આજે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરની ત્રીજી પુણ્યતિથિ છે. પોતાના એક્ટિંગથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન હાંસલ કર્યું હતું અને આજે મૃત્યુ બાદ પણ તેઓ ફેન્સના દિલો પર રાજ કરી રહ્યા છે. આજે ઋષિ કપૂરની પુણ્યતિથિ નિમિત્તે પત્ની નીતુ કપૂરે કેટલાક અનસીન ફોટો શેર કરીને તેમને યાદ કર્યા છે.
ત્રણ વર્ષ પહેલા આજના જ દિવસે જ ઋષિ કપૂરે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. ઋષિ કપૂરના નિધનના સમાચાર તેમના ચાહકો માટે એક મોટો આંચકો હતો. આજે ઋષિ કપૂરની પુણ્યતિથિ પર નીતુ કપૂરે એક અનસીન તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે ‘તમે દરેક સારી યાદોમાં યાદ આવો છો.’
ઋષિ અને નીતુ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂરે તેના પિતાની પુણ્યતિથિ પર એક ન જોયેલી તસવીર શેર કરી હતી. જેને નીતુ કપૂરે તેના સ્ટેટસમાં ફરીથી શેર કર્યું છે. ઋષિ કપૂર અને નીતુ કપૂર સાથે રણબીર કપૂર, રિદ્ધિમા કપૂર અને તેની પુત્રી સમારા સાહની પણ આ ખુશ પરિવારના ફોટામાં જોવા મળે છે.
બોલીવૂડના રોમાન્સ કિંગ તરીકે જાણીતા ઋષિ કપૂરે 50 વર્ષની ફિલ્મી કરિયરમાં લગભગ 121 ફિલ્મો કરી હતી. ઋષિજી એક ખૂબ જ ખુશમિજાજી વ્યક્તિત્વ ધરાવતા હતા, પરંતુ તે લાંબા સમયથી કેન્સરની લડાઈ લડી રહ્યા હતા. દરમિયાન 30મી એપ્રિલે તેમના નિધનના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. લોકડાઉનને કારણે તેમના અંતિમ સંસ્કારમાં માત્ર 20-25 લોકો જ હાજર રહી શક્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીન હતી જે તેમના મૃત્યુ પછી રિલીઝ કરવામાં આવી હતી.