હોટેલોને વધુ ઓરડા બનાવવા માટે બિલ્ટ અપના ક્ષેત્રફળમાં રાહત આપવાની સરકારની ભલામણ
વિપુલ વૈદ્ય
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર બીકેસીમાં બહારગામથી આવનારા લોકો માટે વધુ ઓરડા બનાવવાનું લક્ષ્યાંક રાખે છે અને તેથી જ તેમણે એમએમઆરડીએને અહીં નિયમોમાં કેટલીક છૂટછાટો આપીને હોટેલોમાં ઓરડાની સંખ્યા વધારવા માટે બાંધકામ કરવાની પરવાનગી આપવાનો નિર્દેશ આપ્યો છે.
મુખ્યપ્રધાનની કચેરી પાસેથી મળેલી માહિતી અનુસાર એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની બેઠકમાં એમએમઆરડીએના કમિશનર એસવીઆર શ્રીનિવાસને નિર્દેશ આપ્યો હતો કે બીકેસીની જગ્યામાં ડેવલપમેન્ટ ક્ધટ્રોલ રૂલ્સ (ડીસીઆર)ના નિયમોમાં થોડી છૂટછાટ આપવામાં આવે તેમ જ જે હોટેલો વધારાના ઓરડા બાંધવા માગતા હોય તેમને વધારાનો બિલ્ટ અપ એરિયા આપવામાં આવે જેથી ઓરડાની સંખ્યામાં વધારો થઈ શકે.
અહીં ઉલ્લેખનીય છે કે બીકેસી દેશનું મોટું આર્થિક કેન્દ્ર બની રહ્યું છે. અહીં અનેક મોટી કોર્પોરેટ કંપનીની ઓફિસો આવેલી છે અને મોટું બિઝનેસ એક્ઝિબિશન સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં દરવર્ષે અનેક એક્ઝિબિશન થતા હોય છે.
બીકેસી અમદાવાદની સાથે બૂલેટ ટ્રેનના માધ્યમથી પણ સાંકળવામાં આવ્યું છે અને બૂલેટ ટ્રેન બન્યા બાદ પ્રસ્તાવિત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ એન્ડ બિઝનેસ સેન્ટર પણ બની રહ્યું છે.
આ બધાને ધ્યાનમાં રાખતાં બીકેસીની હોટેલોમાં વધુ ઓરડાની આવશ્યકતા નિર્માણ થશે અને તેને ધ્યાનમાં રાખીને ડીસીઆરમાં કેટલીક છૂટછાટો આપવાની તેમ જ બિલ્ટ અપ એરિયાના પ્રમાણમાં વધારો કરી શકાય જેથી બીકેસીમાં બંધાી રહેલી હોટેલોમાં વધુ ઓરડા તૈયાર કરી શકાય.
બીકેસીમાં અત્યારે ઘણી ઓછી હોટેલો છે અને આ અછતને દૂર કરવા માટે રાજ્ય સરકાર તરફથી કેટલાક નિર્દેશો મળ્યા છે. જોકે અત્યારે આ બાબતે ડ્રાફ્ટ પ્રપોઝલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એક વખત તેનું કામ થઈ ગયા બાદ આ બાબતે વાત કરી શકાશે, એમ એમએમઆરડીએના એક અધિકારીએ જણાવ્યું હતું.