Homeએકસ્ટ્રા અફેરરાજીવ ગાંધીના હત્યારાઓની મુક્તિ આંચકાજનક

રાજીવ ગાંધીના હત્યારાઓની મુક્તિ આંચકાજનક

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં ન્યાયતંત્ર ક્યારેક એવા ચુકાદા આપે છે કે જે સાંભળીને ચકરાઈ જવાય. રાજીવ ગાંધી હત્યાકેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે આવો જ ચુકાદો આપીને હાલ જેલવાસ ભોગવી રહેલા તમામ ૬ દોષિતને મુક્ત કરવાનું ફરમાન કરી દીધું. આ તમામ દોષિતો આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા પણ સુપ્રીમ કોર્ટના આદેશ પછી એ બધા મુક્ત થઈને જેલની બહાર આવી જશે.
રાજીવ ગાંધીની હત્યામાં દોષિત ઠરેલા લોકોને છોડાવવા માટેના પ્રયત્નો લાંબા સમયથી ચાલતા હતા પણ કેન્દ્ર સરકાર તેની તરફેણમાં નહોતી. મોદી સરકારે હત્યારાઓને છોડવાનો વિરોધ કર્યો હતો પણ એ છતાં છ મહિના પહેલાં એટલે કે ૧૮ મેના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષિત પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાની ખાસ સત્તાનો ઉપયોગ કરીને પેરારીવલનને છોડી દીધો પછી બાકીના દોષિતોએ પણ આ જ આદેશને આધારે સુપ્રીમ કોર્ટ પાસેથી મુક્તિની માગ કરી હતી.
સુપ્રીમ કોર્ટે એ માગ સ્વીકારી છે અને તમામ દોષિતોને મુક્ત કરવા કહી દીધું છે. નલિની શ્રીહરન અને રવિચંદ્રન સહિતના દોષિતોએ આ કેસમાં ૩૦ વર્ષથી વધુ જેલમાં વિતાવ્યાં છે. સુપ્રીમ કોર્ટે તેમના સારા વ્યવહારના આધારે તેમને મુક્ત કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશથી નલિની અને રવિચંદ્રન ઉપરાંત સંથન, મુરૂગન, જયકુમાર અને રોબર્ટ પાયસ પણ મુક્ત થઈ જશે.
સુપ્રીમ કોર્ટનો આદેશ આંચકાજનક છે કેમ કે રાજીવ ગાંધીની હત્યા સામાન્ય અપરાધ નહોતો. એક મોટું કાવતરું રચીને રાજીવ ગાંધીની હત્યા કરાઈ હતી. હત્યા થઈ ત્યારે રાજીવ ગાંધી દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન હતા. તેમની હત્યા દેશના વડા પ્રધાન તરીકે તેમણે લીધેલા નિર્ણયના કારણે કરાઈ હતી એ જોતાં આ હત્યાનું કાવતરું દેશ સામે ઘડાયેલું કહેવાય તેથી તેના દોષિતોને છોડી ના શકાય.
રાજીવ ગાંધીની ૨૧ મે, ૧૯૯૧ના રોજ તામિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં ચૂંટણી રેલી દરમિયાન હત્યા કરાઈ હતી. શ્રીલંકામાં અલગ તમિલ દેશ માટે લડી રહેલા સંગઠન એલટીટીઈના ઈશારે ધનુ નામની આત્મઘાતી બોમ્બર દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોર મહિલા આતંકવાદી ધનુ ઉર્ફે તેનમોજી રાજરત્નમે રાજીવને ફૂલનો હાર પહેરાવ્યો હતો અને પછી ચરણસ્પર્શ કર્યો હતો.
ધનુએ એ વખતે તેણે નીચે ઝૂકીને કમર પર બાંધેલા વિસ્ફોટકોમાં વિસ્ફોટ કર્યો ને રાજીવને ઉડાવી દીધા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, ઘણા લોકોના ટુકડા થઈ ગયા હતા અને માંસના ચીંથડા ઉડ્યા હતા. રાજીવ અને હુમલાખોર ધનુ સહિત ૧૬ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે ૪૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ હત્યાએ ખળભળાટ મચાવી દીધો હતો. પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ કામે લાગી હતી. ધડાધડ ધરપકડો કરાઈ ને હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો. રાજીવ ગાંધીની હત્યાના કેસમાં ટ્રાયલ કોર્ટે કાવતરામાં સામેલ ૨૬ ગુનેગારને મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ ચુકાદા સામે અપીલો થઈ પછી મે ૧૯૯૯માં સુપ્રીમ કોર્ટે ૧૯ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. નલિની, મુરુગન ઉર્ફે શ્રીહરન, સંથન અને પેરારીવલનને મૃત્યુદંડ આપ્યો અને રવિચંદ્રન, રોબર્ટ પાયસ અને જયકુમારને આજીવન કેદની સજા ફટકારી હતી.
નલિની હત્યાના સમયે પ્રેગનન્ટ હતી. તેણે જેલમાં જ દીકરીને જન્મ આપેલો. તેણે પોતાની દીકરીને ખાતર પોતાને માફ કરવા સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. સોનિયા તો ના જઈ શક્યાં પણ સોનિયાના કહેવાથી પ્રિયંકા પોતાના પિતાની હત્યામાં સામેલ નલિનીને મળવા ગઈ હતી.
નલિનીની વાત તેણે સહાનુભૂતિપૂર્વક સાંભળી અને પછી તેને માફી પણ આપી. નલિન પર પ્રિયંકા ગાંધી ને સોનિયા ગાંધીને દયા આવી ગઈ. સોનિયા ગાંધીએ નલિનીને માફ કરતાં કહ્યું હતું કે, નલિનીની ભૂલની સજા દુનિયામાં આવ્યું જ નથી એવા તેના માસૂમ બાળકને ના આપી શકાય.
સોનિયાની વિનંતી પછી ચારેયની દયાની અરજી પર નિર્ણય લઈને તામિલનાડુના રાજ્યપાલે નલિનીની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. નલિનીની ફાંસીની સજા માફ થઈ ગઈ અને આજીવન કારાવાસમાં ફેરવાઈ ગયેલી. સંથન, મુરૂગન ને પેરારીવલન નામના બીજા ત્રણ લટકી ગયેલા.
રાજ્યપાલે માફી ના આપતા આ બાકીના ત્રણેયે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરેલી પણ બાકીના ત્રણેય દોષિતોની દયાની અરજી રાષ્ટ્રપતિએ ૨૦૧૧માં ફગાવી દીધી હતી. એ પછી ૨૦૧૪માં તેમની ફાંસીની સજા કારાવાસમાં ફેરવાયેલી તેથી બધા જેલમાં સબડતા હતા.
દરમિયાનમાં તામિલનાડુમાં તેમને છોડાવવા રાજકીય ઝુંબેશ ચાલતી હતી. તમામ રાજકીય પક્ષો મતબૅંકને ખાતર રાજીવના હત્યારાઓને છોડી મૂકવાના મુદ્દે સહમત હતા તેથી વિધાનસભામાં ઠરાવ પણ પસાર કરાયેલો. રાજીવની હત્યામાં આ લોકોની ભૂમિકા બહુ નાની છે એવી વાતો કરીને તેમણે ઠરાવ કરી નાખેલો. રાજ્યપાલે તેને સ્વીકાર્યો નહોતો તેથી સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ ઠરાવ સ્વીકારવા રાજ્યપાલ બંધાયેલા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પોતાના વિશેષાધિકારનો પણ ઉપયોગ કરીને તેમને છોડી મૂકવાનો જ હુકમ કરી દીધો છે.
મોદી સરકારે આ દોષિતોને છોડવાનો વિરોધ કરેલો ને કૉંગ્રેસે આ નિર્ણયને સંપૂર્ણપણે અસ્વીકૃત ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે બંધારણીય જોગવાઈને અનુસરીને પોતાને અપાયેલી ખાસ સત્તાનો ઉપયોગ કરીને દોષિતોને મુક્ત કર્યા છે તેથી તેની કાયદેસરતા સામે સવાલ ના કરી શકાય પણ દેશના ભૂતપૂર્વ વડા પ્રધાનના હત્યારાઓને છોડવાનો આદેશ ખટકે એવો
ચોક્કસ છે.
આ બધા દોષિતો એલટીટીઈના સભ્યો હતા કે જેણે હત્યાનું કાવતરું ઘડેલું. એલટીટીઈ એટલું તાકતવર હતું કે, શ્રીલંકાનું લશ્કર તેની સામે ઝીંક નહોતું ઝીલી શકતું. શ્રીલંકાના લશ્કરને મદદ કરવા ભારતે પોતાના લશ્કરને શ્રીલંકા મોકલેલું. રાજીવ ગાંધીએ મૂર્ખામી કરીને ભારતીય લશ્કરને લંકામાં મોકલ્યું તે કારણે ભારતે લંકામાં ઘણા સૈનિકો ખોયા ને છેવટે બેઆબરૂ થઈને પાછા ફરવું પડ્યું હતું. અલબત્ત તેન કારણે કોઈને પણ તેમની હત્યાનો અધિકાર ના મળે. એલટીટીઈએ જે કર્યું એ આતંકવાદ હતો ને તેમાં સામેલ કોઈ માફીને લાયક ના ગણાય. કોણે શું ભૂમિકા ભજવી એ મહત્ત્વનું છે જ નહીં. દેશના એક ટોચના નેતાની હત્યા થઈ એ જ મહત્ત્વનું છે ને તેના દોષિતો આજીવન જેલમાં સબડે તેમાં કશું ખોટું નહોતું.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -