સુપ્રીમ કોર્ટે આજે સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદને 3 મહિનાની અંદર હટાવવાનો આદેશ આપ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે 2018માં જ સાર્વજનિક જમીન પર બનેલી આ મસ્જિદને હટાવવાનું કહ્યું હતું જેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
આજે સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટના આદેશમાં કોઈ ખામી નથી. અરજદાર ઈચ્છે તો વૈકલ્પિક જગ્યા માટે સરકારને અરજી કરી શકે છે. વકફ મસ્જિદ હાઈકોર્ટ, યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને અન્ય અરજદારોએ 2018ના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને ત્રણ મહિનામાં મસ્જિદ હટાવવાનો આદેશ આપ્યો છે. જો આમ ન થાય તો હાઇકોર્ટ અને સત્તાધીશોને તેને તોડી પાડવાનો અધિકાર રહેશે.
બીજી તરફ મસ્જિદ પ્રબંધન સમિતિનો બચાવ કરી રહેલા કપિલ સિબ્બલે કહ્યું કે મસ્જિદ 1950થી અહીં છે. કપિલ સિબ્બલે કહ્યું કે વર્ષ 2017માં સરકાર બદલાઈ અને બધું બદલાઈ ગયું. નવી સરકારની રચનાના દસ દિવસ બાદ પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. મસ્જિદને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં અમને કોઈ વાંધો નથી, પરંતુ પહેલા જગ્યા તો મળવી જોઈએ ને.