લંડન: મૂળ ભારતીય હિંદુ ઋષિ સુનકે મંગળવારે યુનાઇટેડ કિંગડમ (યુકે)નું વડા પ્રધાનપદ સત્તાવાર રીતે સંભાળીને ઇતિહાસ રચ્યો હતો. ૪૨ વર્ષીય ઋષિ સુનક છેલ્લાં ૨૧૦ વર્ષમાંના બ્રિટનના સૌથી યુવાન વડા પ્રધાન બન્યા છે. તેઓ બ્રિટનના પહેલા હિંદુ વડા પ્રધાન પણ છે. રાજા ચાર્લ્સ ત્રીજાએ સરકાર રચવા આપેલું આમંત્રણ તેમણે સ્વીકાર્યું હતું. દિવાળીમાં ઋષિ સુનકના વિજયથી બ્રિટનના ભારતીય સમુદાયમાં ઉત્સાહનું વાતાવરણ હતું.
તેમણે વડા પ્રધાનના હોદ્દાનો અખત્યાર સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે બ્રિટન નિર્વિવાદપણે મહાન રાષ્ટ્ર છે. આપણો દેશ કોરોના રોગચાળા અને રશિયા-યુક્રેન વિગ્રહની અસરોને પગલે ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. તેથી અર્થતંત્રની સ્થિતિ સુધારવાની પ્રાથમિકતા રહેશે. કેટલીક ભૂલો થઈ હતી અને એ ભૂલો સુધારવા માટે હું ચૂંટાયો છું. રાષ્ટ્રમાં સુધારાનું કામ તત્કાળ શરૂ કરવામાં આવશે. આજના પડકારોનો સામનો કરવામાં ધીરજ, અનુકંપા અને અનુગ્રહનો માર્ગ અપનાવાશે.
લિઝ ટ્રસે ગયા મહિને મિનિ બજેટમાં કરવેરામાં ભારે કાપ મૂકયા હોવાથી એ બાબતને અર્થતંત્રને હાનિકારક ગંભીર ભૂલ ગણવામાં આવે છે. એ મુદ્દાને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રાલયનો અખત્યાર સંભાળી ચૂકેલા ઋષિ સુનકે આર્થિક કટોકટીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપણને હવે સ્થિરતા અને એકતાની જરૂર છે. રાષ્ટ્ર અને ક્ધઝર્વેટિવ પાર્ટીને એકજૂટ કરવાની મારી પ્રાથમિકતા રહેશે. પડકારોનો મુકાબલો કરીને આગળ વધવા અને રાષ્ટ્રને મજબૂત બનાવવાનો એ જ માર્ગ છે. ભાવિ સંતાનો માટે સક્ષમ રાષ્ટ્ર નિર્માણ માટે વિશ્ર્વસનીયતાથી સેવા આપવા માટે હું સંકલ્પબદ્ધ છું. બ્રિટિશ પ્રજાના ઉત્કર્ષ માટે હું દિવસ-રાત પરિશ્રમ કરીશ.
ઋષિ સુનક સોમવારે ક્ધઝર્વેટિવ પાર્ટીના નેતાપદે ચૂંટાયા પછી મંગળવારે બકિંગહૅમ પેેલેસમાં ૭૩ વર્ષના રાજા ચાર્લ્સ ત્રીજાને મળ્યા હતા. ચાર્લ્સ ત્રીજાએ સરકાર રચવાનું આમંત્રણ આપ્યા બાદ ઋષિ સુનકે ૫૭મા વડા પ્રધાનના હોદ્દાનો અખત્યાર સંભાળ્યો હતો. ઋષિ સુનક બ્રિટનના પહેલા ‘ઇન્ડિયન-ઓરિજિન પ્રાઇમ મિનિસ્ટર’ બન્યા છે. રાણી એલિઝાબેથના નિધન બાદ રાજા ચાર્લ્સ ત્રીજાએ શાસક-રાજવી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ બે મહિનાથી ઓછા સમયમાં બીજા અને વર્ષ ૨૦૨૨માં ત્રીજા વડા પ્રધાન ઋષિ સુનક બન્યા છે. સોમવારે સવારે લંડનમાં વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વિદાય લેતાં વડાં પ્રધાન લિઝ ટ્રસે પ્રધાનમંડળની બેઠકને સંબોધન કર્યું હતું. ત્યાર બાદ તેઓ બકિંગહૅમ પેલેસમાં રાજા ચાર્લ્સ ત્રીજાને રાજીનામું સુપરત કરવા ગયાં હતાં. ઋષિ સુનકે વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન લંડન સ્થિત ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પ્રથમ સંબોધન કર્યું ત્યારે પત્ની અક્ષતા અને બે પુત્રીઓ ક્રિશ્ર્ના અને અનુષ્કા તેમની સાથે હતા. ત્યારપછી તેમણે પ્રધાનમંડળના સાથીઓની પસંદગીનું કામ શરૂ કર્યું હતું. (એજન્સી)