ઘણા દેશોમાં ચોખાની અછત, જાણો ભારતની હાલત
વિશ્વના ઘણા ભાગોમાં ચોખાનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. આ યાદીમાં ચીનથી લઈને અમેરિકા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. વૈશ્વિક ચોખા બજારમાં સંકટ માટે ચીનમાં ખરાબ હવામાન અને રશિયા-યુક્રેન યુદ્ધને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં ચોખાના ભાવ વધી રહ્યા છે.
ચોખા એ વિશ્વમાં સૌથી વધુ ઉગાડવામાં આવતા અનાજમાંથી એક છે. વિશ્વના સૌથી મોટા ચોખા ઉત્પાદક દેશો ચીન, અમેરિકા, યુરોપિયન યુનિયનમાં વિવિધ પરિબળોને કારણે આ અનાજના ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો થયો છે, જેને કારણે ચોખાના બજારોમાં 18.6 મિલિયન ટનની અછત રહી છે. વૈશ્વિક ચોખાના ઉત્પાદનમાં ઘટાડાથી આ વર્ષે ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, મલેશિયા અને આફ્રિકન દેશો જેવા ચોખાના મોટા આયાતકારો માટે ચોખાની આયાતની કિંમતમાં વધારો થશે અને ખાદ્ય. પદાર્થોના ભાવ ફુગાવાથી પીડાતા પાકિસ્તાન, તુર્કી, સીરિયા અને કેટલાક આફ્રિકન દેશોની હાલત વધુ કફેડી થશે.
શું છે ભારતની હાલત?
ચીન પછી ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ છે. ચોખાના વિશ્વના ટોચના નિકાસકાર ભારતે સપ્ટેમ્બરમાં તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત અમુક અન્ય પ્રકારના ચોખાની નિકાસ પર 20 ટકા ડ્યુટી લાદવામાં આવી હતી. તેમ છતાં, ગયા વર્ષે ભારતની ચોખાની નિકાસ રેકોર્ડ 22.26 મિલિયન ટન વધી હતી. આ આંકડો વિશ્વના અન્ય સૌથી મોટા ચોખાની નિકાસ કરતા દેશો થાઇલેન્ડ, વિયેતનામ, પાકિસ્તાન અને યુનાઇટેડ સ્ટેટ્સની કુલ નિકાસ કરતાં વધુ છે.
વર્ષ 2022-23ના આગોતરા અંદાજ મુજબ, દેશમાં આ વર્ષે ચોખાનું કુલ ઉત્પાદન રેકોર્ડ 1308.37 લાખ ટન થવાનો અંદાજ છે, જે ગયા વર્ષની સરખામણીએ 13.65 લાખ ટન વધુ છે. જોકે, ભારતમાં ચોખાનું ઉત્પાદન હવામાનની સ્થિતિ પર આધારિત છે. હવામાન વિભાગ દ્વારા દેશમાં ચોમાસાના સામાન્ય વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી છે. ચોખા ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે તેમને દેશમાં કોઈ સમસ્યા દેખાતી નથી અને દેશમાં કિંમત નિયંત્રણમાં છે.