ટીવીની ગ્લેમરસ અને લોકપ્રિય અભિનેત્રી રશ્મિ દેસાઈ તેની ફેશનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચમકતી રહે છે. માત્ર ટીવી શો જ નહીં, રશ્મિ દેસાઈએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આખી ઈન્ડસ્ટ્રી તેને રશ્મિ તરીકે ઓળખે છે. પરંતુ એક્ટ્રેસનું સાચું નામ શિવાની દેસાઈ છે. એક્ટ્રેસે પોતાના અભિનય અને નૃત્ય દ્વારા ટીવી જગતમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે અને દર્શકોમાં પોતાની ઓળખ બનાવી છે. રશ્મિએ નાની ઉંમરે જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. કામ મેળવવાના ચક્કરમાં તેણે બહુ જ ધક્કા ખાધા હતા. પૈસા માટે રશ્મિ દેસાઈએ ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું હતું. જોકે, રશ્મિ દેસાઈના ભણતર વિશે બહુ ઓછા લોકો જાણે છે.
આસામમાં 13 ફેબ્રુઆરી 1986ના રોજ જન્મેલી રશ્મિ દેસાઈની ઉંમર 36 વર્ષની છે. રશ્મિ દેસાઈએ નાનપણથી જ અભિનયની શરૂઆત કરી હતી. તેની માતા સિંગલ પેરેન્ટ હતી. એક સમય એવો હતો જ્યારે અભિનેત્રીના ઘરમાં ખાવાના ફાંફા હતા. લોકો જ્યારે તહેવારોની ઉજવણી કરતા હતા ત્યારે રશ્મિની માતા પોતાના બંન સંતાનોને બે ટંક ભોજન આપવા કાળી મજૂરી કરતી હતી. મજબૂરીમાં રશ્મિએ કામ કરવું પડ્યું. રશ્મિ માત્ર 16 વર્ષની ઉંમરથી ફિલ્મોમાં કામ કરી રહી છે. જોકે, તે ઘણી સુંદર હોવાથી ઘણાએ તેને ગેરફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે દરેક પરિસ્થિતિમાંથી બહાર આવી હતી.
નોર્થ ઈસ્ટમાં જન્મેલી રશ્મિ દેસાઈ મુંબઈમાં મોટી થઈ છે. અભિનેત્રીએ મુંબઈથી જ પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું છે. શિક્ષણ વિશે વાત કરીએ તો, રશ્મિ દેસાઈએ મુંબઈની નરસી મોંનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી ટૂર એન્ડ ટ્રાવેલમાં ડિપ્લોમા કર્યું છે. જોકે, તે ગ્રેજ્યુએટ પણ થઇ નથી. જોકે, રશ્મિ દેસાઈ ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ અને સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે.