મલ્લિકાર્જુન ખર્ગેને મળવા જશે થોરાત
મુંબઈ: નાશિક ડિગ્રી મતદારસંઘની ચૂંટણી બાદ મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ પર નારાજ એવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાત ટૂંક સમયમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખર્ગેની મુલાકાત લેવાના છે. કોંગ્રેસના મહારાષ્ટ્રના ઈન્ચાર્જ એચ.કે. પાટીલ સાથેની મુલાકાત બાદ થોરાતે ખર્ગેને મળવાનો નિર્ણય લીધો છે. અત્રે નોંધનીય છે કે થોરાતનું વિધાનસભાના પક્ષનેતા પદ તરીકેનું રાજીનામું સ્વીકારમાં આવ્યું ન હોવાનું પાટીલે સ્પષ્ટ કર્યું છે.
મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અને મુંબઈ કોંગ્રેસના ‘હાથથી હાથ જોડો’ અભિયાનની તૈયારીની સમીક્ષા કરવા માટે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના ઈન્ચાર્જ પાટીલ રવિવારે મુંબઈની મુલાકાતે હતા. એ નિમિત્તે તેમણે બાળાસાહેબ થોરાતના વરલી ખાતેના નિવાસ્થાને મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ પત્રકારો સાથે બોલતાં તેમણે ઉક્ત ખુલાસો કર્યો હતો.