હૃષીકેશ: ગઢવાલ હિમાલયના ઉપરના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાને કારણે હૃષીકેશ અને હરિદ્વારમાં રવિવારે કેદારનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓની નોંધણી ૩૦ એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી હતી એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
કેદારનાથ ધામ મંગળવારે જનતા માટે ખોલવામાં આવશે. ગઢવાલ ડિવિઝનના એડિશનલ કમિશનર (વહીવટ) અને ચારધામ યાત્રા એડમિનિસ્ટ્રેશન ઓર્ગેનાઈઝેશનના એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નરેન્દ્ર સિંહ કવિરિયાલે જણાવ્યું હતું કે ખરાબ હવામાન અને ભારે હિમવર્ષાને ધ્યાનમાં રાખીને હૃષીકેશ અને હરિદ્વારમાં કેદારનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓની નોંધણી ૩૦ એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે. સરકાર આગામી દિવસોમાં હવામાનની સ્થિતિની સમીક્ષા કરશે અને તે મુજબ યાત્રાળુઓના હિતમાં નિર્ણય લેશે.
એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે યાત્રાળુઓને યાત્રા શરૂ કરતા પહેલા હવામાનની આગાહી તપાસવા અને પૂરતા ગરમ વસ્ત્રો સાથે રાખવા વિનંતી કરી છે. સરકારે એમ પણ જણાવ્યું હતું કે હવામાનને કારણે યાત્રાળુઓને યાત્રા દરમિયાન તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો કે યાત્રાના તમામ માર્ગો પર પૂરતી તબીબી વ્યવસ્થા કરવામાં આવી છે.
અન્ય ત્રણ ધામ બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી માટે તીર્થયાત્રીઓની નોંધણી ચાલી રહી છે. શનિવારે અક્ષય તૃતીયાના અવસરે ગંગોત્રી અને યમુનોત્રીનાં મંદિરો ખુલ્યાં હતાં જ્યારે બદરીનાથ ધામ ૨૭ એપ્રિલે ખુલશે. અત્યાર સુધીમાં ચારધામ યાત્રા માટે દેશ-વિદેશમાંથી ૧૬ લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. (પીટીઆઇ)
—————
કેદારનાથમાં હેલિકૉપ્ટર
દુર્ઘટના: અધિકારીનું મોત
રુદ્રપ્રયાગ (ઉત્તરાખંડ), ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટીના એક અધિકારીનું રવિવારે કેદારનાથમાં હેલિકોપ્ટરની પાછળનું રોટર અથડાતા મોત થયું હતું.
રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષક વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું કે આ ઘટના કેદારનાથમાં ગઢવાલ મંડળ વિકાસ નિગમ હેલિપેડ પર બની હતી. રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ મયૂર દીક્ષિતે જણાવ્યું હતું કે હેલિકૉપ્ટરમાં સવાર થવા જઈ રહેલા અમિત સૈની (૩૫)ને હેલિકૉપ્ટરની પાછળનું રોટર અથડાતાં ગળામાં ગંભીર ઈજા થઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
સૈની ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ફાઇનાન્સ કંટ્રોલર તરીકે કામ કરતા હતા અને હિમાલય મંદિરમાં હેલિ-સેવા માટેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે હેલિપેડની મુલાકાત લેનાર ટીમનો ભાગ હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે આ દુર્ઘટના બપોરે ૨.૧૫ વાગ્યાની આસપાસ બની હતી જ્યારે ટીમ તેનું નિરીક્ષણ કર્યા પછી પરત ફરી રહી હતી.
કેદારનાથમાં હિમવર્ષા અને તૂટક તૂટક વરસાદ વચ્ચે સત્તાવાળાઓ કેદારનાથની યાત્રાની વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. (પીટીઆઇ)