Homeદેશ વિદેશરીલીફ રેલી: વિશ્ર્વબજારનો ટોન સુધરતા ત્રણ દિવસની મંદીને બ્રેક, સેન્સેક્સ ફરી ૬૧,૫૦૦...

રીલીફ રેલી: વિશ્ર્વબજારનો ટોન સુધરતા ત્રણ દિવસની મંદીને બ્રેક, સેન્સેક્સ ફરી ૬૧,૫૦૦ નજીક પહોંચ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારનો એકંદર ટોન સુધરતા ત્રણ દિવસની મંદીને બ્રેક લાગી હતી અને આઇટી, મેટલ તથા ક્ધઝ્યુમર સ્ટોક્સમાં લેવાલીનો સારો ટેકો મળતા સેન્સેક્સ ફરી ૬૧,૫૦૦ નજીક પહોંચ્યો હતો. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૧૨ પૈસા મજબૂત થઇને ૮૧.૬૭ બોલાયો હોવાથી પણ સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો.
સેન્સેક્સ ૨૭૪.૧૨ પોઇન્ટ અથવા તો ૦.૪૫ ટકાના સુધારા સાથે ૬૧,૪૧૮.૯૬ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેકસ નિફ્ટી ૮૪.૨૫ પોઇન્ટ અથવા તો ૦.૪૬ ટકાના સુધારા સાથે ૧૮,૨૪૪.૨૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
એકધારી ત્રણ દિવસની પીછેહઠ બાદ વિશ્ર્વબજારમાં જોવા મળેલા બુલીશ ટ્રેન્ડને પ્રતિસાદ આપતા ભારતીય શેરબજારો રીલીફ રેલી નોંધાવી હોવાનું જણાવતાં જીઓજિતના વિનોદ નાયરે કહ્યું હતું કે, આમ છતાં ચીનમાં સતત ફેલાઇ રહેલા કોરોનાને નિયંત્રિત કરવા અપનાવાયેલી કડક લોકડાઉનની સ્થિતિને કારણે વૈશ્ર્વિક વિકાસમાં અવરોધ ઊભા થવાની ભીતિ ચર્ચાઇ રહી છે. આ ઉપરાંત ફેડરલ વ્યાજદરમાં વધારો કરે એવી સંભાવના પ્રબળ હોવાને કારણે એફઆઇઆઇની લેવાલી પણ ધીમી પડી રહી છે.
ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૬૪ ટકાના ઉછાળા સાથે સેન્સેક્સના શેરોની યાદીમાં ટોપ ગેઇનર બન્યો હતો, જ્યારે એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઇટન, ઇન્ફોસિસ, ટીસીએસ, લાર્સન એન્ડ ટૂબ્રો તથા ટાટા સ્ટીલનો સમાવેશ હતો. સેન્સેકસમાં માત્ર પાંચ શેરો નુકસાનીમાં રહ્યાં હતા જેમાં, નેસ્લે ઇન્ડિયા, ભારતી એરટેલ, પાવરગ્રીડ, એચડીએફસી બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કનો સમાવેશ હતો.
લાર્સન એન્ડ ટૂબ્રોએ જાપાન સ્થિત ચિયોડાનો જોઇન્ટ વેન્ચર એલટીસીમાંનો સંપૂર્ણ હિસ્સો રૂ. ૭૫ કરોડમાં હસ્તગત કરી લીધો છે. કાયનેસનો શેર લિસ્ટીંગ વખતે ૧૭.૫ ટકા ઉછળ્યો હતો. ઉત્તર પ્રદેશને ભારતના વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવાના પ્રયાસના ભાગરૂપે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-૨૦૨૩ના સંગઠનની ઔપચારિક જાહેરાત કરી છે. નવી દિલ્હીના સુષ્મા સ્વરાજ પ્રવાસી ભારતીય ભવનમાં મંગળવારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગોની પ્રતિષ્ઠિત હસ્તીઓ, ઓદ્યોગિક સંગઠનો અને કેટલીક જાહેર ક્ષેત્રની કંપનીઓના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં યોગીએ વિશ્ર્વભરના ઔદ્યોગિક રોકાણકારોને ઉત્તર પ્રદેશમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. ઉદ્યોગપ્રધાન ગોયલે કહ્યું હતું કે ઇન્ડિયા અને યુકે વચ્ચેના વ્યાપાર કરાર ટોચની અગ્રિમતા ધરાવે છે અને આ સંદર્ભે આગલા મહિને વાટાઘાટો થશે.
દરમિયાન, સ્મોલકેપ શેરોમાં નબળાઈ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી હતી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ ૦.૪૮ ટકા વધીને ૨૫,૨૧૭.૧૮ના સ્તર પર બંધ થયો છે. જ્યારે એનએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૦ ટકા ઘટાડાની સાથે ૨૮,૭૨૩.૨૫ પર બંધ થયો છે. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ૦.૧૧-૧.૬૬ ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૦.૨૬ ટકાના વધારાની સાથે ૪૨,૪૫૭.૦૫ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે રિયલ્ટી શેરોમાં ઘટાડો દેખાયો. અગ્રણી શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, એનટીપીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચડીએફસી લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને અપોલો હોસ્પિટલ ૧.૩૪-૨.૯૩ ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં બીપીસીએલ, નેસ્લે ઈન્ડિયા, ભારતી એરટેલ, પાવર ગ્રિડ, કોટક મહિન્દ્રા બેન્ક, ઓએનજીસી અને આઈશર મોટર્સ ૦.૧૦-૧.૧૮ ટકા સુધી ઘટીને બંધ થયો છે. મિડકેપ શેરોમાં બેન્ક ઑફ ઈન્ડિયા, ન્યૂ ઈન્ડિયા એસ્યોર, કેસ્ટ્રોલ શ્રીરામ ટ્રાન્સફર અને બીએચઈએલ ૨.૯૧-૪.૩૫ ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં પીબી ફિનટેક, ડિલેહવરી, ૩એમ ઈન્ડિયા, મેક્સ ફાઈનાન્શિયલ અને ઑયલ ઈન્ડિયા ૨.૧૩-૩.૦૨ ટકા સુધી ઘટીને બંધ થયા છે. સ્મોલકેપ શેરોમાં કોપરણ, ઈઝી ટ્રીપ, બાલાજી ટેલિફિલ્મ, હાઈ-ટેક પાઈપ્સ અને મિર્ઝા આઈએનટીએલ ૧૨.૪૬-૧૮.૩૯ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મોલકેપ શેરોમાં સ્વાન એનર્જી, ગુજરાત થેમિસ, વક્રાંગી, રેન્બો ચાઈલ્ડ અને રેલ વિકાસ ૬.૫૬-૯.૯૮ ટકા નબળાઈની સાથે બંધ થયા છે.
એકંદરે શેરબજારની એકધારી આગેકૂચ સામે બે સમસ્યા છે. એક તો ચીન અને બીજું અમેરિકા. ચીને કોરોનાને લગતા નવા નિયંત્રણો લાદ્યા છે અને બીજું વિશ્ર્વભરમાં ઈન્ફલેશનનો ભય છે અને અમેરિકાની ફેડરલ આક્રમક વલણ અપનાવશે એવી ચીમકી ફેડના અધિકારીઓ જ આપી રહ્યાં છે.
સંક્ષિપ્તમાં વૈશ્ર્વિક સ્તરે ઇન્ફ્લેશનનો હાઉ હજુ ઘટ્યો નથી, પરિણામે ફેડરલ રિઝર્વ અને અન્ય સેન્ટ્રલ બેન્કો વ્યાજદર વધારો અપનાવશે તેવા અહેવાલોના પગલે ઇક્વિટી માર્કેટની તેજીને બ્રેક લાગી છે. ફેડરલની આગામી બેઠકમાં કેટલો વ્યાજ વધારો આવે છે અને વિદેશી રોકાણકારોનો ટ્રેન્ડ કેવો રહે છે તેના આધારે બજારનું ચિત્ર સ્પષ્ટ થશે. આ ઓછું હોય તેમ નિષ્ણાતો રોકાણકારોને થોભો અને જુઓની નીતિ અપનાવવાની સલાહ આપી રહ્યા છે. આ કારણો પણ શેરબજારને આગળ વધવાથી અટકાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -