વિજય વ્યાસ
ગામડું એટલે ધૂળ, ઢેફા ને પાણા, ભીંતે હોય છાણાં. ખોરડું હોય, ખેતર હોય ને જારનું ખાણું હોય. રસ્તા અને મકાન ભલે કાચા હોય, પણ માણસો બધા સાચા હોય, બાવળનું ઝાડ ને કપાસ – એરંડાથી લહેરાતા ખેતરો અને નાનકડું મંદિર હોય ને પ્રાથમિક શાળા હોય… ગામની આ વ્યાખ્યા હવે હકીકતમાં ઓછી ને પુસ્તકમાં વધુ વાંચવા મળે છે. એકવીસમી સદીમાં ટૅક્નૉલોજીની હરણફાળને પગલે શહેરને ટક્કર મારે એવા ગામડા આપણા ગુજરાતમાં વિકાસ પામ્યા છે. આવતી કાલે ગુજરાત દિન છે એ નિમિત્તે ‘મુંબઈ સમાચાર’ એવા કેટલાક ગામડાઓની વાત વાચકો માટે લાવ્યું છે જેના વિશે જાણ્યા પછી તમારી આંખોને પહોળી થવા માટે જગ્યા ઓછી પડશે. આધુનિક કલેવર ધરાવતા આ ગામમાં હવે ધૂળિયા રસ્તાઓની બાદબાકી થઈ ગઈ છે. ખોરડાની જગ્યાએ પાકા ઘર છે, સ્ટ્રીટ લાઈટ છે, પીવાલાયક પાણી ઘરના નળ વાટે મળતું રહે એવું પ્લાનિંગ છે, મોબાઈલ ટાવર છે, સીસીટીવી અને વાઈફાઈની સુવિધા સાથે મોનિટર પર અભ્યાસ થાય છે અને બીજું ઘણું બધું છે. યુરોપ – અમેરિકા, નેપાળ – વિયેતનામ જરૂર જાઓ પણ ક્યારેક આ ગામમાં પણ નાનકડું વેકેશન માણી જોજો, મોડર્ન વિલેજમાં આવકાર તો અસ્સલનો જ મળશે…
————-
ગુજરાતનાં જે ગામોમાં ઊડીને આંખે વળગે એવો વિકાસ થયો છે તેમાં એક ગામ ચરોતરનું ધર્મજ પણ છે. આણંદ જિલ્લાનું ધર્મજ ગામ ભારતનું સૌથી સમૃદ્ધ ગામ ગણાય છે કેમ કે ધર્મજની બૅન્કોમાં સૌથી વધારે ફિક્સ્ડ ડીપોઝિટ્સ છે. માત્ર ૧૧,૩૩૩ની વસતિ ધરાવતાં ધર્મજમાં ૧૩ બૅન્કની ૧૭ શાખા ધમધમે છે અને તેમાં ૧૩૦૦ કરોડ રૂપિયાની ડિપોઝિટ્સ હોવાનું કહેવાય છે.
ભારતના કોઈ ગામડામાં આટલા મોટા પ્રમાણમાં બૅન્કોમાં ડિપોઝિટ્સ નહીં હોય. આ કારણે ધર્મજની ઓળખ દેશના સૌથી ધનિક ગામડા તરીકેની થઈ ગઈ છે. ધર્મજની સમૃદ્ધિ અને વિકાસ વિદેશમાં રહેતા ધર્મજવાસીઓના કારણે છે. આ નાનકડા ગામમાંથી એક સદી અગાઉ પટેલો યુગાન્ડા અને બ્રિટનમાં સ્થાયી થયા હતા. લેખક રાજેશ પટેલે ધર્મજ ગામ પર એક પુસ્તક લખ્યું છે.
આ પુસ્તકમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, જે જમાનામાં વિદેશ જવું વિકટ મનાતું હતું અને ધાર્મિક માન્યતાઓના કારણે પણ લોકો સમુદ્રપાર જતાં નહતાં ત્યારે ૧૯૦૬માં ધર્મજના જોઇતારામ કાશીરામ પટેલ અને ચતુરભાઇ પટેલ યુગાન્ડાના મબાલે ગયા હતા. ૧૯૧૦માં પ્રભુદાસ પટેલ એ વખતે બ્રિટનના સૌથી મોટા ઔદ્યોગિક શહેર ગણાતા માન્ચેસ્ટર ગયા હતા. ૧૯૧૧માં ધર્મજના ગોવિંદભાઈ પટેલે એડનમાં તમાકુનો વેપાર શરૂ કર્યો હતો.
આ સાહસિકોના પગલે પછી તો વિદેશ જવાનો પ્રવાહ શરૂ થઈ ગયો અને ધર્મજવાસીઓ ગામની બહાર નિકળીને આખા વિશ્ર્વમાં ફેલાઈ ગયા. તેમણે વતનમાં નાણાં મોકલવા માંડતાં ધર્મજમાં ૧૯૫૯માં સૌથી પહેલાં દેના બેંકની શાખા ખૂલી હતી. ધર્મજના એન.આર.આઇ. પરિવારોએ દેના બૅન્કમાં એફડીનો ઢગ કરી દીધો. ગામનાં લોકોએ ૧૯૬૯માં ભેગાં થઈને સહકારી બૅન્ક શરૂ કરીને એ પણ ધમધમે છે.
૧૯૬૯માં જ સહકારી બૅન્કની સાથે બૅન્ક ઓફ ઇન્ડિયા અને બૅન્ક ઓફ બરોડાની શાખાઓ પણ શરૂ થઈ. તેમને પણ સારો પ્રતિસાદ મળતાં દેતાં એક પછી એક બૅન્કની શાખાઓ ધર્મજમાં ખૂલતી ગઈ. સરકારી બૅન્કોમાં સલામતી હોવાથી લોકો સરકારી બૅન્કોમાં પૈસા મૂકવાનું પસંદ કરે છે તેથી તમામ મોટી સરકારી બૅન્કોની શાખા ધર્મજમાં છે. હવે તો ખાનગી બૅન્કો પણ આવી છે તેથી ગામમાં લોન લેનારા કરતાં ડિપોઝિટ મૂકનારાંની સંખ્યા વધુ છે.
જો કે ધર્મજની નોંધ માત્ર પોતાની ડિપોઝિટ્સના કારણે લેવી પડે એવું નથી. વાસ્તવમાં ધર્મજ એક આદર્શ ગામડું છે અને આજે પણ દેશનાં બીજાં ગામો વિચારી પણ ના શકે એવી સગવડો ધર્મજમાં વરસો પહેલાં ઉભી કરાઈ હતી. ધર્મજ ગામે માત્ર સગવડો ઊભી કરી છે એવું પણ નથી. આ ગામે એવી પણ ઘણી પહેલ કરી છે કે જેને દેશના તમામ ગામો અનુસરે તો આર્થિક રીતે એટલાં સદ્ધર થાય કે બીજા કોઈ પર અવલંબનની જરૂર જ ના પડે.
ધર્મજનો વિકાસ અને પહેલ પણ વિદેશમાં રહેતાં લોકોને આભારી છે. આજે નાનકડા ધર્મજ ગામના ૩૦૦૦ વધુ લોકો વિદેશમાં સ્થાયી થયા છે પણ તેમણે વતન સાથેનો વ્યવહાર જાળવ્યો છે. વિદેશમાં રહેતા ધર્મજવાસીઓ વતન પ્રત્યેનું ઋણ ચૂકવ્યા કરે છે. તેના કારણે ધર્મજની બૅન્કોમાં તો જંગી ડિપોઝિટ્સ આવે જ છે પણ બીજાં ગામડાંની સરખામણીમાં બહુ સારી સુવિધાઓ પણ ઊભી થઈ છે. આરોગ્ય, શિક્ષણ, ખેતી, સહકાર, લોકભાગીદારી અને સેવા પ્રવૃત્તિને કારણે ધર્મજ બીજાં ગામોની સરખામણીમાં વિકાસની દોડમાં બહુ આગળ નિકળી ગયું છે.
ધર્મજ ગુજરાતનું એક માત્ર એવું ગામ છે કે જ્યાં આખા ગામમાં મુખ્ય રસ્તા આરસીસીના બનેલા છે. નાની નાની શેરીઓમાં પણ રોડ બનાવેલા છે અને સ્ટ્રીટ લાઈટ્સ છે. ગામનું એક ઘર એવું નથી કે જ્યાં સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ ના પડતો હોય. ગામમાં તમામ રસ્તા પાકા છે અને બાજુમાં પેવર બ્લોક બેસાડેલાં છે. ધર્મજ ગામમાં વર્ષોથી અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ છે તેથી પાણીનાં ખાબોચિયાં કે કાદવ-કીચડ નથી જોવા મળતાં. ચોમાસામાં પણ ગંદકી નથી થતી. ગામમાં પંચાયત દ્વારા સાફ-સફાઈ થાય છે અને કચરાના નિકાલ માટેની વ્યવસ્થા છે તેથી ગામડું હોવા છતાં ક્યાંય કચરાંના ઢગ નથી દેખાતા. રસ્તા પર કચરો તો છોડો પણ માટી કે ધૂળ પણ નથી જોવા મળતાં.
ધર્મજમાં વરસોથી અંગ્રેજી મીડિયમની રેસિડેન્સ સ્કૂલ, બી.એડ. અને ફાર્મસી કોલેજ, વિશાલ લાયબ્રેરી અને વ્યાયામશાળા, શ્રી જલારામ જનસેવા ટ્રસ્ટ દ્વારા ચલાવાતી વિશાળ હૉસ્પિટલ, એનઆરઆઈના દાનથી શરૂ થયેલી શારદા મેટરનિટી હોસ્પિટલ સહિતની આરોગ્યની સવલતો પણ છે.
ધર્મજ ગામે વરસો પહેલાં ખરાબાની જમીનનો લોકોના હિત માટે ઉપયોગ કરવાની કરેલી પહેલને દેશના દરેક ગામડાએ અનુસરવી જોઈએ. છેક ૧૯૭૨માં આ ખરાબાની જમીનમાં એક તરફ વિશાળ સરોવર ને બીજી તરફ લીલું ઘાસ ઉગાડવાની પહેલ
કરાયેલી. આ જમીનમાં પેદા થતું લીલું ઘાસ પશુપાલકોને ઘેરબેઠાં પહોંચાડાય છે. ખરાબાની જમીનમાં સૂરજબા પાર્ક બનાવાયો છે કે જેમાં સ્વિમિંગ પૂલ, વોટર રાઈડ, ચિલ્ડ્રન પાર્ક અને બહારથી આવતાં લોકો માટે સુંદર કોટેજ બનાવાયેલાં છે. ભારતના કોઈ ગામમાં આ પ્રકારની સવલતો ઊભી કરાયેલી નથી.
આ ખરાબાની ૧૪૨ એકર જમીનમાં ૧૫ હજારથી વધારે વૃક્ષો વાવીને નાનકડું જંગલ પણ ઊભું કરાયું છે. આ લીલોતરીવાળા વિસ્તારની નજીક લગ્ન પ્રસંગ અને બીજા સામાજિક મેળાવડાઓ માટે પાર્ટી પ્લોટ બનાવાયો છે. આ બધામાંથી જે આવક થાય છે તેનો ઉપયોગ ગામના વિકાસ માટે થાય છે.
ખરાબા અને ગૌચરની જમીનના વિકાસથી ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી એટલા પ્રભાવિત થયેલા કે તેમણે ધર્મજ પેટર્ન ગૌચર સુધારણા યોજના શરૂ કરેલી. ગુજરાતનાં ગામડાંમાં ગૌચરની જમીનનો વિકાસ કરવાના પ્રોજેક્ટને ધર્મજ સાથે જોડવામાં આવે તેનાથી વધારે ગૌરવની વાત કઈ હોઈ શકે?