(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રવાસીઓની સુવિધા માટે આગામી સોમવાર (21મી નવેમ્થીબર)થી પંદર ડબ્બાની ૨૬ જેટલી સર્વિસ વધારવામાં આવશે. હાલમાં પશ્ર્ચિમ રેલવેમાં પંદર ડબ્બાની ૧૦૬ જેટલી સર્વિસીસ છે, પરંતુ ૨૬ જેટલી નવી સર્વિસ વધારવાને કારણે કુલ ૧૩૨ સર્વિસીસ થશે.
પંદર કોચની સર્વિસ વધારવાને કારણે ટ્રેનની પેસેન્જર કેપેસિટીમાં પચીસ ટકાનો વધારો થશે, તેનાથી પ્રવાસીઓને ભીડવાળી ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાંથી મુક્તિ મળશે. નવી ૨૬ સર્વિસ ફાસ્ટ કોરિડોરમાં વધારવામાં આવશે, જેમાં ચર્ચગેટ-દહાણુ કોરિડોરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પંદર કોચની સર્વિસ વધારવાને કારણે પ્રવાસીઓને ભીડવગરની ટ્રેનોમાં પ્રવાસ કરવાની વધુ સુવિધા મળશે. પશ્ર્ચિમ રેલવેમાં ૧૯૮૬માં નવ કોચમાંથી ૧૨ કોચની સર્વિસ વધારવામાં આવી હતી, જ્યારે ૨૦૦૯માં પહેલી વખત પંદર કોચની સર્વિસ ચાલુ કરવામાં આવી હતી.
તબક્કાવાર પંદર કોચની સર્વિસમાં વધારો કરવામાં આવ્યા પછી પહેલી વખત સર્વિસની સંખ્યા ૧૦૦ને પાર કરી છે. હાલના તબક્કે પશ્ર્ચિમ રેલવેમાં રોજ ૧,૩૮૩ સર્વિસ દોડાવી રહી છે, જેમાં ૭૯ એસી ટ્રેન દોડાવાય છે.