દુબઇ: ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય સ્પિનર આર. અશ્ર્વિન અને રવિન્દ્ર જાડેજાને તાજેતરમાં જાહેર કરવામાં આવેલી આઇસીસી ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ફાયદો થયો છે. અશ્વિન બોલરોની રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે જ્યારે રવિન્દ્ર જાડેજા આ યાદીમાં નવમા સ્થાને પહોંચી ગયો છે. જાડેજા આઇસીસી મેન્સ ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં ટોચના ૧૦ બોલરોમાં પ્રવેશ્યો હતો. નવી દિલ્હીમાં ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં ૧૦ વિકેટ ઝડપ્યા બાદ જાડેજા ફરી નવમું સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો. તે સપ્ટેમ્બર ૨૦૧૯ પછી પ્રથમ વખત ટોપ ૧૦માં પહોંચ્યો છે. ઇજાગ્રસ્ત ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટોપ ૧૦માં અન્ય ભારતીય બોલર છે, જે પાંચમા સ્થાને છે.
ઇંગ્લેન્ડના અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન આ યાદીમાં ટોચ પર છે પરંતુ ઑસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ બે સ્થાન સરકીને ત્રીજા સ્થાને આવી ગયો છે. અક્ષર પટેલે તેની શાનદાર બેટિંગને કારણે જાડેજા અને અશ્ર્વિન બાદ ઓલરાઉન્ડરોની યાદીમાં ટોચના પાંચમાં પ્રવેશ કર્યો છે.
ટેસ્ટ બેટ્સમેનોની યાદીમાં ઑસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન ટોચ પર છે, ત્યારબાદ સ્ટીવ સ્મિથ બીજા અને પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ત્રીજા સ્થાને છે. ભારતના ઋષભ પંતે પોતાનું છઠ્ઠું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે કેપ્ટન રોહિત શર્માએ સાતમું સ્થાન જાળવી રાખ્યું છે.
ઈંગ્લેન્ડના બેટ્સમેન ઓલી પોપ (૨૩માં), હેરી બ્રુક (૩૧માં) અને બેન ડકેટ (૩૮માં) અને ન્યૂઝીલેન્ડના ટોમ બ્લંડેલ (૧૧મા) અને ડેવોન કોનવે (૧૭મા)એ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી છે.