Homeરોજ બરોજસવર્ણોને અનામત: અંગ્રેજોએ મુંબઈથી શરૂ કરેલી રૂઢિગત પ્રથાને સુપ્રીમ કોર્ટની મંજૂરી

સવર્ણોને અનામત: અંગ્રેજોએ મુંબઈથી શરૂ કરેલી રૂઢિગત પ્રથાને સુપ્રીમ કોર્ટની મંજૂરી

રોજ બરોજ -અભિમન્યુ મોદી

૨૦૧૫થી ગુજરાતમાં પાટીદારોના મુખેથી એક જ શબ્દ સાંભળવા મળે ‘અનામત’, ૮ વર્ષમાં આંદોલન સાથે જોડાયેલા અનેક ચહેરા રાજકારણમાં ભળી ગયા પણ સુપ્રીમ કોર્ટે ઇડબલ્યુએસ અર્થાત્ આર્થિક રીતે પછાત વર્ગને ૧૦ ટકા અનામતના આપવાના કેન્દ્ર સરકારના આદેશને મંજૂર કરતા તેનું સંપૂર્ણ શ્રેય મોદી સરકારને મળી ગયું. જે લોકો સમાજના વિકાસની વાત કરવાના બણગાં ફૂંકતા હતા તે સ્વ-વિકાસમાં વ્યસ્ત છે તેવું ખુદ સમાજના મોભીઓ કહેતા હતા પણ મોદી સરકારે સવર્ણ સમાજને ૧૦ ટકા અનામતની ભેટ આપીને ચૂંટણી પૂર્વે જ વોટબૅંકને સાચવી લીધી. હિમાચલ અને ગુજરાત બન્ને રાજ્યોમાં એક ચોક્કસ સમુદાય અનામતની માંગ માટે સરકાર સાથે લડી રહ્યો હતો. છતાં હિમાચલની પ્રજા સમજુ છે. વિધાનસભાની ચૂંટણીમાં લોકો સ્થાનિક નેતાઓનું પરફોર્મન્સ ધ્યાનમાં લઈને મતદાન કરે છે. પણ ગુજરાત તો સંપૂર્ણ પણે જ્ઞાતિ આધારિત વોટ બૅંક પર જ નિર્ભર છે. ગુજરાતમાં સવર્ણ જ્ઞાતિઓ ૧૧%, પાટીદાર ૧૬%, રાજપૂત ૬%, કોળી અને ઠાકોર ૨૦%, એસસી, એસટી અને અનુસૂચિત જાતિ ૨૧%, ઓબીસી ૧૬% તથા મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી ૧૦% જેટલી જ્ઞાતિઓ વસવાટ કરે છે. તેમાંય પાટીદારોનું પ્રભુત્વ ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી રહ્યું છે.
પોતાની લોકપ્રિયતાની જાળ બિછાવવા અને એને મોટી કરવા ભાજપે જે દસ ટકા અનામતનો લાભ સવર્ણોને આપવાનું ઠરાવ્યું છે તેમાં આર્થિક રીતે પછાત મુસ્લિમો અને ખ્રિસ્તીઓને પણ સમાવી લીધા છે. એનો અર્થ છે કે ભાજપે તેનું સ્ટેન્ડ બદલાવ્યું છે, અને ભારતના એક સર્વતોમુખી રાજકીય પક્ષ થવા તરફ તેની કૂચ છે. અને ૨૦૨૪ની એટલે કે હવેની લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ પોતાની હિન્દુવાદી છાપને સંપૂર્ણ ભૂંસવા માટે વિવિધ ચેક રબરની અજમાયશ કરશે જેની શરૂઆત થઈ ગઈ છે.
ભાજપે સત્તાના સૂત્રો દિલ્હીમાં સંભાળ્યા ત્યારે તેનો પ્રારંભિક રુઆબ એવો હતો કે અનામત સંપૂર્ણ રદ કરશે અથવા તો તમામ અનામતના ધોરણોને આર્થિક ધોરણોમાં તબદીલ કરાશે. પરંતુ એ બંધારણીય અને બુનિયાદી હોવાથી એમાં ફેરફાર ન થઈ શકે એવું જ્ઞાાન ભાજપને થતાં ‘નમો’ એ અનામતના ટીકાકારોને અનામતના ચાહકો બનાવી દેવાની અજાયબ કીમિયાગીરી દાખવી, અનામત દ્વારા જ તેમણે સામાજિક સમરસતાનો જે નવો અધ્યાય આલેખ્યો એ એમને કેટલો રસિક નીવડશે અને કેટલો અરસિક એ તો સમય જ બતાવશે.
ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં મંચ પરથી નેતાઓએ તમામ વિરોધ પક્ષો માટે ‘સાગમટે’ જ એમ કહ્યું કે તેઓનો કોઈ નેતા જ નથી. જ્યારે વાસ્તવિકતા હવે બદલાઈ ગઈ છે. આગામી દિવસોમાં વડા પ્રધાન ગુજરાતમાં રેલીઓને સંબોધિત કરશે ત્યારે તેમાં થિમેટિક સ્ક્રિપ્ટ જ સાંભળવા મળશે. એવું એમના તાજેતરના વ્યાખ્યાનોમાંથી પ્રતીત થાય છે. દેશના પુખ્ત વયના મતદારોમાં ભ્રષ્ટાચાર પ્રત્યેની ખિન્નતાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન હવે એ અંગે પગલા લેવાના વચનો પણ વહેતા કરશે, અને કહેશે કે તેઓ ખુદ મોરબીની દુર્ઘટનાથી વ્યથિત થઈને મનોવૈજ્ઞાનિક સંઘર્ષમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે.
અનામતની આ નીતિ આજકાલની નથી. અંગ્રેજો દ્વારા ભારતમાં ‘ભાગલા પાડો અને રાજ કરો’ની જે નીતિ અખત્યાર કરવામાં આવી હતી તેનું એક અગત્યનું હથિયાર અનામત પ્રથા પણ હતી. ગુજરાતમાં પાટીદારો દ્વારા અનામતની માગણીને કારણે જે વિક્ષોભનું વાતાવરણ પેદા થયું છે તેના સંદર્ભમાં અંગ્રેજોએ હિન્દુ સમાજમાં ફાટફૂટ ઊભી કરવા માટે અનામત પ્રથાનો કેવી રીતે ઉપયોગ કર્યો તે સમજવાની જરૂર છે.મહારાષ્ટ્રમાં અંગ્રેજોના પ્રભાવ હેઠળ જ્યોતિબા ફૂલેની આગેવાની હેઠળ દલિતોને શિક્ષણમાં અને સરકારી નોકરીઓમાં અગ્રિમતા અપાવવા માટેનું આંદોલન ચાલતું હતું. કોલ્હાપુરના છત્રપતિ શાહુ મહારાજે છેક ઇ.સ.૧૯૦૨માં કોલ્હાપુર રાજ્યની નોકરીમાં બ્રાહ્મણ સિવાયની પછાત જાતિઓ માટે ૫૦ ટકા બેઠકો અનામત રાખવાની જાહેરાત કરી હતી.ઇ.સ. ૧૯૦૮માં ખુદ બ્રિટિશ સરકારે સરકારી નોકરીઓમાં અમુક ટકા બેઠકો પછાત જાતિઓ માટે અનામત રાખવાનો પ્રારંભ કર્યો હતો.
ઇ.સ. ૧૯૩૩માં બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન રામસે મેકડોનાલ્ડ દ્વારા કોમ્યુનલ અવૉર્ડ તરીકે જાણીતી થયેલી યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજના મુજબ ભારતમાં વસતા મુસ્લિમ, શીખ, ક્રિશ્ર્ચિન, એંગ્લો ઇન્ડિયન અને હિન્દુ સમાજના દલિતો માટે અલગ મતદારક્ષેત્રો ઊભા કરવામાં આવ્યા હતા. દરેક પ્રાંતની વિધાનસભાઓમાં આ કથિત લઘુમતીઓ માટે અનામત બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં જે-તે સમાજના મતદારો જ મતદાન કરી શકતા હતા. કોમ્યુનલ અવૉર્ડમાં હિન્દુ દલિતોને સ્થાન આપવા પાછળ અંગ્રેજોની સ્પષ્ટ ગણતરી હિન્દુ સમાજમાં પણ ફાટફૂટ પડાવવાની હતી. ગાંધીજીને આ વાતનો ખ્યાલ આવી ગયો હતો, માટે તેમણે દલિતો માટે અનામત મતદારક્ષેત્ર સામે ઉપવાસ કર્યા હતા. છેવટે ગાંધીજી અને ડૉ. આંબેડકર વચ્ચે ઐતિહાસિક પૂના કરાર થયા હતા, જેમાં દલિતોને હિન્દુ મતદાર સંઘોમાં અલગ ક્વોટા ફાળવવામાં આવ્યા હતા. અંગ્રેજોએ ચંપેલો અનામત રૂપી પલીતો આજે પણ દાવાનળ બનવા સક્ષમ છે.
એ બધું તો ઠીક કે સવર્ણો આ ચુકાદાથી સચવાય ગયા પણ શું સવર્ણોને સરકારી નોકરી મળશે? સરકારી આંકડા તો એવું કહે છે કે દર વર્ષે મોટાભાગના સવર્ણોને રોજગારી મળી જાય છે. પણ ‘સરકારી નોકરી અને શાંતિ વાળી જિંદગી’ આ સૂત્રને સાર્થક કરવા જ મોટાભાગના સવર્ણો અનામતની માંગ કરતા હતા. ઇડબલ્યુએસ સર્ટિફિકેટ સાથે સવર્ણો સરકારી નોકરી મેળવવા અરજીપત્ર ભરે ત્યારે તેમના મનમાં સરકારની અનામત નામની સ્વૈરવિહાર કરતી વાણી ગુંજી ઊઠે પણ વર્ગ-૩ની ૧૦ જગ્યા માટે ૮૦૦-૯૦૦ ફોર્મ ભરાયા હોય તેમાંય સવર્ણોને તો એક જ જગ્યા મળે. તેમાં તો ‘સોના કરતા ઘડામણ મોંઘુ’ જેવા ઘાટ સર્જાય. એટલે જો ઇડબલ્યુએસની કેટેગરીમાં નોકરી માટે અરજી કરવામાં આવે તો સવર્ણોનું યુદ્ધ સવર્ણો સાથે જ છેડાય જાય અને નોકરી તો પાછી એકને જ મળે એટલે બાકીનાએ તો પાછું નિરાશ જ થવાનું.
દેશના શિક્ષિત બેરોજગારો પોતાના ભવિષ્ય અંગે સતત દિગ્મૂઢ છે. ભાજપની સૌથી મોટી તકલીફ એ છે કે દેશની કોઈપણ સમસ્યાની વાત કરો તો એને એ પોતાના પક્ષ પરનો હુમલો માની લે છે અને તુરત જ સત્યનો પ્રતિકાર કરવાના ધમપછાડા શરૂ કરી દે છે. જો કે એનાથી હકીકતો બદલાતી નથી. જ્યાં સુધી જનસામાન્યનો અનુભવ દુ:ખદ હોય ત્યાં સુધી દુનિયાના કોઈ પણ શાસનને સુશાસન કહેવાય નહિ. છેલ્લા એક દાયકામાં ભારતીય રોજગારીનું જે ચિત્ર હતું તેનું તો ધનોત-પનોત નીકળી ગયું છે.
આજની પળે ૧૫થી ૨૪ વરસની ઉંમરનાં ૩૦ કરોડ યુવક યુવતીઓ બેરોજગાર છે. ફ્રાન્સના ઊંચા એફિલટાવરની છાયામાં જીવતા પેરિસના પરામાં ૪૦ ટકા બેકારી છે. પેરિસથી માંડી છેક આફ્રિકાના કેપટાઉન સુધી આવી જ પરિસ્થિતિ છે, નવોદિત દક્ષિણ આફ્રિકામાં અંદાજે બેરોજગારીનું પ્રમાણ પંચાવન ટકા છે. તેની સામે ભારતનું ચિત્ર પણ કંઈ ઉજળું નથી. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ અનુસાર આ વર્ષે ભારતમાં ૭.૭૭ ટકા સુધી બેરોજગારીનો દર પહોંચી ચૂક્યો હતો. બીજી તરફ યુવાધનમાં વ્હાઇટ કોલર જોબનો ક્રેઝ વધતો જાય છે. તેમાંય સરકારી નોકરી કરવા માટે થોથાના થોથા વાંચીને જેટલી પણ નોકરીની જાહેરાત આવે તેમાં ફોર્મ ભરવા પહોંચી જાય અને જો નાપાસ થાય તો અનામત ઓર આળ મૂકીને એવું સાબિત કરવા મથે કે તેણે તો અત્યંત મહેનત કરી હતી પણ અનામત નડી ગઈ એટલે નોકરી ન મળી.
અનામત કોઈ ચૈતસિક શક્તિ નથી એ માત્ર બંધારણીય સુધારો છે જેનો લાભ અમુક અંશે મળે છે. બાકી જીવનમાં પ્રગતિ કરવી હોય તો સખત પરિશ્રમ કરવો પડશે. આ વાત જ્યાં સુધી ભારતના યુવાધનના માનસમાં ફિટ નહીં થાય ત્યાં સુધી અનામતની માંગ થતી જ રહેશે. હાલ પણ એક વર્ગ જે વર્ષોથી અનામત ભોગવે છે તે એવી લઘુતાગ્રંથિથી પીડાય છે કે જો સવર્ણોને લાભ મળશે તો તેનો લોટો લુવાઈ જશે. ત્યારે સવર્ણોને મળેલી અનામતનો વિરોધ ક્યાં અને કેટલો થશે એ તો સમય જ બતાવશે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -