Homeઈન્ટરવલભીલો સાથે શોષણની રાજરમત અને આંદોલનનો પ્રતિસાદ

ભીલો સાથે શોષણની રાજરમત અને આંદોલનનો પ્રતિસાદ

ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ

(૨૬)
મોતીલાલ તેજાવતના આંદોલનની પરાકાષ્ઠાએ અનેક ભીલો-આદિવાસીઓના જીવ લીધા. આ એકી આંદોલનનાં સમર્થકો અડગ શું કામ રહ્યાં? શા માટે એકી આંદોલનમાં અડગ રહેવાના સોગંદ ખાધા? આ સવાલોના જવાબ જાણવા થોડા અતીતમાં જવું પડશે.
ભીલો-આદિવાસીઓના શોષણમાં એકદમ વધારો થયો એમાં મોટો ફાળો અંગ્રેજોની કૂટનીતિનો હતો. ધોળિયાઓના આગમન પૂર્વે રાજસ્થાનના રજવાડામાં શાસક, સામંતો, ખેડૂતો અને પ્રજાનો સંબંધ સદ્ભાવ અને સહયોગ પર ટકેલો હતો, પરંતુ રજવાડાઓના ભાવિ શાસકો એટલે રાજકુમારોને ભણાવવાના અને અસ્ખલિત અંગ્રેજી બોલતા કરી દેવાની લાલચમાં મેયો કોલેજમાં દાખલ કરાવ્યા. આમાં શિક્ષણ આપવા કરતાં વધુ એમને ભૌતિકવાદી પશ્ર્ચિમી જીવન-શૈલીમાં ઢાળવા અને ભોગ-વિલાસથી ભૂરપૂર જીવનને રવાડે ચડાવ્યા. જો ભાવિ રાજા ઐયાશીમાં ડૂબેલો રહે તો એ પ્રજાનું કલ્યાણ ન કરી શકે અને પ્રજાએ કે એમના સંભવિત બળવાના સંજોગોમાં રાજાએ અંગ્રેજો ભણી નજર દોડાવવી પડે એવી મેલી મુરાદ હતી.
અંગ્રેજોના આગમન પૂર્વેની વ્યવસ્થા થોડી સમજીએ. શાસકના સીધા કબજા હેઠળનો વિસ્તાર ‘ખાલસા જમીન’ ગણાતો હતો. પછી આવે સામંત, જાગીરદારો વગેરેના નિયંત્રણ હેઠળનો વિસ્તાર જે ‘જાગીર ભૂમિ’ ગણાય. સામંત-જાગીરદારોનાં પોતાના વિસ્તારની જમીન પર વસતી પ્રજા પર સંપૂર્ણ અધિકાર રહેતો હતો. ખેડૂતો પાસેથી ભૂમિ-કર સિવાયના વેરા પણ ઉઘરાવાતા હતા, જેને સ્થાનિક ભાષામાં ‘લાગત’ કહેવાતા હતા. તેમણે ‘બેગાર’ (કામના બદલામાં અનાજ મેળવવાની પ્રથા) પણ કરવી પડતી હતી.
પરંતુ અંગ્રેજો આવ્યા એટલે સામંત-જાગીરદારોના અગાઉના માનવતાવાદી અને સહકારભર્યા વલણનો અંત આવી ગયો. દુકાળ જેવી કુદરતી આફતોનું સંકટ ત્રાટકતું ત્યારે સ્થાનિક રાજા, સામંત અને જાગીરદારો ખેડૂતોના કર માફી કરી દેતા હતા, પરંતુ અંગ્રેજોએ બળજબરીથી નિશ્ર્ચિત કરવેરા વસૂલ કરવાની દમનકારી નીતિ અપનાવી. આને લીધે શાસકો, સામંતોએ જાગીરદારો તથા પ્રજા વચ્ચે અંતર આવી ગયું, કડવાશ વધતી ગઈ.
સમયાંતરે દેશી રજવાડાઓના કારોબારમાં અંગ્રેજોનો ચંચુપાત વધતો ગયો. અંગ્રેજોની હાજરીથી રાજા-સામંતો માટે બહારના આક્રમણનો ભય ટળી ગયો. આ શાંતિનો ઉપયોગ ઐયાશી અને પ્રજા પર જુલમ કરવામાં થતો ગયો. આને લીધે એમનો નિર્વાહ ખર્ચ વધતો ગયો, જે પ્રજાના દમનથી ઉઘરાવવા માંડ્યા. છોગામાં અંગ્રેજોને ચુકવવાની ખંડણીય ખરી. એટલે ખંડિયા રાજા બધું જોર નિર્દોષ, અભણ અને ભોળી પ્રજા પર કાઢવા માંડ્યા. આ અત્યાચાર અને શોષણનો તાત્કાલિક વિરોધ ન થયો પણ સૌની જાણ બહાર આંદોલનના બીજ રોપાઈ ગયા, જે નિર્દોષોના લોહી, આંસુ અને પરસેવાથી એક દિવસ વિશાળ વટવૃક્ષ બનીને સામે આવવાના હતા. કોઈ રાજકીય ચેતના રાતોરાત પ્રગટ થતી નથી, એના માટે લાંબી તપસ્યા અને સાધનાની જરૂર પડે છે. અહીં તપસ્યા અને સાધનાના વિકલ્પ રૂપે શાસકોના અમાનવીય અત્યાચાર અને શોષણ આવ્યા હતા.
રાજસ્થાનમાં ઈ. સ. ૧૯૧૩થી ૧૯૨૨ વચ્ચે વિજયસિંહ પથિકનું બિજૌલિયાં ખેડૂત આંદોલન, ૧૯૨૧માં બેગું આંદોલન, મારવાડમાં કૃલક આંદોલન, શેખાવતી અને સીકરમાં કૃષક આંદોલન, બુન્દીનું ખેડૂત આંદોલન અને અલવરનું ખેડૂત આંદોલન સામે આવ્યા, જેને કચડી નખાયા હતા.
આ સિવાય ભીલો પણ અત્યાચાર-શોષણનો જવાબ આંદોલનથી આપતા રહ્યા હતા. ખૂબ ઊંડા સંશોધનમાં ઊતરીએ તો માહિતી મળે કે એકદમ ભોળી અને પ્રામાણિક ભીલ જાતિ ભારતની સૌથી જૂની જાતિઓમાંની એક છે. ભીલોની ઉત્પત્તિ વિશે અલગ-અલગ લોકવાયકા છે. બાણભટ્ટના લેખક મુજબ ‘ભીલ’ શબ્દનો ઉપયોગ પ્રાચીન સંસ્કૃત અને અપભ્રંશ-સાહિત્યમાં મળે છે. ‘કથાસરિત્સાગર’માં ‘ભીલ’ શબ્દનો સર્વ પ્રથમ ઉપયોગ થયાનો દાવો કરાયો છે. અમુક વિદ્વાનોના મતાનુસાર ‘ભીલ’ શબ્દનો જન્મ ‘ભિલ્લા’ શબ્દમાંથી થઈ છે. અમુક મત તો એવો છે કે ભીલો ભગવાન શંકરમાંથી ઉત્પન્ન થયા છે. અંગ્રેજી કર્નલ ટોડે ભીલોને ‘વનપુત્ર’ અને ‘જંગલી શીશુ’ ગણાવ્યા છે.
રાજસ્થાનમાં ભીલોએ કેટલું મોટું યોગદાન આપ્યું છે એનો એક જ દાખલો જોઈએ. મહાશૂરવીર મહારાણા પ્રતાપના લશ્કરમાં બહુમતી સૈનિકો ભીલ હતા, જેમણે મોગલોનો અત્યંત બહાદુરીથી સામનો કર્યો હતો. આ પ્રજા ખૂબ ભોળી એટલે કાયમ
આર્થિક રીતે પછાત રહી. તીર-કામઠા જેવું હથિયાર ધરાવનાર ભીલો ખૂબ સાહસિકતા અને અત્યંત વફાદારી ધરાવતા હતા. પરંપરા અને રીતિ-રિવાજને ચુસ્તપણે વળગી રહેનારા આ લોકોએ પોતાની માન્યતા-પરંપરાના ઉલ્લંઘનને શાંતિથી સહન કરી લીધા નથી. આ માટે હથિયાર ઊંચકતા કે જીવ લેતા-દેતા અચકાયા નથી. આ જ કારણસર અઢારમી સદીમાં મરાઠાઓ સામે લડ્યા. તો ઓગણસમી સદીમાં અંગ્રેજો સામેય બાખડ્યા.
પરંતુ ચાલાક અંગ્રેજો નવો દાવ ખેલ્યા. કર્નલ ટૉડની કુટિલ નીતિને પ્રતાપે ઈ. સ. ૧૮૨૫ની બારમી મેના રોજ અંગ્રેજો અને ભીલો વચ્ચે એક કરાર થયા. આમાં ભીલો તરફથી ખાતરી અપાઈ કે તેઓ કોઈ ચોર, ડાકુ કે અંગ્રેજ સરકારના દુશ્મનોને આશરો કે સાથ નહીં આપે તથા ઈસ્ટ ઈન્ડિયાના કાયદા-નિયમોનું પાલન કરશે.
પરંતુ કોઈ છેતરપિંડી કાયમ એક પક્ષને અંધારામાં રાખી શકતી નથી. મહાન સમાજસુધારક ગોવિંદગુરુએ ભીલોના સામાજિક અને નૈતિક ઉત્થાનનું બીડું ઝડપ્યું. તેમણે ભગત આંદોલન આદર્ર્યું, જેને નિર્મમતાથી કચડી નખાયું. પણ ભીલોના માનસમાંથી એ મૂળસોતુ ઊખડી ન ગયું. એ જ જમીનમાંથી આકાર લીધું મોતીલાલ તેજાવતના ભીલો માટેના ‘એકી’ આંદોલને.
(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -