રાજ્યમાં ઉનાળાની ગરમી સાથે કમોસમી વરસાદી માહોલ
ગરમીથી ત્રાહિમામ્! : મુંબઈગરા માટે બુધવારનો દિવસ ભારે ગરમ રહ્યો હતો. આકરી ગરમી અને સખત તડકાથી બચવા માટે લોકો છત્રી સહિત મોઢે કપડું બાંધેલા જોવા મળ્યા હતા. (અમેય ખરાડે)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં એક તરફ અમુક જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. તો બીજી તરફ અમુક જિલ્લામાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે. એ દરમિયાન મુંબઈમાં તાપમાનનો પારો સરેરાશ ૩૩થી ૩૪ ડિગ્રીની વચ્ચે હોવા છતાં બુધવારના મુંબઈગરાએ ભારે ગરમી અને ઉકળાટ અનુભવ્યો હતો. આગામી દિવસમાં મુંબઈમાં તાપમાનનો પારો હજી ઊંચે જવાની શક્યતા છે.
રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વિચિત્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમુક જગ્યાએ ભારે ગરમી વચ્ચે તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી પણ ઉપર નોંધાયો છે. તો અમુક જિલ્લામાં વીજળીના ગડગડાટ સાથે કમોસમી વરસાદ અને કરા પડી રહ્યા છે. આ વચ્ચે બુધવારના દિવસ દરમિયાન મુંબઈમાં ભારે ગરમી અને ઉકળાટ જણાયો હતો. આકરા તડકા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જતા લોકોએ ભારે બફારો અનુભવ્યો હતો. તો રાજ્યમાં ૧૦ જિલ્લામાં બુધવારે તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની ઉપર નોંધાયો હતો.
દિવસ દરમિયાન મુંબઈના સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાનનો પારો ૩૩.૯ ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૩.૯ ડિગ્રી નોંધાયું હતું. તો કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૬ ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા નોંધાયું હતું.
રાજ્યમાં જળગાંવમાં ૪૪.૬ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, જે પૂરા રાજ્યમાં સૌથી વધુ રહ્યું હતું. પરભણીમાં ૪૧.૬ ડિગ્રી, જાલનામાં ૪૧.૭ ડિગ્રી, સોલાપુરમાં ૪૦.૪ ડિગ્રી, નાંદેડમાં ૪૧.૪ ડિગ્રી, બીડમાં ૪૧.૪ ડિગ્રી, નાશિકમાં ૪૦.૨ ડિગ્રી, પુણેમાં ૪૦.૧ ડિગ્રી અને અહમદનગરમાં ૪૦.૧ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.
હવામાન ખાતાના કહેવા મુજબ આગામી દિવસમાં મુંબઈ સહિત રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે અને આકરો ઉનાળો જણાશે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં હાલ જે કમોસમી વરસાદ, કરા અને ગાજવીજનો માહોલ છે, તે પણ બંધ થશે. ‘મોચા’ વાવાઝોડું ભેજ ખેંચી લેશે અને મહારાષ્ટ્રનું વાતાવરણ કોરું થશે અને આગામી દિવસમાં ગરમી વધશે.