શિવ રહસ્ય -ભરત પટેલ
ગત સપ્તાહ સુધીનો સારાંશ: ઘણા સમય બાદ કૈલાસ પહોંચેલા ભગવાન શિવને જોઈ માતા પાર્વતી અને અશોકસુંદરી હર્ષ અનુભવે છે. અશોકસુંદરી કહે છે, ‘પિતાજી આ દેવગણ અને અસુરો વચ્ચે થોડા થોડા સમય બાદ ઘર્ષણ કેમ થયા કરે છે. હંમેશાં તમારે અથવા શ્રીહરી વિષ્ણુએ કોઈને કોઈ અસુરનો વધ કરતા રહેવું પડે છે, અસુરો સંસારમાં અરાજકતા કેમ ફેલાવતા રહે છે, તેઓ શાંતિથી કે રહી શકતા નથી? તો ભગવાન શિવ કહે છે, ‘સંસારમાં શત્રુ એટલે અસુર નહીં, મનુષ્યના મનમાં ઉત્પન્ન થતાં લોભ, અહંકાર અને મહત્વકાંક્ષા જ અસુરતા છે. જે મનુષ્ય આ ત્રણ ભાવોના અધિન છે તે અસુર છે. જ્યાં સુધી આ સંસારમાં આ ત્રણ ભાવ રહેશે ત્યાં સુધી આ સંસાર પર સંકટના વાદળ મંડરાતા રહેશે. જ્યાં સુધી સંસારમાં એકતા અને સમાનતા નહીં થાય ત્યાં સુધી સંસાર વિભાજિત રહેશે. ફરી કોઈ શક્તિશાળી પોતાને ઈશ્ર્વર તરીકે સ્થાપિત કરવાની કોશિષ કરશે અને ત્યારે મારે અથવા શ્રીહરિ વિષ્ણુએ અવતાર લઈ તેનો વધ કરવો પડશે.’ અશોકસુંદરી ભગવાન શિવને કહે છે કે તમે દેવરાજ ઇન્દ્રને બોલાવી આદેશ આપો કે તેઓ એકતા અને સમાનતા માટે કાર્ય કરે. તે જ સમયે દેવર્ષિ નારદ ત્યાં ઉપસ્થિત થાય છે અને કહે છે, ‘મેં દેવરાજ ઇન્દ્રને કહ્યું છે કે, અહમ અને અહંકારને ત્યાગી સૃષ્ટિના ઉત્કર્ષ માટેના કાર્યો કરવાં જોઈએ અને વધુમાં વધુ સમય ત્રિદેવની તપસ્યા કરવી જોઈએ.’ તપસ્યા શબ્દ સાંભળતા અશોકસુંદરી તપસ્યા એટલે શું એવું પૂછે છે તેના જવાબમાં ભગવાન શિવ કહે છે, ‘પોતાનું સર્વસ્વ ત્યાગી, કઠિન પરિસ્થિતિઓને અપનાવી, કષ્ટને સહન કરવું એ જ તપસ્યા છે. તપસ્યા જ એક એવું માધ્યમ છે જે વ્યક્તિને ઈશ્ર્વર સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે.’ તો અશોકસુંદરી કહે છે ‘શું મારે પણ તપસ્યા કરવી જોઈએ?’ પોતે એકલાં પડી જવાના સંજોગો દેખાતા માતા પાર્વતી કહે છે, ‘નહીં, હજી તમે બહુ નાના છો.’ અશોકસુંદરી શિવગણો સાથે રમવા જતા ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, ‘સદાય માતા પિતા પર આશ્રિત રહેનાર સંતાનની ઉન્નતી સંભવ નથી, તેમણે તેમનું કાર્યક્ષેત્ર અને ઉદ્દેશ પરિપૂર્ણ કરવા પોતાનો માર્ગ સ્વયં શોધવો પડે છે અને માતાપિતા દ્વારા તેમને અવરોધવા અનુચિત નથી.’ એ જ સમયે અશોકસુંદરી ત્યાં આવે છે અને કહે છે: ‘પિતાજી મેં ભાઈ કાર્તિકેય વિષે સાંભળ્યું છે, મળી નથી, મારે તેમને મળવું છે.’
—-
અશોકસુંદરી પોતાના ભાઈને મળવાની ઈચ્છા દર્શાવતા ભગવાન શિવ નંદીને આદેશ આપે છે કે દક્ષિણ ક્ષેત્રમાં જવાની તૈયારી કરો. તૈયારી પૂર્ણ થતાં જ કૈલાસ ખાતેથી ભગવાન શિવ, માતા પાર્વતી, અશોકસુંદરી, નંદી સહિત શિવગણો દક્ષિણ વિભાગ
પહોંચે છે.
ભગવાન શિવ, માતા પાર્વતી અને અશોકસુંદરી આવ્યાં હોવાની જાણ થતાં જ રાજા નમ્બી તેમની પુત્રી દેવી મીનાક્ષી તેમનું સ્વાગત કરે છે.
રાજા નમ્બી: ‘અહીં દક્ષિણ ક્ષેત્રમાં દેવાધિદેવ મહાદેવ, માતા પાર્વતી અને અશોકસુંદરીનું સ્વાગત છે.’
રાજા નમ્બી તેમની પત્ની અને દેવી મીનાક્ષી ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ લે છે.
માતા પાર્વતી દેવી મીનાક્ષીને આશીર્વાદ આપતા કહે છે, ‘મીનાક્ષી તમે કાર્તિકેયની સંભાળ એક માતા તરીકે કરી છે, યુગોયુગો સુધી માનવો તમને કુમાર કાર્તિકેયના માતા તરીકે પૂજશે.’
એ જ સમયે કુમાર કાર્તિકેય ત્યાં ઉપસ્થિત થાય છે અને તે માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદ લે છે. પ્રથમવાર કુમાર કાર્તિકેયને મળતાં હેતલાગણી ઊભરાઈ આવતાં અશોકસુંદરીના નેત્રથી આસું ટપકે છે. આસું ટપકતાં જોઈ કુમાર કાર્તિકેય અશોકસુંદરીને ગળે લગાડે છે.
અશોકસુંદરી: ‘ભાઈ તમને મારી કે માતાની યાદ નથી આવતી.’
કુમાર કાર્તિકેય: ‘બહેન ખૂબ યાદ આવતી પણ હું આવી શકતો નથી, હું દક્ષિણ ક્ષેત્રથી બહાર જાઉ એટલે જ અસુરો અહીં આક્રમણ કરી દે છે, પિતાજીએ મને દક્ષિણ ક્ષેત્ર સંભાળવાની જવાબદારી સોંપી છે.’
ખૂબ લાંબી ચર્ચા ચાલતી હોવાથી દેવી મીનાક્ષી તેમને ભોજન ગ્રહણ કરવા આમંત્રણ આપે છે. ભગવાન શિવ અને રાજા નમ્બી પરિવારસહ ભોજન ગ્રહણ કરે છે. ભોજન બાદ અશોકસુંદરીને દેવી મીનાક્ષી અને કુમાર કાર્તિકેય દક્ષિણ ક્ષેત્રનું ભ્રમણ કરાવે છે. ભ્રમણ દરમિયાન કુમાર કાર્તિકેય અશોકસુંદરીને પોતાનું તપસ્યા સ્થળ બતાવે છે.
કુમાર કાર્તિકેય: ‘અશોકસુંદરી જુઓ આ મારું તપસ્યા સ્થળ છે, અહીં હું તપસ્યા કરું છું. પિતાજીએ કહ્યું હતું કે, દરેક પ્રશ્ર્નોનું નિરાકરણ આપણી અંદર જ સમાયેલું છે, તપસ્યા દ્વારા હું મારા મનને એકાગ્ર કરી મન અને ઇન્દ્રીયોને વશમાં રાખવાનો વિચાર કરું છું. તપસ્યા મને વાસ્તવિકતાથી દૂર નથી થવા દેતી, ધાર્મિક ઉત્થાન દરેકનો ધ્યેય હોવો જોઈએ અને ધાર્મિક ઉત્થાન માટે તપસ્યા સિવાય કોઈ માર્ગ નથી.’
અશોક સુંદરી: ‘શું ભાઈ મારે પણ તપસ્યા કરવી જોઈએ.’
કુમાર કાર્તિકેય: ‘અવશ્ય કરવી જોઈએ, જેના પિતા દેવાધિદેવ મહાદેવ અને માતા આદિશક્તિ હોય તેમણે તપસ્વી બનવું પૂર્વનિયોજિત હોય છે. તપસ્યા વગર તમારી આત્મોન્નતી અશક્ય છે. અશોકસુંદરી તપસ્યા જ આપણી કર્મભૂમિ છે, તપસ્યા અવશ્ય કરો.’
એ જ સમયે તેમને શોધવા દેવી મીનાક્ષી ત્યાં પધારે છે અને કહે છે. ઘણો સમય વ્યતિત થયો છે રાજમહેલ ચાલો.’
રાજમહેલ પહોંચતાં જ ભગવાન શિવ નંદીને કૈલાસ જવાની તૈયારી કરવા કહે છે. તૈયારી પૂર્ણ થતાં જ ભગવાન શિવ, માતા પાર્વતી, અશોકસુંદરી, નંદી સહિત શિવગણો કૈલાસ પહોંચે છે.
કૈલાસ પહોેંચ્યા બાદ અશોકસુંદરી તપસ્યા અંગે મનોમંથન કરે છે અને ભગવાન શિવ પાસે પહોંચે છે.
અશોકસુંદરી: ‘પિતાજી ભાઈ કુમાર કાર્તિકેય પણ તમારી જેમ તપસ્યા કરે છે, તેઓ કહેતા હતા કે જેના પિતા દેવાધિદેવ મહાદેવ અને માતા આદિશક્તિ હોય તેમણે તપસ્વી બનવું પૂર્વનિયોજિત હોય છે. શું ભાઈની જેમ મારું પણ કોઈ કર્તવ્ય છે?’
ભગવાન શિવ: ‘અવશ્ય, તમારું કર્તવ્ય છે તપસ્યા દ્વારા કર્મ અને ધર્મને પ્રચલિત કરવાનું.’
અશોકસુંદરી: ‘શું તમે મને વરદાન ન આપી શકો?’
ભગવાન શિવ: ‘તપ કે કર્મ વગર મેળવેલું શુભ હોતું નથી અને જે શુભ હોતું નથી એ ટકતું નથી, એ સત્ય નહીં થાય, હું મારા દરેક ભક્તોને વરદાન આપતા પહેલાં તપનો મહિમા સમજાવું છું પણ દરેક જણ વરદાન લઈ તૃપ્ત થઈ જાય છે. અશોકસુંદરી તમને સૃષ્ટિના દરેક સુખ મળી જશે પણ તપસ્યા વિના એ સમસ્ત
સંસાર પણ મળી જાય તો એ વ્યર્થ છે. તમારી માતાએ પણ મને મેળવવા ઘોર તપસ્યા કરી હતી. તમારે પણ નહુશને મેળવવા તપસ્યા કરવી જોઈએ.’
અશોકસુંદરી: ‘શું તપસ્યા વગર હું નહુશને નહીં મેળવી શકું?’
ભગવાન શિવ: ‘અવશ્ય મળશે પણ, તપસ્યા બાદ નહુશને મેળવવાનું સુખ કંઈક અલગ જ હશે. એ સંબંધની પરિપક્વતા અતુલ્નીય હશે. એ વિવાહ બાદ તમે જે મહાન કાર્ય પરિપૂર્ણ કરશો એ તપસ્યા બાદ જ શક્ય છે.’
—
અશોકસુંદરી પોતાનાં આભૂષણો ત્યાગી આસન જમાવે છે, એ જ સમયે માતા પાર્વતી ત્યાં આવે છે અને કહે છે, ‘પુત્રી સારું થયું તમે આ જૂનાં આભૂષણો ત્યાગી દીધાં, મેં આજે જ નવાં આભૂષણો મંગાવ્યાં છે, ચાલો હું તમને પહેરાવું.’
અશોકસુંદરી: ‘માતા નહીં હવે મને નવાં કે જૂનાં આભૂષણોની જરૂર નથી, મને આશીર્વાદ આપો. હું તપસ્યા કરવા જઈ રહી છું.’
માતા પાર્વતીના આશીર્વાદ લઈ અશોકસુંદરી તપસ્યા કરવા વન તરફ નીકળી પડે છે.
(ક્રમશ:)