(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મુુલુંડ જકાત નાકા પાસે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડયું હતું, જેનું સમારકામ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું. આ કામ નિશ્ર્ચિત કરેલા સમય કરતા પહેલાં પૂરું કરવામાં પાલિકાને સફળતા મળી હતી.
મહારાષ્ટ્ર રાજ્ય રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કલ્વટરના કામ કરવામાં આવી રહ્યા છે. ખોદકામ દરમિયાન મુલુંડ જકાત નાકા પરિસરમાં હરિ ઓમ નગરમાં પાલિકાની ૨,૩૪૫ મિલીમીટર વ્યાસની ‘મુંબઈ-૨’ પાઈપલાઈનને નુકસાન થયું હતું. તેથી ૨૭ માર્ચ, ૨૦૨૩થી પિસે-પાંજરાપૂર કૉમ્પ્લેક્સથી પાણી લાવનારી પાઈપલાઈનમાં રહેલા ગળતરનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.
પાણીપુરવઠા ખાતાએ સળંગ દિવસરાત ગળતરને રોકવાનું કામ બુધવારે વહેલી સવારે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. સળંગ ૩૬ કલાક કામ ચાલ્યા બાદ ૨૯ માર્ચ, ૨૦૨૩ના સવારના પાંચ વાગે આ કામ પૂરું થયું
હતું. પાણી પુરવઠા ખાતાના કહેવા મુજબ નક્કી કરેલા સમયના ૧૫ કલાક પહેલાં જ પાઈપલાઈનનું સમારકામ પૂરું કરવામાં આવ્યું હતું.
પાલિકાના એડિશનલ કમિશનર પી.વેલરાસૂના જણાવ્યા મુજબ નાગરિકોના પાણીપુરવઠાને અસર થાય નહીં તે માટે પાલિકાએ ચાર અલગ-અલગ ખાતાની ટીમ બનાવી હતી. કુલ ૧૨ ઍન્જિનિયર અને ૩૦ કર્મચારીની મદદથી આ કામ પૂરું કરવામાં આવ્યું હતું. સળંગ ૩૬ કલાક દિવસરાત પાઈપલાઈનનું સમારકામ ચાલ્યું હતું.
સામાન્ય રીતે પાઈપલાઈનના સમારકામ દરમિયાન પૂર્ણરીતે પાણીપુરવઠો રોકીને કામ કરવામાં આવતું હોય છે. ત્યારે આ પાઈપલાઈનમાં પાણીનું પ્રેશર હોવા છતાં ગળતર થયેલા પાણીની અંદર સમારકામ કરવાનું કામ લેવામાં આવ્યું હતું. છેવટે બુધવારે સવારના પાંચ વાગે આ કામ પૂરું કરવામાં સફળતા મળી હતી. તેથી મુંબઈનો પાણીપુરવઠો પૂર્વવત થશે. આ કામને કારણે શહેર અને પૂર્વ ઉપનગરના વિસ્તારમાં સોમવાર ૨૭ માર્ચ, ૨૦૨૩ના રાતના ૧૦ વાગ્યાથી બુધવાર ૨૯ માર્ચ, ૨૦૨૩ રાતના ૧૦ વાગ્યા સુધી ૧૫ ટકા પાણીકાપ મૂકવામાં આવ્યો હતો.