Homeઉત્સવઋષિ: રુષિ, ઋતુ: રુતુ અને દરિયાઈ ઘોડો

ઋષિ: રુષિ, ઋતુ: રુતુ અને દરિયાઈ ઘોડો

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

ઋ સ્વર આમ તો ગુજરાતી નથી પણ આમંત્રણથી આપણા આંગણે આવી અહીં વસી ગયેલો મહેમાન છે. સંસ્કૃત ભાષાની વર્ણમાળાનો આ અક્ષર હવે તો ગુજરાતી જ ગણાય એ હદે આપણે સ્વીકારી લીધો છે. એની ગેરહાજરી કેવી સમસ્યાઓ ઊભી કરી શકે એનો વિચાર કર્યો છે? જો ઋ ન હોય તો ઋષિઓને રુષિ તરીકે ઓળખવા પડે અને ઋતુઓ કલેવર બદલી રૂતુઓ બની જાય અને આપણી આંખોને ખૂંચવા લાગે જે સારી વાત તો નથી જ. ગણ્યાગાંઠ્યા સંસ્કૃત તત્સમ શબ્દો સિવાય આપણી ભાષામાં ઋ સ્વરનો કોઈ વિશેષ ઉપયોગ નથી. ઈતિહાસ કહે છે કે એનો લોપ પ્રાકૃતના તબક્કાથી થઈ ગયો હતો પણ એને આપણે પાછો ઢસડી લાવ્યા. તમને જાણીને નવાઈ લાગશે કે ઋક્ષશાળા એટલે રીંછને રાખવાની જગ્યા. વાત એમ છે કે આ શબ્દ ઋક્ષ (રીંછ) અને શાલા (જગ્યા)ના સંયોજનથી બન્યો છે. એ જ રીતે રીંછોના રાજા જાંબુવાન ઋક્ષરાજ તરીકે પણ ઓળખ ધરાવે છે. રીંછના બચ્ચાને ઋક્ષીકા કહેવામાં આવે છે. ઋક્ષનો એક અર્થ નક્ષત્ર પણ થતો હોવાથી ઋક્ષનાથ (નક્ષત્રનો ધણી) એટલે કે ચંદ્ર એવોય થાય છે. જાણવા જેવી સરસ વાત એ પણ છે કે ઋકથ એટલે ધન, દોલત, પૈસો એવો થાય છે અને એના પરથી વારસો – મિલકત મેળવનાર ઋકથગ્રાહી કહેવાય છે.
માતૃભાષામાં દરિયાઈ ઘોડો તરીકે ઓળખાતા આ જીવને ઘોડા સાથે દેખાવ સિવાય કોઈ સંબંધ નથી. જીવશાસ્ત્રની વ્યાખ્યા અનુસાર દરિયાઈ ઘોડો એક પ્રકારની માછલી છે. માછલી હોવા છતાં અન્ય માછલી કરતાં દેખાવમાં અને જીવનશૈલીમાં જુદી પડે છે. આ માછલીનું મોઢું ઘોડા જેવું હોય છે અને એટલે જ આ નામથી ઓળખાય છે. એની પૂંછડી સાપ જેવી હોય છે પણ સરીસૃપ વર્ગમાં નથી આવતી. બીજી બે પ્રભાવિત કરનારી બાબત છે એનું હલનચલન અને માદા સાથે સહયોગ. બધી જ માછલી પાણીમાં આડી તરતી હોય છે. દરિયાઈ ઘોડો માણસ જેમ ચાલે એમ તરીને આગળ વધે છે. ટૂંકમાં ચીલો ચાતરીને ચાલવાની વાત. માદા સાથેની સહયોગની વાત તો સ્ત્રી સશક્તિકરણનો સુંદર દાખલો છે. નર અને માદા વચ્ચે સંવનન થયા પછી માદા નરના શરીરના Brood Pouch તરીકે ઓળખાતા હિસ્સામાં ઈંડાં (જેની સંખ્યા ડઝનથી લઈને હજાર સુધીની હોઈ શકે છે) મૂકે છે. ત્યાર પછી માદાની કાયા સુડોળ થઈ જાય અને નરનું શરીર પ્રેગ્નન્ટ માદા જેવું થઈ જાય, બોલો! ૨૪ દિવસ પછી એમાંથી બચ્ચા જન્મ લેતા હોય છે. આમ ચાર અઠવાડિયા નર સગર્ભાવસ્થામાં રહે છે. ખરો પત્ની પારાયણ! આમ આ દરિયાઈ ઘોડાએ આપણને પત્ની પારાયણ જેવો નવો શબ્દ આપ્યો, હા હા હા…
—————-
COLLECTIVE NOUNS
ભાષાને વ્યક્ત કરવા માટે અક્ષર, શબ્દ અને વાક્યની જરૂર પડે. દરેક વાક્યમાં નામ, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયાવિશેષણ વગેરેની હાજરી હોય. મોટેભાગે વાક્યમાં નામ કર્તા હોય છે. આ નામ પણ વિવિધ પ્રકારના હોય છે જેમાં એક છે સમૂહ વાચક નામ જે અંગ્રેજીમાંCOLLECTIVE NOUN તરીકે ઓળખાય છે. આજે આપણે એવા કેટલાક કલેક્ટિવ નાઉન જોઈએ જે જાણી તમને આશ્ર્ચર્ય અચૂક થશે. તમે બગીચામાં કે મધપૂડા પાસે મધમાખી ઉડાઉડ કરતી જોઈ હશે પણ એનો સમૂહ અંગ્રેજીમાં કયા નામથી જાણીતો છે એ કદાચ નહીં ખબર હોય. કા કા કા કરતા કાગડાથી કદાચ અકળાયા હશો, પણ એના ટોળાની ઓળખ નહીં જાણતા હોય. નિશાચર પક્ષી ઘુવડ એકલવાયું જીવન જીવવા માટે જાણીતા છે. સંવનન વખતે જ માદાના સહવાસમાં હોય છે. બાકી તો એકલા રામ. ભાગ્યે જ સમૂહમાં જોવા મળતું આ પક્ષીનું જૂથ A Parliament of Owls તરીકે ઓળખાય છે. તમને થશે કે પાર્લામેન્ટ શબ્દ કેમ? એનો જવાબ એમ છે કે ઘુવડ ડહાપણ – શાણપણનું પ્રતીક ગણાય છે અને આ નામ અસ્તિત્વમાં આવ્યું એ સમયે સંસદ ડહાપણનું પ્રતીક માનવામાં આવતું હતું.
કીડીને કણ અને હાથીને મણ એ કહેવત અત્યંત પ્રચલિત છે. અત્યંત ઉદ્યમી અને સંગ્રહ કરવા માટે જાણીતો આ જીવ ખરા અર્થમાં સામાજિક પ્રાણી છે. હંમેશાં જૂથમાં રહે જેમાં એક ‘રાણી સાહેબા’ હોય અને બાકીની બધી અહીંતહીં દોડાદોડ કરી ખાધાખોરાકીનો પ્રબંધ કરવા ઉપરાંત રાણીની સેવા કરવાની અને એને અવતરેલાં બચ્ચાઓની સારસંભાળ રાખવાની જવાબદારી પાર પાડે છે. કીડીઓનો સમૂહ Army of Ants તરીકે જાણીતો છે. હા વળી, લાવલશ્કર સાથે હોય તો પછી એવું જ નામકરણ થાય ને. કાળા રંગનું ખૂબ જ ચકોર પક્ષી કાગડો ભાગ્યે જ કોઈને ગમતો હશે. મોટાભાગના એને ધિક્કારતા હશે. એનું કા કા કા કકળાટ લાગે અને એઠવાડ, કોહેલું માંસ અને જીવડાંનો તેનો ખોરાક સૂગ જન્માવે. કાગડાઓનો સમૂહ A Murder of Crows તરીકે ઓળખાય છે. એનું કારણ એવું છે કે ઘણા લોકો એનો દેખાવ મૃત્યુનો સંકેત માને છે કારણ કે કાગડો મૃત પ્રાણી પર નભે છે. તેમનો નાતો મહદંશે યુદ્ધભૂમિ કે સ્મશાન – કબ્રસ્તાનના મૃતદેહ સાથે હોય છે. જે જગ્યાએ પ્રાણી કે મનુષ્ય મૃત્યુ પામવાના હોય એ જગ્યાએ મોટી સંખ્યામાં ગોળાકારે ઊડતા નજરે પડે એવી માન્યતા છે. આવી કેટલીક હકીકત તો કેટલીક માન્યતાએA Murder of Crowsને જન્મ આપ્યો. કંસારી કે ખડમાંકડું તરીકે પ્રચલિત જીવ અંગ્રેજીમાં Cricketકહેવાય છે. આ જીવ રોમેન્સની ક્ષણોમાં જાત જાતના અવાજ કરે છે – ગીત ગાય છે જે ક્રિકેટ સોન્ગ તરીકે જાણીતા છે. જાણે સંગીતકારોની એક ટુકડી પોતાની કળા પેશ કરતી હોય એવું લાગે. આ કારણસર કંસારીનો – ક્રિકેટનો સમૂહ An Orchestra of Crickets નામથી જાણીતો છે.
————–
चोरुवर मोरु
સાહિત્યિક ભાષામાં વ્યક્ત થયેલી કહેવતો અલંકારિક લાગે, પણ બોલચાલની ભાષાની કહેવતો, એમાં વ્યક્ત થયેલા રૂઢિપ્રયોગોની વાત જ ન્યારી છે. બોલી ભાષામાં એક એકથી ચડિયાતી તેમજ મજેદાર કહેવતોનો ખજાનો દટાયેલો છે. આ કહેવતો ભાષાનાં કિંમતી રત્નો તરીકે સન્માન મેળવે છે.
બાર ગાઉએ બોલી બદલાય એમ ઘણી વાર પ્રદેશ બદલાય એની સાથે એનું સ્વરૂપ પણ બદલાઈ જતું હોય છે. જો એનું ઉગમ સ્થાન ખબર હોય તો જ એ કહેવતનો અસલી ભાવાર્થ સમજી શકાય છે. चोरावर मोर એ રૂઢિપ્રયોગ પ્રચલિત છે. શેરને માથે સવા શેર એ ભાવાર્થ છે. ઉદ્ધતાઈ માટે પણ એ વપરાય છે. જોકે, ચોર પર મોર બેસી કઈ રીતે એવો વિચાર ક્યારેય આવ્યો છે? મૂળ તમિળ ભાષામાંથી આવ્યો છે. તમિળ પ્રદેશમાં ભાત ખાવાનું ચલણ વધારે હોય છે. તમિળમાં ભાતને ચોરુ કહેવાય છે. ભાત પીરસાયા પછી જમવા બેઠેલી વ્યક્તિએ भातवर – चोरुवर मोरु टाक એમ કહ્યું હશે. મોરૂ એટલે છાશ. આમ चोरावर मोरु એ મૂળ કહેવત પ્રદેશ ઓળંગ્યા પછી चोरावर मोर બની ગઈ. ચોરુ (ભાત) ચોર બની ગયો અને મોરૂ (છાશ) મોર બની ગઈ, બોલો!
બીજી એક કહેવતની મજા જોઈએ: जावई माझा भला, लेकीमागे आला। तो मेला बाईलबुद्ध्या सुनेमागे गेला। મજા તો જુઓ. ધણીને મુઠ્ઠીમાં રાખતી દીકરી પિયર આવી એની પાછળ પાછળ જમાઈ
પણ હાજર થઈ ગયા તો મા રાજી રાજી થઈ ગઈ, પણ પોતાનો
દીકરો વહુના પિયર પહોંચી ગયો તો એને બાયલો, વહુઘેલો જેવા વિશેષણથી નવાજ્યો. વાત એક જ પણ એને જોવાની, એને તોલવાની રીત નિરાળી.
—————-
अक्ल की कहावतें
અક્કલ મનુષ્ય જીવનનું એક ઉત્તમ ઘરેણું છે. અક્કલનો સમજદારીપૂર્વકનો ઉપયોગ જ એને અન્ય પ્રાણીઓ કરતાં ચડિયાતો સાબિત કરે છે. આ અક્ક્લ ભાષામાં પણ સરસ રીતે વણાઈ ગઈ છે. આજે હિન્દીમાં એના મજેદાર ઉદાહરણ જાણીએ અને માણીએ. પહેલું ઉદાહરણ છે अक्ल और हेकडी एक साथ नहीं रह सकतीं.અહીં અક્કલ સમજદારીના અર્થમાં છે. હેકડી એટલે અક્કડ અથવા ઉદ્ધતાઈ. મતલબ કે સમજુ વ્યક્તિ ક્યારેય ઉદ્ધતાઈથી ન વર્તે. વિનમ્રતા એનું આભૂષણ હોય. કહે છે ને કે વૃક્ષ ગમ્મે એટલી ઊંચાઈ પર જાય તો પણ એની ડાળીઓ તો નમેલી જ રહે.
अक्ल का अंधा गांठ का पूरा. ક્યારેક એવું જોવા મળતું હોય છે કે માણસનું ખિસ્સું ભરેલું હોય, પૈસાથી છલકાતું હોય, પણ એનું મગજ ખાલીખમ હોય. અક્કલ ઉધાર લેવી પડતી હોય. આવી વ્યક્તિને બેવકૂફ બનાવી એની પાસેથી પૈસા આસાનીથી પડાવી શકાય. એનાથી વિપરીત અર્થ ધરાવતો રૂઢિપ્રયોગછે अक्ल की बदहजमी. બદહજમી એટલે અપચો. જેમ વધુ પડતા ખોરાકથી અપચો થાય એમ જો કોઈ માણસ પોતાને વધુ પડતો હોશિયાર – બુદ્ધિશાળી સમજતો હોય એની ઠેકડી ઉડાડવા उसे अक्ल की बदहजमी हुई ह એમ કહેવાય છે. આને લગભગ સમાંતર અર્થ ધરાવતી કહેવત છે अक्ल दुनिया में डेढ ही है. एक आप में और आधी में सारी दुनिया. અહીં આપ એટલે પોતાની વાત છે. દુનિયામાં લગભગ દરેક માણસ પોતાને અક્કલમંદ અને અન્યોને મૂરખ – તુચ્છ સમજતો હોય છે. આવી વ્યક્તિ પર કટાક્ષ કરવા આ કહેવત વપરાય છે. અક્કલ વેચાતી નથી મળતીનો અર્થ કાં તો એ તમારામાં હોય અથવા ન હોય. હા, એને સમજદારીથી કેળવી શકાય ખરી. આ ભાવ દર્શાવતી કહેવત છેअक्ल के लिए टके लगते हैं. અક્કલ ખેરાતમાં નથી મળતી. શિક્ષણ અને અનુભવથી અક્કલ કેળવાય છે અને એ માટે ખૂબ પૈસા ખર્ચવા પડે છે.
अक्ल न क्यारी उपजे, प्रेम (हेत) न हाट बिकाय. અહીં પણ
એ જ અર્થ જોવા મળે છે કે અક્કલ ખેતરમાં નથી ઊગતી
અને પ્રેમ બજારમાં વેચાતો નથી મળતો. એ જ ભાવાર્થ अक्ल हाट बिके तो मूरख कौन रहे કહેવતમાં પણ ડોકિયાં કરે છે.
અક્કલ જો બજારમાં વેચાતી મળતી હોય તો આ દુનિયામાં કોઈ મૂરખ ન રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -