ભારતના વિકાસમાં વિશ્ર્વના આકર્ષણ અને રસના આ રહ્યાં કારણો
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા
ભારત દેશ છેલ્લા એક દાયકાથી સતત વિકાસના પંથે આગળ વધી રહ્યો છે, તેમાં પણ વિતેલા પાંચ વરસમાં તેની ગતિ-મજબૂતી વિશેષ વધી છે. આજે આ ગતિ એક જબરદસ્ત શકિત બનીને વિશ્ર્વનું ધ્યાન ખેંચી રહી છે, આ રહ્યા તેનાં કારણો.
તાજેતરમાં એક બિઝનેસ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા પ્રવચનમાં આર્થિક વિકાસ બાબતે અનેકવિધ સંકેત બહાર આવ્યા હતા. આને માત્ર સંકેત ગણવાને બદલે એક નકકર માહિતી અને દિશા પણ કહી શકાય. કારણ કે વડા પ્રધાને દેશના અર્થશાસ્ત્ર સાથે-સાથે સમાજશાસ્ત્રની પણ વાતો કરી હતી. ‘દેશ બદલ રહા હૈ’ ના નિર્દેશો ઉપરાંત ભારતમાં ગ્લોબલ સ્તરેથી કેવો અને કેટલો રસ લેવાઈ રહ્યો છે, અન્ય દેશો ભારત વિશે શું માને છે, તેને કઈ દ્રષ્ટિએ જુએ છે, ભારતમાં કેવી તકો અને વિકાસના અંદાજ મુકે છે તેના સ્પષ્ટ અણસાર પણ આ સમિટમાં આંખે ઊડીને વળગે તેવા હતા. આપણે અહીં તેની ઝલક જોઈએ. ભારતના આર્થિક વિકાસમાં વિશ્ર્વાસ ધરાવતા લોકોને આનાથી વધુ બળ મળશે અને વિશ્ર્વાસનો અભાવ ધરાવતા લોકોને વિશ્ર્વાસ કરવાનો ભાવ મળશે.
મોદીના જ વિધાનથી વાતની શરૂઆત કરીએ, તેમણે કહ્યું કે, ભારત સરકાર વર્તમાનમાં ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ પર જોર આપી રહી છે તેનો મુખ્ય આધાર દેશના વિકાસનું લક્ષ્ય છે. અગાઉ દાયકા પહેલાં જયારે આવા પગલાં કે નિર્ણયો લેવાતા ત્યારે તેના નિર્ણયો રાજકીય ઉદેશો સાથે લેવાતા હતા, તેમાં લોકોના કલ્યાણનું કેન્દ્ર રહેતું નહીં. ૨૦૧૪ બાદ ભારત સરકાર દરેક ગવર્નન્સને નવા સ્વરૂપે જોઈ રહી છે અને હાથ ધરી રહી છે. ઈન્ફ્રાસ્ટ્રકચરનો જબ્બર વિકાસ કરવા પાછળ સરકારની લાંબા ગાળાની વ્યૂહરચના છે, જેના ભાગરૂપ દેશના આર્થિક વિકાસનો પાયો વધુ મજબૂત બનશે. એક દાયકા અગાઉ આપણા દેશમાં એવું રહેતું કે સેંકડો જીલ્લાઓ બહુ પછાત હતા, જયાં સરકારી કર્મચારીઓને સજાના ભાગરૂપ મોકલવામાં (પોસ્ટિંગ) આવતા હતા.
