Homeદેશ વિદેશએક અઠવાડિયા સુધી ગરમીથી રાહત મળશે: વરસાદની શક્યતા

એક અઠવાડિયા સુધી ગરમીથી રાહત મળશે: વરસાદની શક્યતા

નવી દિલ્હી: આ મહિનાના અંતભાગમાં ભારતના મોટાભાગના વિસ્તારોમાં ‘હીટ વેવ’ની પરિસ્થિતિ ફરી ઊભી થવાની શક્યતા છે, પણ તે પહેલાં વાયવ્ય વિસ્તારમાં શુક્રવારથી ફરી એકવાર વરસાદ શરૂ થઈ શકે છે એમ ભારતીય હવામાન ખાતા (આઈએમડી)એ સોમવારે જણાવ્યું હતું.
વાયવ્ય, મધ્ય અને પૂર્વ ભારતમાં રવિવારે તાપમાન ૩૬થી ૩૯ ડિગ્રી જેટલું નોંધાયું હતું, પણ દેશના બીજા ભાગોમાં તાપમાન ૩૦થી ૩૫ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું, જેમાં પશ્ર્ચિમી હિમાલયન વિસ્તારનો સમાવેશ થતો નહોતો. આ વિસ્તારમાં તાપમાન ૧૫થી ૨૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી સાત દિવસ સુધી દેશમાં ક્યાંય હીટ વેવ જેવી પરસ્થિતિ જોવા નહીં મળે એમ હવામાન ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું.
પશ્ર્ચિમી હિમાલય
વિસ્તારમાં ૨૬મી એપ્રિલથી અને વાયવ્ય ભારતના મેદાની વિસ્તારોમાં ૨૮મી એપ્રિલથી વરસાદ પડવાની શકયતા દર્શાવાઈ છે.
મધ્ય મહારાષ્ટ્ર, તેલંગણા અને મધ્ય પ્રદેશના દક્ષિણી જિલ્લાઓ અને છત્તીસગઢમાં પચીસમી એપ્રિલથી ૨૭મી એપ્રિલ સુધી ગાજવીજ સાથે વરસાદ અને કરાંનો વરસાદ આવી શકે છે એવી આગાહી આઈએમડી તરફથી કરવામાં આવી છે. તમિળનાડુ અને કેરળમાં આગામી ત્રણ ચાર દિવસોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શકયતા છે.
આંધ્ર પ્રદેશ અને તમિળનાડુના દરિયાઈ વિસ્તારમાં ૨૪મી એપ્રિલે, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ૨૮મી એપ્રિલે, કેરળમાં ૨૪થી ૨૭ એપ્રિલ દરમિયાન અને તેલંગણામાં ૨૭મી એપ્રિલે ભારે વરસાદ થઈ શકે છે, એમ આઈએમડીએ જણાવ્યું હતું.
તેલંગણામાં ૨૪ થી ૨૬ એપ્રિલ દરમિયાન, મધ્ય મહારાષ્ટ્રમાં પચીસથી ૨૭ એપ્રિલમાં, દક્ષિણ છત્તીસગઢમાં પચીસ અને ૨૬ એપ્રિલે તેમજ પૂર્વ મધ્ય પ્રદેશમાં ૨૬મી એપ્રિલે કરાંનો વરસાદ પડી શકે એમ આ ખાતાએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

કચ્છમાં માવઠું
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: રણપ્રદેશ કચ્છમાં હાલ પડી રહેલી ભીષણ ગરમીમાં આંશિક ઘટાડો થતાં જનજીવનને રાહત થઇ છે. એપ્રિલ મહિનાની મધ્યમાં જ શરૂ થઇ ગયેલી હિટવેવની અસર હેઠળ ૪૧ થી ૪૪ ડિગ્રી રહેલા મહત્તમ તાપમાન વચ્ચે ભુજ અને અંજાર તાલુકાના કેટલાક વિસ્તારોમાં
વરસેલાં કમોસમી માવઠાંની અસર તળે કચ્છના મોટા ભાગના મથકોમાં પારો ગગડીને ૩૭થી ૪૧ ડિગ્રી પર પહોંચી જતાં સામાન્ય રીતે બપોરના સમયે સુમસામ ભાસતા માર્ગો વાદળીયા માહોલમાં ફરી ધબકતા થયા છે. રાત્રીના લઘુતમ તાપમાનનો આંક ૨૩થી ૨૫ ડિગ્રી વચ્ચે રહેતાં રાત્રે ગાયબ થઇ ગયેલી ગુલાબી ઠંડક ફરી પાછી આવી છે.
૪૪ ડિગ્રી જેટલાં મહત્તમ તાપમાને ભઠ્ઠીમાં ફેરવાયેલાં ભુજમાં વાદળછાયાં વાતાવરણને કારણે પારો નીચે ઉતરીને ૪૦ ડિગ્રીએ પહોંચ્યો હતો અને બપોર બાદ ભુજની આસપાસના મથકો તેમ જ ગાંધીધામ, અંજાર, આદિપુર અને કંડલામાં ધૂળની આંધી સાથે વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટું વરસતાં આગ ઝરતી ગરમીનો ડંખ નોંધપાત્ર રીતે ઘટ્યો હતો.
બીજી તરફ, અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં મહત્તમ ૩૫ અને ન્યૂનતમ ૨૬ ડિગ્રી સાથે વાતાવરણ ગુલાબી બન્યું હતું, જયારે કચ્છની રણકાંધીના વિસ્તારો ખાવડા, બન્ની, ધોળાવીરામાં પણ ગરમીની આણ ઓછી વર્તાઈ હતી તેમ જ બંદરીય માંડવીમાં આંક ૩૪ ડિગ્રી અને લઘુતમ આંક ૨૪ ડિગ્રી પર રહેતાં ઉનાળુ વેકેશનમાં બીચ પર ઉમટેલા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વાતાવરણ આહલાદાયક બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -