બાળકો અને ટીનેજરોમાં સ્માર્ટ ફોનનું વળગણ ચિંતાજનક રીતે રીતે વધી રહ્યું છે. એમએસ યુનિવર્સિટીના સ્ટેટિસ્ટિક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે Gen-Z બાળકો દરરોજ લગભગ ત્રણ કલાક માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શોર્ટ વીડિયો જોવામાં વિતાવે છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીઓ સરેરાશ દૈનિક પાંચ કલાક મોબાઈલ વાપરે છે જેમાંથી 60% જેટલો સમય માત્રે 60-સેકન્ડની રીલ્સ અથવા 15-સેકન્ડની ક્લિપ્સ જોવામાં વિતાવે છે. અંદાજે એક રીલ લગભગ 15 સેકન્ડ ચાલે છે, વિદ્યાર્થીઓ દરરોજ 1.5 થી 2 કલાકની સરેરાશ સમયગાળામાં લગભગ 360-480 રીલ્સ જુએ છે. નોંધનીય છે કે તમામ વિડીયો શેરીંગ પ્લેટફોર્મ પર અનલિમિટેડ સ્ક્રોલ અને ઑટોપ્લે જેવા ફીચર્સ હોય છે, જે યુઝર્સને લાંબા સમય સુધી જકડી રાખે છે.
રીપોર્ટ મુજબ આ ટેવ બાળકોની એકાગ્રતામાં ઘટાડો કરે છે, તેમના અટેન્શન સ્પાનમાં ઘટાડો કરે છે અને તેમની ઓવર એલ વેલબીઈંગ પર નકારાત્મક રીતે અસર કરે છે. આ રીપોર્ટ તૈયાર કરવા માટે MSU કેમ્પસમાં જ 329 વિદ્યાર્થીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આ રીપોર્ટ તૈયાર કરવા માટે ગાઇડન્સ આપનાર પ્રોફેસરે જણાવ્યું હતું કે, “આ પ્લેટફોર્મ્સ યુઝર્સની રુચિઓના આધારે અલ્ગોરિધમનો ઉપયોગ કરી કન્ટેન્ટ આપે છે. જેથી યુઝર ક્યારેય સમાપ્ત ન થાય એવી સાયકલમાં જકડાય જાય છે.”
65% વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી વીડિયો જોયા પછી ઉદાસી પણ અનુભવે છે. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દરેક વિડિયો મગજમાં ડોપામાઇન છોડે છે જે ડ્રગ્સના વ્યસનની જેમ જ અસર કરે છે. લગભગ 75% વિદ્યાર્થીઓએ જણવ્યું કે તેમના પરિવાર અને મિત્રો સાથે ઓછો સમય વિતાવે છે, જ્યારે 65% વિદ્યાર્થીઓ ફિઝીકલ એક્ટીવીટીથી દુર થઇ ગયા છે જે તેમના એકંદર આરોગ્યને નુકશાન કરે છે.
શોર્ટ વિડીયોનું વ્યસન લેક્ચર્સ અને રીડિંગ મટિરિયલ પર એકાગ્રતા જાળવવામાં મુશ્કેલી ઉભી કરે છે. સર્વેક્ષણમાં સામેલ કરાયેલા મોટાભાગના વિદ્યાર્થીઓના અટેન્શન સ્પાનમાં ઘટાડો નોંધાયો હતો. અગાઉના કેટલાંક અભ્યાસોએ દર્શાવ્યું છે કે મનુષ્યનો અટેન્શન સ્પાન 12 સેકન્ડથી ઘટીને 8 સેકન્ડ થઈ ગયો છે, જે ગોલ્ડફિશ કરતાં પણ ઓછો છે જેનો અટેન્શન સ્પાન અંદાજે 9 સેકન્ડ જેટલો છે.