ગુજરાત રાજ્ય ઉપરાંત સમગ્ર દેશને હચમચાવી દેનાર મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 134 લોકોએ જીવ ગુમાવ્યો છે, હજુ પણ કેટલાક લોકો ઘાયલ છે. એવામાં ગુજરાત સરકારે જાણે શરમ નેવે મૂકી દીધી હોય એમ પોતાની શાખ બચાવવા મથામણ કરી રહી છે. લોક લાડીલા! વડાપ્રધાન મોદી આજે મોરબી પહોંચી મૃતકોના પરિવારોને સાંત્વના આપવા જવના છે અને મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ ઘાયલોની પણ મુલાકાત લેવાના છે. એવામાં મોરબી સિવિલ હોસ્પીટલમાં રાતોરાત રિનોવેશન અને કલરકામની કામગીરી કરવામાં આવી હતી.
ગુજરાતના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન ઘટનાની સાંજથી જ મોરબીમાં હાજર છે. ઘાયલ લોકોને સારવારની જરૂર છે ત્યારે તંત્રને પોતાની શાખ બચાવવાની પડી છે. સિવિલ હોસ્પીટલમાં રાતોરાત કારીગરો બોલાવી કલરકામ શરુ કરાયુ હતું અને રીનોવેશન હાથ ધરાયું હતું. નવા ઇલેક્ટ્રિક ઉપકરણો ફીટ કરવમાં આવ્યા હતા. હોસ્પિટલમાં તૂટેલાં બેડને દૂર કરી નવાં બેડ લાવવામાં આવી રહ્યાં છે. પાણીનાં નવા કૂલર મૂકવામાં આવ્યાં. ખખડધજ હાલતમાં રહેલા અનેક દરવાજાઓ પણ બદલાવવામાં આવ્યા છે. જેથી વડાપ્રધાનથી હોસ્પીટલની બિસ્માર હાલત છુપાવી શકાય અને ‘સબ ચંગા સી’નો રાગ આલાપી શકાય. મોરબીમાં રહેલા મુખ્યપ્રધાનના ઈશારે આ બધું થઇ રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ ગોઝારી ઘટના બનીએ એ દિવસે જ ગુજરાતના સપુત તરીકે જાણીતા માનનીય વડાપ્રધાન મોદી ગુજરાતમાં જ હતા. મૃતકોના પરિવારોને સાંત્વના આપવા અને બચાવ કાર્યના નિરીક્ષણ કરવાને બદલે તેઓ ચૂંટણીને લઈને ધ્યાનમાં રાખી સરકારી ઉદ્ઘાટનના કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા. જેને લઈને મોરબીના લોકોમાં ભારે રોષનો માહોલ છે. લોકો MODI GO BACK ના નારા લગાવી રહ્યા છે.
