બ્રિટન હાલમાં મંદીની ઝપેટમાં છે. મોંઘવારીએ માઝા મૂકી છે. આર્થિક મોરચે પણ બ્રિટન સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે બ્રિટનના લોકો વડાપ્રધાન ઋષિ સુનક પર મીટ માંડીને બેઠા છે કે તેઓ દેશને સમસ્યામાંથી બહાર કાઢશે. ઋષિ સુનકે પણ સત્તા સંભાળી લીધા બાદ આર્થિક મંદીને દૂર કરવા માટે અનેક પગલાંની જાહેરાત કરી છે. સુનકે 5500 કરોડ પાઉન્ડની રાજકોષીય યોજનાની જાહેરાત કરી છે. દેશના નાણા પ્રધાન જેરેમી હંટે ઇમરજન્સી બજેટ રજૂ કર્યું છે અને મોંઘવારીને કાબુમાં લેવા માટે કરવેરામાં ધરખમ વધારો કરવાની જાહેરાત કરી છે.
જેરેમી હંટના બજેટની મુખ્ય જાહેરાતોમાં દેશમાં ઉર્જા કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ વધારવામાં આવ્યો છે. અગાઉ વિન્ડફોલ ટેક્સ 25 ટકા હતો તે હવે વધારીને 35 ટકા કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક જનરેટર પર 45 ટકાનો ટેમ્પરરી ટેક્સ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત હવે વાર્ષિક 1.25 લાખ પાઉન્ડ કમાતા લોકો પણ ટોપ ટેક્સના દાયરામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. એ ઉપરાંત સુનકની સરકારે 2025થી ઇલેક્ટ્રિક વાહનો પર એક્સાઇઝ ડ્યુટી નહીં લેવાની પણ જાહેરાત કરી છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે બ્રિટનમાં ઉર્જાના ભાવમાં ભારે વધારો થયો છે અને દેશનું અર્થતંત્ર ખોરવાઇ ગયું છે, જેમાં 2024 સુધી સુધારાની કોઇ શક્યતા દેખાતી નથી.
બ્રિટન માટે હાલમાં ઘણો મુશ્કેલીનો સમય ચાલી રહ્યો છે. લોકોને ઋષિ સુનક પાસેથી ઘણી આશા છે કે તેઓ મોંઘવારીને નાથવા માટે પગલા લેશે અને અર્થતંત્રને ફરી પાટે ચઢાવશે. એવામાં તેમનો ટેક્સ વધારવાનો નિર્ણય સાચો ઠરશે કે નહીં એના પર સહુની નજર છે.