Homeમેટિનીભારતીય ફિલ્મ વારસો સાચવનાર રિયલ હીરો: પી. કે. નાયર

ભારતીય ફિલ્મ વારસો સાચવનાર રિયલ હીરો: પી. કે. નાયર

ઈન્સ્ટા રીલ્સના જમાનામાં ફિલ્મની રીલ્સના સંગ્રહની પીડા

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

૨૦૨૨ના આખરી દિવસે જયારે આખી દુનિયા ફિલ્મ્સનાં ગીતોના તાલે નાચી-ઝૂમી રહી હતી, ત્યારે એ જ ફિલ્મ્સની દુનિયા પર એક મનમાની ભર્યા નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. રોજિંદા જીવન અને પ્રસંગોમાં ફિલ્મ્સને વણી લઈને જીવતો છતાં વારંવાર બોયકોટના પગથિયે ચડી જઈ બેસતો સામાન્ય માણસ સ્વાભાવિક રીતે જ આ નિર્ણયથી બેખબર છે. સિનેમાને દિલના ઊંડાણથી ચાહતો સિનેરસિક પણ તો અજાણ જ હોવાનો, ત્યાં સામાન્ય દર્શકનો તો વળી શું વાંક!
વાત છે સિનેમાની સંસ્થાઓ પર થયેલા એક અવિશ્ર્વાસી હુકમની. ૩૧ ડિસેમ્બરે ભારતીય સરકાર દ્વારા નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઈન્ડિયા (એનએફએઆઈ), ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી ઓફ ઈન્ડિયા (સીએફએસઆઈ), ફિલ્મ્સ ડિવિઝન (એફડી) અને ડિરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ (ડીએફએફ) આ ચાર સંસ્થાઓને નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએફડીસી)માં ભેળવી દેવામાં આવી. આ સંસ્થાઓ એટલે ભારતીય ફિલ્મ જગતને એક તાંતણે બાંધી રાખતી, તેના હિતમાં સતત કાર્ય કરતી, વિકાસ સાધતી અને મુખ્યત્વે વારસો સાચવતી સંસ્થાઓ. સરકાર કહે છે કે એક જ સંસ્થા દ્વારા વધુ વ્યવસ્થિત સંચાલન થાય એ માટે આમ કરવામાં આવ્યું છે. પણ સ્પષ્ટતા અને પારદર્શિતા વગર બિનલોકશાહી ઢબે આ જોડાણની પ્રક્રિયા કરાઈ એટલે ખાનગીકરણની આશંકાને લઈને આઈબી મિનિસ્ટ્રીને લેટર લખીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી દ્વારા યોગ્ય વિરોધ કરવામાં આવ્યો છે. સિનેમાના વારસા અને સંસ્કૃતિના સંગ્રહ અને જાળવણી માટે સંસ્થાઓના કર્મચારીઓ, ફિલ્મમેકર્સ, આર્કાઇવીસ્ટ, વિદ્યાર્થીઓ અને સિનેમા ચાહકોની દાયકાઓની મહેનત આ સંસ્થાઓ પાછળ રહેલી છે. ભારતીય ફિલ્મ્સના ઈતિહાસમાં ભાગ ભજવતી આ જનતાની સંસ્થાઓને વિશ્ર્વાસમાં લઈને તેમની સાથે વાતચીત નથી થઈ, સીધો જ આદેશ આપવામાં આવ્યો છે. ભારતીય ફિલ્મ્સ હેરીટેજ હવે કઈ રીતે સચવાશે તેની કોઈ ખાતરી નથી, અને કરુણા એ છે કે આ વાતની સૌને જાણ પણ નથી! આવી પરિસ્થિતિમાં એક સિનેમા ચાહક તરીકે મનમાં સહેજે સવાલ ફૂટી નીકળે કે શું પી. કે. નાયર જીવિત હોત તો આ થયું હોત? શું તેમણે આ થવા દીધું હોત? શું સરકાર આવું કરવાની હિંમત કરત? પણ કોણ છે આ પી. કે. નાયર? પરમેશ ક્રિષ્નન નાયર. ભારતીય ફિલ્મ્સના વારસાને છાતીએ બાંધી આખી જિંદગી રખડનાર રિયલ હીરો! ૪ એપ્રિલ, ૧૯૩૩ના રોજ જન્મેલા પી. કે. નાયર એટલે એક પણ ફિલ્મ બનાવ્યા વગર સૌના લાડલા બની ગયેલા ફિલ્મમેન. જેઓ તેમને ઓળખે છે તેમના માટે તો પી. કે. નાયર મૂવી સ્ટાર જ હતા. હા, હતા! ૪ માર્ચ, ૨૦૧૬ના રોજ તેઓ સ્વર્ગવાસી થયા.