ઇનોવેશન અને ટેક પાવર હાઉસ
ભારતમાં જે વિકાસ થઈ રહ્યો છે અને જે બાબતો તેના કેન્દ્રમાં આકાર પામી રહી છે તેના પર નજર કરીએ તો ભારત ઈનોવેશન સાથે ટેક પાવરહાઉસ બની રહ્યું છે, આ ઉપરાંત વિવિધ નવીનતા સાથે સ્ટાર્ટઅપ્સ માટેનું પણ હબ બની રહ્યું છે, જયાં પ્રાઈવેટ ઈકિવટી અને વેન્ચર કેપિટલને રોકાણની અઢળક તકો ઉપલબ્ધ છે. ભારતના સ્કિલ્ડ મેનપાવર ગ્લોબલ જરૂરીયાતો પૂરી કરવા સક્ષમ છે. ભારતના સ્કિલ્ડ વર્કર્સને આકર્ષવા વિવિધ દેશોમાં સ્પર્ધા જોવા મળે તો નવાઈ નહીં. અનેક ગ્લોબલ કંપનીઓ ભારતમાં ઉત્પાદન એકમો સ્થાપવા વિચારી રહી છે અને તેના અમલમાં આગળ પણ વધી રહી છે. ભારત ઉત્પાદન ક્ષેત્ર માટે તેમ જ સપ્લાય ચેઈન ડાઈવર્સિફીકેશન માટે આકર્ષક અને ઉત્તમ સ્થળ છે. લોકલ ઉત્પાદકો નિકાસની તક ઊભી કરી શકે છે.
ઈન્ફ્રા. વિકાસની ગાડીની ઝલક
વિકાસની ગાડીની એક ઝલક જોઈએ તો, હાલમાં દિવસદીઠ ૩૮ કિલોમીટરનો રોડ બને છે, પાંચ કિલોમીટરની રેલ લાઈન બને છે. પોર્ટ કેપેસિટી સતત વધારવામાં આવી રહી છે. ઓપરેશનલ એરપોર્ટસની સંખ્યા ૭૪ થી વધીને ૧૪૭ થઈ છે. છેલ્લા નવ વરસમાં ૩.૫ લાખ ગ્રામ્ય રોડનું બાંધકામ થયું છે. આશરે ૮૦ હજાર કિમી નો નેશનલ હાઈવે બંધાયો છે. આ નવ વરસમાં ત્રણ કરોડ જેટલાં ગરીબ પરિવારોને પાક્કાં ઘરો ફાળવાયાં છે,
પ્રજાલક્ષી કલ્યાણના કદમમાં સાતત્ય
ભારતનો ગ્રોથ રેટ મધ્યમ ગાળામાં સાત ટકા ઉપર જઈ શકે છે, જેથી રોકાણની તકો ઉઘડે છે. નાના-મધ્યમ વર્ગની વધતી સંપત્તિ ક્ધઝયુમર માર્કેટ માટે મોટો આશાવાદ છે. રાજકીય સ્થિરતા ઈન્વેસ્ટર્સ માટે આકર્ષણનું કારણ અને પરિબળ બને છે. હવે તો ભારતમાં ગ્રીન એનર્જીનો ઝડપી વિકાસ થવાની સંભાવના ઊભી થઈ છે. ભારત ગ્રીન હાઈડ્રોજનનું સપ્લાયર બની શકવાની શકયતા છે. જમ્મુ-કાશ્મીરમાંથી મળેલું લિથિયમ બેટરી સ્ટોરેજ માટે વિપુલ તક ઊભી કરશે એવી આશા છે. દેશમાં સામાન્ય કે ગરીબ પ્રજા માટે જનધન બૅંક એકાઉન્ટસ, મુદ્રા લોન્સ, ટોઈલેટ બાંધકામ, વીજળીની ઉપલબ્ધિ, એલપીજી સિલિન્ડર, પોતાના ઘર, એફોર્ડેબલ હાઉસિંગ, આરોગ્ય સુવિધાઓ, વગેરે કલ્યાણના કદમ મારફત ભારતની એક નવી છબી ઊભરી રહી છે. આ બધાં સહિત માળખાકીય વિકાસની હાથ ધરાતી બાબતો અગાઉની જેમ વોટબૅંકના લક્ષ્ય સાથે બનતી નથી એ નવા ભારતની નિશાની છે. છેલ્લા નવ વરસમાં ટેકસ રેવન્યૂ ત્રણ ગણી વધી છે અને કરદાતાઓની સંખ્યા પણ વધી છે.
ભારત જેવી તકો અન્ય કયાંય નહીં
પ્રાઇસ વોટર હાઉસ જેવી અગ્રણી સંસ્થાના ગ્લોબલ ચેરમેન કહે છે, આગામી દસ વરસમાં ભારત ૧૦ ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બનીને વિશ્ર્વ પર પ્રભાવ ધરાવતું જોવા મળશે, જે વિશ્ર્વના જીડીપીમાં દસ ટકા હિસ્સો ધરાવશે. વિશ્ર્વનું ધ્યાન ભારત પર હશે અને ભારત માત્ર ઈમરજિંગ રાષ્ટ્ર નહીં રહે, બલકે લીડિંગ માર્કેટ બની રહેશે. વસ્તીમાં ચીન કરતાં આગળ નીકળી જનાર ભારતમાં તેની યુવા શક્તિ અને ખાસ કરીને વર્કિંગ પોપ્યુલેશન બહુ મોટી તાકાત બની ગઈ હશે.
ગ્લોબલ સીઈઓનો વર્ગ કહે છે, ભારત માટે અમે ઊંચો આશાવાદ ધરાવીએ છીએ, ભારતમાં રોકાણની જે તકો છે તે અન્ય કોઈ દેશમાં હાલ દેખાતી નથી. આ દેશનું ડિજિટાઈઝેશન, એવિએશન અને ઈનોવેશન મોટાભાગના લોકોને આકર્ષે છે. અહીં સાતત્યનો વિશ્ર્વાસ પણ આકર્ષણનું કેન્દ્ર છે. કાર્બનના ફેલાવા વિના ઈન્ડસ્ટ્રિયલાઈઝ થવાની ક્ષમતા ભારતમાં છે અને ભારત આ દિશામાં આગળ વધી રહ્યું છે. આ જ રીતે ભારત ડિજિટલ સેકટરમાં પણ હરણફાળ ભરી રહ્યું છે. જી-૨૦ નું પ્રમુખપદ ભારતને ત્યારે
મળ્યું છે જયારે વિશ્ર્વમાં અનેક પડકારો ઊભા છે, ભારત તે પડકારોનો સામનો કરી તેને તકમાં પરિવર્તિત કરશે એવું જણાવતા અમિતાભ કાન્તનું કહેવું છે. ભારત આમાં નિર્ણયાત્મક, કાર્યક્ષમ અને પરિણામલક્ષી ભૂમિકા ભજવશે. હાલમાં વિશ્ર્વનો ત્રીજો ભાગ રિસેશનમાં છે. આશરે ૭૫ દેશો ગ્લોબલ ડેટ ક્રાઈસિસ ધરાવે છે, વિશ્ર્વમાં કોવિડ બાદ અંદાજે ૨૦ કરોડ લોકો ગરીબી રેખાની નીચે ગયા છે અને ૧૦ કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. આ એક ગંભીર સમય છે.
વિશ્ર્વ સામે સંભવિત ભય
એકતરફ ભારતના વિકાસની વાતો ચાલી રહી છે અને બીજી તરફ ચીન ફરીથી ઊભરી રહ્યું છે. આ બે વિશાળ અર્થતંત્ર સામે યુએસ નબળું છે, કિંતુ યુએસની સાથે-સાથે યુરોપ પણ નબળું પડ્યું છે. ઓવરઓલ ગ્લોબલ નબળાઈ ભારત અને ચીનના વિકાસ માત્રથી દૂર થશે નહીં. અલબત્ત, ભારતનો સિતારો જોરમાં ભલે હોય, તેણે હજી ઘણાં અંધારામાંથી પસાર થવાનું છે. દરમ્યાન રશિયા ફરી યુદ્ધનું વાતાવરણ ગરમ કરી રહ્યું છે, આ સમસ્યા વકરી તો વિશ્ર્વ ફરીવાર મુશ્કેલીમાં મુકાશે અને તેની અસર ભારત સહિત બધાં દેશોને થશે. આશા અથવા આશ્ર્વાસન એટલું રાખી શકાય કે ભારત પર નેગેટિવ અસર ઓછી થઈ શકે.