મુંબઈ: નવેમ્બર ૨૦૧૬માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી નોટબંધીની યાદ અપાવતી જાહેરાત શુક્રવારે કરતા ભારતીય રિઝર્વ બૅન્કે ચલણમાંથી રૂ. ૨,૦૦૦ની ચલણી નોટો પાછી ખેંચી છે. હાલની નોટો ૩૦ સપ્ટેમ્બર સુધીમાં બૅન્ક ખાતામાં જમા કરી શકાશે અથવા બદલી શકાશે. આઇબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રૂ. ૨,૦૦૦ મૂલ્યની બૅંન્ક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે.
ઓપરેશનલ સુવિધા સુનિશ્ર્ચિત કરવા અને બૅન્ક શાખાઓની નિયમિત પ્રવૃત્તિઓમાં વિક્ષેપ ટાળવા માટે, આરબીઆઈએ કહ્યું કે ૨૩ મે, ૨૦૨૩થી કોઈપણ બૅન્માં એક સમયે ૨૦,૦૦૦ રૂપિયાની મર્યાદા સુધી ૨,૦૦૦ રૂપિયાની બેંક નોટને અન્ય મૂલ્યોની બૅન્ક નોટોમાં બદલી કરી શકાશે, આવી જ સુવિધા ૨૩ મેથી આરબીઆઈના ૧૯ પ્રાદેશિક કાર્યાલયો (આરઓ)માં ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યાં ઇશ્યૂ વિભાગો છે, પરંતુ બેંકના ખાતામાં કેટલા રૂપિયા સુધી જમા કરી શકાય તે બાબત હજી સ્પષ્ટતા જોવા મળતી નથી. ઉપરાંત આરબીઆઈએ બૅન્કોને તાત્કાલિક અસરથી ૨,૦૦૦ રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે.
નવેમ્બર ૨૦૧૬માં મુખ્યત્વે તે સમયે ચલણમાં હતી તે તમામ રૂ. ૫૦૦ અને રૂ. ૧,૦૦૦ની બૅન્ક નોટોની કાનૂની ટેન્ડર સ્થિતિ પાછી ખેંચી લીધા પછી અર્થતંત્રની ચલણની જરૂરિયાતને ઝડપી રીતે પૂરી કરવા માટે રૂ. ૨,૦૦૦ મૂલ્યની બૅન્ક નોટ રજૂ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે આરબીઆઇએ ૨,૦૦૦ રૂપિયાની નોટ છાપવાનું વર્ષ ૨૦૧૮-૧૯માં જ બંધ કર્યું હતું અને અત્યારે આ નોટ ભાગ્યેજ સર્ક્યુલેશનમાં છે. તેથી સૌથી મોટા અંકની આ નોટનો ઉપયોગ કાળું નાણું ભેગું કરવા થઇ રહ્યો હોવાની આશંકા વચ્ચે આ પગલું લેવાયું છે.
આરબીઆઈએ કહ્યું કે એવું પણ જોવામાં આવ્યું છે કે ૨,૦૦૦ રૂપિયાની નોટ સામાન્ય રીતે વ્યવહારો માટે ઉપયોગમાં લેવાતી નથી. વધુમાં, અન્ય મૂલ્યની બેંક નોટોનો સ્ટોક લોકોની ચલણની જરૂરિયાતને પહોંચી વળવા માટે પર્યાપ્ત છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, “ઉપરોક્તને ધ્યાનમાં રાખીને, અને ભારતીય રિઝર્વ બેંકની ‘ક્લીન નોટ પોલિસી’ના અનુસંધાનમાં, રૂ. ૨,૦૦૦ મૂલ્યની બૅન્ક નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચલણમાં રહેલી આવી બૅન્ક નોટોનું કુલ મૂલ્ય ૩૧ માર્ચ, ૨૦૧૮ના રોજ તેની ટોચ પરના રૂ. ૬.૭૩ લાખ કરોડ (ચલણમાં રહેલી નોટોના ૩૭.૩ ટકા)થી ઘટીને રૂ. ૩.૬૨ લાખ કરોડ થઈ ગયું છે જે ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીમાં ચલણમાં રહેલી નોટોના માત્ર ૧૦.૮ ટકા જ થઇ ગયું છે. જાન્યુઆરી ૨૦૧૪માં, આરબીઆઈએ ૨૦૦૫ પહેલા જારી કરાયેલી તમામ બેંક નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. (પીટીઆઈ)
————–
હાઇલાઇટ્સ:
આરબીઆઈએ શુક્રવારે ચલણમાંથી રૂ. ૨,૦૦૦ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.
* રૂ. ૨,૦૦૦ની ચલણી નોટો ૩૦ સપ્ટેમ્બર સુધી કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે.
* રૂ. ૨,૦૦૦ની નોટો લોકો બૅન્ક ખાતામાં જમા કરાવી શકાશે અથવા બૅન્કો અને આરબીઆઇની ૧૯ પ્રાદેશિક કચેરીઓમાં બદલી શકાશે.
(તમારા ગ્રાહકને જાણો (કેવાયસી) ધોરણો અને અન્ય આવશ્યકતાઓના પાલનને આધીન રહીને)
* લોકો ૨૩ મેથી શરૂ થઈને એક સમયે રૂ. ૨૦,૦૦૦ની મર્યાદા સુધી રૂ. ૨,૦૦૦ની નોટ બદલી શકે છે.
* ખાતાધારક માટે દરરોજ રૂ. ૪,૦૦૦ સુધીની રૂ. ૨,૦૦૦ની નોટો બેન્કિંગ કોરોસ્પોન્ડન્ટ્સ દ્વારા બદલી શકાય છે
* નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી પછી રૂ. ૨૦૦૦ની નોટ રજૂ કરવામાં આવી હતી
* ૨૦૧૬ના નોટબંધીથી વિપરીત, રૂ. ૨,૦૦૦ની નોટો કાયદેસર મૂલ્ય તરીકે ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.
* કાળા નાણાંના સંગ્રહ અને મની લોન્ડરિંગ માટે રૂ. ૨,૦૦૦ ની નોટોનો ઉપયોગ કથિત રીતે કરવામાં આવી રહ્યો હોવાને પગલે આરબીઆઈએ ૨૦૧૮-૧૯ થી રૂ. ૨૦૦૦ની નવી નોટોનું છાપકામ બંધ કરી દીધું હતું.
* માર્ચ ૨૦૧૭ પહેલા રૂ. ૨,૦૦૦ની ૮૯ ટકા નોટો જારી કરવામાં આવી હતી.