજદારીભર્યું જીવન એની સામે જીવવું પડે.
શરૂઆતનાં વર્ષો દરમિયાન એ પ્રકારની સમજ કે અનુકૂળતા ના હોય એવું બને પરંતુ પછી તરુણાવસ્થા કે યુવાનીએ શાંતિ, સમજદારી અને સરળતાથી સંતાનને સમજાવવાની જરૂર હોય છે . તો ટીનએઈજમાં, પુખ્ત થઇ રહેલા સમજુ બની રહેલા તેઓ સાચેજ એક સારા મિત્રની ગરજ સારતા જોવા મળે છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -