રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થવા જઈ રહી છે. બેંગ્લોર માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો તેણે ટૂર્નામેન્ટના પ્લેઓફ માટે ક્વોલિફાય કરવું હોય તો તેણે પોતાની બંને મેચ જીતવી પડશે. સનરાઇઝર્સ પહેલેથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર છે અને તે સામેની ટીમની આશાઓ પર પાણી ફેરવવાનો પૂરતો પ્રયત્ન કરશે.
ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અત્યારે સારું પ્રદર્શન કરી રહી છે. ટીમમાં ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સિરાજ જેવા સારા ખેલાડીઓ છે. બીજી તરફ હૈદરાબાદ લખનૌ સુપર જાયન્ટ્સ સામે તેની છેલ્લી મેચ હારી ગયું હતું. જો કે, તેઓ સારું ક્રિકેટ રમ્યા હતા અને બેંગ્લોર સામે તેઓ એવું જ સારી રમતનું પુનરાવર્તન કરવા માંગે છે.
શું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં જગ્યા બનાવી શકશે?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હાલમાં પાંચમા સ્થાને છે અને ટીમને ટોપ 4માં પહોંચવા માટે તેમની બાકી રહેલી બે મેચ જીતવી જ પડશે. આ જ કારણ છે કે જો ટીમ SRH સામે હારી જશે તો તેના માટે ક્વોલિફાય થવું મુશ્કેલ બનશે. જો મુંબઈ તેની છેલ્લી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારી જાય છે, તો બેંગ્લોરે તેની છેલ્લી મેચ ગુજરાત ટાઇટન્સ સામે મોટા અંતરથી જીતવી પડશે. જો તેઓ હારી જશે તો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
સનરાઈઝર્સ હૈદરાબાદ નવમા સ્થાને છે અને હવે તેની પાસે પ્લેઓફ માટે ક્વોલિફાઈ થવાની કોઈ શક્યતા નથી. જો ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દાંત ખાટા કરી નાખે તો પણ તે પ્લે ઑફ માટે ક્વોલિફાય થઇ શકે તેમ નથી.
એકંદરે બંને ટીમોના ફોર્મ અને ટીમને જોતા RCB પાસે SRH સામેની મેચ જીતવાની વધુ તકો છે.