ફોકસ-ગીતા માણેક
તમિલમાં પો…પો… એટલે જા…જા… ગયા વર્ષમાં હિન્દી ફિલ્મના દર્શકોએ સાઉથની ફિલ્મોને આવો જ પ્રતિભાવ આપ્યો છે. ગત વર્ષમાં બનેલી ‘બચ્ચન પાંડે’, ‘જર્સી’, ‘હિટ’, ‘લાલ સિંહ ચઢ્ઢા’, ‘વિક્રમ વેધા’, ‘સર્કસ’, ‘શહજાદા’, ‘સેલ્ફી’, ‘ભોલા’ અને ‘ગુમરાહ’ જેવી ફિલ્મોનું બજેટ તો અધધધધ હતું પણ આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધબડકો કર્યો છે. આ બધી ફ્લોપ ફિલ્મોમાં એક વાત એકસરખી છે અને તે એ કે આમાંની મોટા ભાગની ફિલ્મો સાઉથની ફિલ્મોની રિમેક છે. આમ તો બોલીવુડમાં સાઉથની હીટ ફિલ્મોની રિમેક બનાવવાનો ટ્રેન્ડ વર્ષોથી ચાલે છે. ભૂતકાળમાં સાઉથની આ રિમેક ફિલ્મોમાંની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ નીવડી છે, પરંતુ લોકડાઉનને લીધે આખો સિનારિયો બદલાઈ ગયો છે. લોકડાઉનમાં ઘરના સોફા કે બેડ પર પડ્યા-પડ્યા કંટાળેલા લોકોએ તેમના મોબાઈલમાં જે જાતભાતના ક્ધટેન્ટ જોયા એમાં આ સાઉથની હિન્દીમાં ડબ્ડ કે સબ-ટાઇટલ્સ સહિતની ડઝનબંધ ફિલ્મો જોઈ નાખી હતી. એટલે જ્યારે આ જ ફિલ્મોની હિન્દી રિમેક બની તો ઓડિયન્સ આવી ફિલ્મો જોવા મલ્ટિપ્લેક્સિસ કે થિયેટરો સુધી લાંબી ન થઈ. આ ઉપરાંત આ રિમેક ફિલ્મોનું મેકિંગ પણ કંઈ બહુ ઓવારી જવાય એવું તો હતું જ નહીં. આ જ કારણ છે કે ગયા વર્ષે સાઉથની રિમેક તરીકે બનેલી હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધડાધડ ધરાશાયી થઈ ગઈ હતી. દર્શકોએ આ ઓરિજિનલ ફિલ્મો પછી એ તમિલ, તેલુગુ કે મલાયલમ હોય એને યુટ્યુબ કે અન્ય કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ લીધી હતી. આને કારણે તેઓ જેના પરથી એની રિમેક બની હોય એ સાઉથની ફિલ્મો સાથે સરખામણી પણ કરવા માંડ્યા છે. સાઉથની રિમેક બનેલી આ મોટા ભાગની ફિલ્મો તેની મૂળ ફિલ્મોની વરવી રિમેક સાબિત થઈ છે.
સાઉથની આ રિમેક ફિલ્મોમાંથી અજય દેવગણની ‘દૃશ્યમ-૨’ એક માત્ર એવી ફિલ્મ રહી છે જે બોક્સ ઓફિસ પર હિટ રહી અને દર્શકોએ એને વખાણી પણ હતી. જો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણકારો કહે છે કે ‘દૃશ્યમ’ ફિલ્મ ચાલી ગઈ, કારણ કે આ ફિલ્મનું હિન્દી ડબ્ડ વર્ઝન ઇન્ટરનેટ પર ઉપલબ્ધ નહોતું. જો કે સાઉથની આ રિમેક્સ ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધે માથે પટકાઈ હોવા છતાં રિમેક્સ બનાવવાનો ટ્રેન્ડ કંઈ અટક્યો નથી. બોલીવુડમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આ વર્ષે ઓછામાં ઓછી અડધો ડઝન ફિલ્મ એવી બની રહી છે જે સાઉથની ફિલ્મોની રિમેક છે. આજે જ રિલીઝ થઈ રહેલી ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ તમિલ ભાષામાં બનેલી ‘વીરમ’ ફિલ્મની રીમેક છે. મૂળ ફિલ્મમાં તમિલ સુપરસ્ટાર અજીત કુમાર હીરો છે. આ ફિલ્મની રિમેકમાં સલમાન ખાન હીરો છે. સિનિયર સિટીઝનશીપની નજીક પહોંચી રહેલા સલમાન ખાન અભિનિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શું ઉકાળે છે એ થોડા જ દિવસોમાં ખબર પડી જશે. આવી આશંકા કરવાનું એક કારણ એ છે કે જેના પરથી ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મ બની છે એ મૂળ તમિલ ફિલ્મ ‘વીરમ’નું હિન્દીમાં ડબ્ડ વર્ઝન યૂટ્યુબ પર ઉપલબ્ધ છે અને તેને લગભગ બે કરોડથી પણ વધુ લોકો જોઈ
ચૂક્યા છે.