લેખની શરૂઆતના સંધાન અને મહત્તા સમજવા ચાલો આપણે શરૂથી શરૂ કરીએ. ફિલ્મ્સને અતિશય ચાહતા પી. કે. નાયર કેરળના તિરૂવનંતપુરમમાં જન્મ્યા અને મોટા થયા. ચાલીસના દાયકાની શરૂઆતમાં જ કે. સુબ્રમણ્યમ જેવા ડિરેક્ટરની તમિલ માયથોલોજીકલ ફિલ્મ્સ જોઈને તેઓ ફિલ્મ સૃષ્ટિ તરફ આકર્ષાયા. તેમનો પરિવાર તેમની સિનેમા તરફની રુચિમાં જો કે સહકાર નહોતો આપતો. ૧૯૫૩માં સાયન્સમાં સ્નાતક થઈને પી. કે. નાયર મુંબઈ પહોંચી ગયા. બિમલ રોય, ઋષિકેશ મુખર્જી, મહેબૂબ ખાન જેવા ધૂરંધરોને આસિસ્ટ કર્યા અને તેમની પાસેથી સિનેમા વિષે કંઈ કેટલુંય શીખ્યા. સાથે-સાથે પોતે પણ પોતાની એક સ્ક્રીપ્ટ પર કામ કરતા રહ્યા. સામાન્ય રીતે આવા પેશનવાળી વ્યક્તિ ફિલ્મમેકિંગ શીખ્યા પછી પોતાની ફિલ્મ બનાવવા તરફ પ્રેરાય, પણ પી. કે. નાયરની બાબતમાં ઊલટું થયું. તેઓ ફિલ્મ્સની ચાહતમાં મુંબઈ તો પહોંચી ગયા, પણ આટલા અનુભવે તેમને સમજાયું કે તેમની પાસે ફિલ્મ બનાવવાની જોઈએ તેટલી આવડત નથી અને તેમનો રસ ફિલ્મમેકિંગ કરતાં વધુ ફિલ્મના એકેડેમિકમાં છે.
૧૯૬૧માં તેઓ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ) પુણેમાં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે જોડાઈ ગયા. હજુ ૧૯૬૦માં જ સ્થાપિત એફટીઆઈઆઈ માટે પણ એ શરૂઆતનો દોર હતો. ત્યાં પ્રોફેસર સતીશ બહાદુર, મેરી સેટન વગેરે સાથે ફિલ્મ એપ્રિસિયેશન ક્લાસીસ માટે પી. કે. નાયરે સિલેબસ તૈયાર કર્યા. બરાબર એ જ વખતે એફટીઆઈઆઈના એ વખતના હેડ જગત મુરારી અને પ્રોફેસર સતીશ બહાદુર ફિલ્મ આર્કાઈવ વિંગ ઊભી કરવા માટે આયોજન કરી રહ્યા હતા. પી. કે. નાયર પણ તેમની સાથે જોડાયા. તેમણે આ બાબતે યુકે, યુએસએ, રશિયા, પોલેન્ડ, ફ્રાન્સ, ઈટલી વગેરે દેશોની આર્કાઇવ ઓર્ગેનાઈઝેશન સાથે વાત કરીને સલાહ લીધી તો તેમને સમજાયું કે ઇન્ડિયન આર્કાઈવિંગ બોડી એક અલગ સંસ્થા હોવી જોઈએ નહીં કે એફટીઆઈઆઈની એક વિંગ. પછી ફેબ્રુઆરી ૧૯૬૪માં ફાઉન્ડિંગ ડિરેક્ટર તરીકે પી. કે. નાયરના નેતૃત્વ હેઠળ પુણેમાં નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઈન્ડિયાની સ્થાપના થઈ!
એક વિંગ નહીં પણ સંસ્થા એવું વાંચીને બિલકુલ એવું સમજવાની ભૂલ નહીં કરતા કે તેમને કોઈ મોટું મકાન મળી ગયું હશે એનએફએઆઈ માટે. તો ક્યાં શરૂઆત થઈ હતી એ સંસ્થાની? એફટીઆઈઆઈના જ પ્રભાત ફિલ્મ સ્ટુડિયો કોમ્પ્લેક્સના એક નાનકડા જૂના મેકઅપ રૂમમાં. વાર્ષિક ફક્ત ૫૦,૦૦૦ રૂપિયાની ગ્રાન્ટ અને બે આસિસ્ટન્ટ. અને કામ? ભારતીય સિનેજગતના વીતેલા વર્ષોની ખોવાઈ ગયેલી ફિલ્મ્સને શોધી કાઢીને, દુનિયા સમક્ષ ફરીથી રાખીને, તેને સાચવવાનું અને તેના વર્ગીકરણ અને દસ્તાવેજીકરણનું ભગીરથ કામ. એ તો આજે આપણા દેશ પાસે આર્કાઈવમાં જૂની ફિલ્મ્સ છે અને નવી ફિલ્મ્સ સમાવેશ કરવાની સુવિધા અને વ્યવસ્થા છે, પહેલા તો ફિલ્મ્સને સાચવવાની સમજ કે પ્રાથમિકતા ક્યાં હતી. એવા સમયે પી. કે. નાયર આ જવાબદારી ઉપાડવા તૈયાર થયા હતા. તેમણે દેશભરમાં જૂના સ્ક્રેપ ડીલર્સ, ગોદામો, ઑફિસ, બંધ થઈ ગયેલા સ્ટુડિયોઝ વગેરે અનેક જગ્યાએ વર્ષો સુધી રખડપટ્ટી કરી છે, ભારતની ઉચ્ચતમ ફિલ્મ્સને સાચવીને તેના સંગ્રહ માટે. મેરા ભારત મહાન કહીને દાદા સાહેબ ફાળકેના નામ પર ગૌરવ લઈને ફક્ત બેસી ન રહેતા તેમની દિગ્દર્શિત ભારતની પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ર્ચન્દ્ર’ (૧૯૧૩)ને નામશેષ થતા પી. કે. નાયરે બચાવી છે. ‘જીવન નૈયા’ (૧૯૩૬), ‘કાલીયા મર્દન’ (૧૯૧૯), સતી સાવિત્રી’ (૧૯૨૭), ચંદ્રલેખા’ (૧૯૪૮) આ બધી ફિલ્મ્સ એટલે તેમની કલા માટે કબાડ ચૂંથવાની કપરી કોશિશમાંથી આપણે પાછું મેળવેલું કંચન! પણ પી. કે. નાયર દુ:ખ સાથે કહે છે કે ૧૯૫૦ પહેલા બનેલી ૭૦ ટકા ભારતીય ફિલ્મ્સ આપણી પાસે છે જ નહીં, ગુમાવી ચૂક્યા છીએ. જેમાંની સાયલન્ટ એરામાં બનેલી તો લગભગ ૯૫ ટકા ફિલ્મ્સ. પણ તેમના અથાક પેશનથી સૌથી જૂના સ્ટુડિયોઝ એવા બોમ્બે ટોકીઝ, ન્યુ થિએટર્સ, વાડિયા મૂવીટોન, મિનરવા મૂવીટોન, જેમિની સ્ટુડિયોઝ, એવીએમ પ્રોડક્શન્સ વગેરેની ફિલ્મ્સ તેમણે શોધી કાઢીને ખજાનામાં સાચવી છે. ફિલ્મ્સની રીલ્સ શોધવાને જિંદગીભરનું લક્ષ્ય બનાવનાર આ માણસે ભૂતકાળ સાચવીને આગલી પેઢીને ભવિષ્ય આપ્યું છે. બાકી તમને ખબર છે, એક માઈલસ્ટોન ફિલ્મની રીલ્સમાંથી તો રંગીન બંગડીઓ બનાવી દેવામાં આવી હતી? નહીં? ઓકે, એ વિષે વધુ વાતો આવતા સપ્તાહે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -