ગુજરાત સરકાર અને ગુજરાતના શહેરોના સ્થાનિક તંત્ર રખડતા ઢોરની સમસ્યા હલ કરવા સદંતર નિષ્ફળ નીવડ્યા હોય એવું લાગી રહ્યું છે. ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક નિર્દોષ નાગરિકનો જીવ લીધો છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં રખડતા ઢોરે એક નિવૃત્ત રેલવે કર્મચારી પર હુમલો કરી દીધો હતો. તેમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા રેલવેમાં નિવૃત કર્મચારી દેવેન્દ્રભાઈ પરમાર તેમની દીકરીના ઘરે જઈ રહ્યા હતા. તેઓ ગોકુળનગરમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક રખડતા ઢોરે દેવેન્દ્રભાઈ પર હુમલો કરી દીધો હતો. જેને કારણે દેવેન્દ્રભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
ધટનાને પગલે સ્થાનીકોમાં રોષની લાગણી છે. ભાવનગર શહેરમાં ભૂતકાળમાં અનેક લોકોએ રખડતા ઢોરના કારણે જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધી કુલ સાતથી વધુ લોકો રખડતા ઢોરના કારણે મોતને ભેટી ચૂક્યા છે. જેમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. તંત્રના ઢોર પકડવાના દાવાઓ પોકળ સાબિત થયા છે. હાલ આ બનાવને લઈને પોલીસે ફરિયાદ નોંધી ઢોરના માલિકને શોધવા વધુ તપાસ હાથ ધરી છે.