આ જ વર્ષે રિલીઝ થનારી ‘સોરારી પોટારુ’ નામની તમિલ ફિલ્મની રિમેકમાં અક્ષય કુમાર હીરો છે. આ તમિલ ફિલ્મનું પણ ઓફિશિયલ હિન્દી ડબ્ડ વર્ઝન ‘ઉડાન’ના નામે ઓટીટી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને લાખ્ખો દર્શકો એને જોઈ ચૂક્યા છે ત્યારે એની રિમેકને અને આધેડ વયના અક્ષયકુમારને જોવા પ્રેક્ષકો થિયેટરો સુધી લાંબા થશે કે કેમ એ પ્રશ્ર્ન છે. આ બે ફિલ્મો સિવાય પણ આ વર્ષે ઘણી બધી નાની-મોટી સાઉથ ફિલ્મોની હિન્દી રિમેક રિલીઝ થવા જઈ રહી છે.
આ બધી રિમેક માટે એવું કહેવાય છે કે લોકડાઉન પહેલાં જ આ ફિલ્મો બનાવવાનું પ્લાનિંગ થઈ ગયું હતું. ઘણી
ફિલ્મોના રાઇટ્સ પણ ખરીદી લેવાયા હતા અને કેટલીક ફિલ્મોનું તો પ્રી-પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું હતું. એવામાં અણધાર્યો કોરોના ત્રાટક્યો. બોલીવુડના ફિલ્મ નિર્માતાઓએ સપનામાં પણ વિચાર નહોતો કર્યો કે લોકોએ આ રીતે ઘરમાં પૂરાઈ રહેવું પડશે અને તેઓ ઇન્ટરનેટ પર સાઉથની આ બધી ફિલ્મો ધડાધડ જોઈ નાખશે. બોલીવુડના આવા ફિલ્મમેકર્સના હાલ હવે બોળ્યું છે તો મુંડાવું પડશે જેવા થયા છે. કોરોના પહેલાં જે ફિલ્મોનું કામ ચાલુ થઈ ચૂક્યું હતું એને પૂરી કરીને રિલીઝ કરવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો.
જો કે બોલીવુડના સિતારાઓના ચાહકો સાઉથની હિટ ફિલ્મોની મોટા ભાગની ઘટિયા રિમેક્સથી કંટાળેલા છે. આ ચાહકો સોશ્યલ મીડિયા પર સાઉથની રિમેક ફિલ્મો સામે નારાજગી દર્શાવી રહ્યા છે. તેમને નવાઈ એ વાતની લાગે છે કે બોલીવુડના નિર્માતાઓ મૌલિક ફિલ્મો બનાવવાને બદલે સાઉથની ફિલ્મોની રિમેક બનાવવાના રવાડે શા માટે ચડી ગયા છે. બોલીવુડના એક જાણીતા પ્રોડ્યુસર અને ફાયનાન્સર કહે છે કે જે ફિલ્મો સાઉથમાં ૫-૧૦ કરોડમાં બની હોય એ જ ફિલ્મો બોલીવુડમાં ૧૦૦થી ૧૫૦ કરોડમાં બને છે. આ પ્રોડ્યુસરનું કહેવું છે કે ફિલ્મો નહીં ફિલ્મોના બજેટ ફ્લોપ ગયા છે.
જે રીતે આ રિમેક ફિલ્મો ફ્લોપ ગઈ છે અને ફ્લોપ થઈ રહી છે સાઉથની ફિલ્મોની રિમેક બનાવવા હડીયું કાઢતું બોલીવુડ સહેજ ટાઢું પડ્યું છે. હવે સાઉથની ફિલ્મોને બદલે બોલીવુડ પોતાની જ ફિલ્મોની સિક્વલ તરફ નજર દોડાવી રહ્યું છે. તાજેતરમાં ‘વોર-૨’ અને ‘બ્રહ્માસ્ત્ર-૨’ની જાહેરાત થઈ છે એ આ બાબતનો પુરાવો છે. અલબત્ત, સાઉથની રિમેકની જેમ જ સફળ ફિલ્મોની સિક્વલ બોક્સ ઓફિસ પર સફળ થાય છે કે નિષ્ફળ એ જોવું રહ્યું. ગમે તે હોય પણ બોલીવુડમાં તાજગી અને નાવીન્યનો અભાવ જ વરતાઈ રહ્યો છે.