દેશભરમાં જનસંખ્યા નિયંત્રણનો મુદ્દો ચગ્યો છે ત્યારે ગોરખપુરના સાંસદ અને અભિનેતા રવિ કિશને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે લોકસભામાં વસતિ નિયંત્રણનો કાયદો ઘડવા માટે રવિ કિશને બિલ રજૂ કર્યું હતું. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે વસતિ નિયંત્રણનો કાયદો બનાવ્યો હોત તો મારે ચાર બાળક ન હોત. જ્યારે હું ચાર બાળક વિશે વિચાર કરું છું ત્યારે મને સોરી ફીલ થાય છે. આ કોંગ્રેસની ભૂલ છે. તેમની પાસે સરકાર હતી, કાયદો પણ હતો. અમને જાણ નહોતી, અમે હસતા રમતા અમારું જીવન વિતાવી રહ્યા હતાં.
હું ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહ્યો હતો. શૂટિંગ કરી રહ્યો હતો, એ દરમિયાન ત્રીજું બાળક, ચોથા બાળકનો પિતા બની ગયો. આજે જ્યારે પરિપક્વતા આવી છે અને હું તેમને જોઉં છું ત્યારે મને દુઃખ થાય છે.
રવિ કિશનના આ ઈન્ટરવ્યુમાં તેમની સાથે બીજેપી સાંસદ મનોજ તિવારી હતા. તેઓ ત્રીજા બાળકના પિતા બનવા જઈ રહ્યા છે. થોડા દિવસો પહેલાં તેમને આ માટે ટ્રોલ કરવામાં આવ્યા હતા. ઈન્ટરવ્યુમાં તેમને ત્રીજા બાળક વિશે પણ સવાલ કરવામાં આવ્યા હતા, તો તેણે કહ્યું હતું કે જો તેની પાછળ કોઈ ભૂલ થઈ હોય તો એનો મતલબ એવો નથી કે આપણે ભવિષ્યમાં ભૂલો કરતા રહીએ. આ દરમિયાન રવિ કિશને તેમને ટોક્યા હતા. રવિંએ કહ્યું હતું કે એ ભૂલ નહોતી અને અમે એને ભૂલ નહીં માનીએ. જો કોંગ્રેસે કાયદો બનાવ્યો હોત તો આટલાં બાળકો પેદા ન કરત.