શાલિગ્રામની પૂજા: નેપાળથી અયોધ્યાના કારસેવક પુરમમાં લાવવામાં આવેલા શાલિગ્રામ (ભગવાન વિષ્ણુના પ્રતીક)ની ગુરુવારે પૂજા કરવામાં આવી હતી. એ શાલિગ્રામનો ઉપયોગ અયોધ્યાના રામ મંદિરમાં રામ અને જાનકીની પ્રતિમાઓ બનાવવામાં કરવામાં આવશે. શાલિગ્રામ ફક્ત નેપાળની કાલી ગંડકી નદીના કિનારે મળે છે. (પીટીઆઈ)
અયોધ્યા: મંદિર ટ્રસ્ટના એક વરિષ્ઠ કાર્યકર્તાએ જણાવ્યું કે ખાસ શિલાઓ જેમાંથી ભગવાન રામની મૂર્તિ કોતરીને રામ મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવશે તે નેપાળથી આવી છે.
શિલાઓ બુધવારે મોડી રાત્રે અહીં આવી પહોંચી હતી. ગુરુવારે બપોરે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી અને ત્યારબાદ
શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને શિલાઓ અર્પણ કરવામાં આવી હતી. ૫૧ વેદ આચાર્યોએ પણ શિલાઓની પૂજા કરી હતી.
નેપાળમાં જાનકી મંદિરના મહંત તપેશ્ર્વર દાસે આ શિલાઓ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને અર્પણ કરી હતી. આ શિલાઓમાંથી કોતરવામાં આવનાર ભગવાન રામ ‘બાલ રૂપ’ની મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવશે, જે આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ જવાની શક્યતા છે.
વિશ્ર્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર સિંહ પંકજે ૨૫ જાન્યુઆરીએ નેપાળના મસ્તાંગ જિલ્લામાંથી બે પવિત્ર શિલાઓની સાથે યાત્રાની શરૂઆત કરી હતી. એક ખડકનું વજન ૨૬ ટન અને બીજાનું વજન ૧૪ ટન છે તેમ મંદિર ટ્રસ્ટના ઓફિસ ઇન્ચાર્જ પ્રકાશ ગુપ્તાએ અગાઉ જણાવ્યું હતું. આ બે શિલા નેપાળના મસ્તાંગ જિલ્લામાં સાલિગ્રામ અથવા મુક્તિનાથ (મુક્તિનું સ્થળ) નજીકના સ્થળે ગંડકી નદીમાંથી મળી આવી હતી. (પીટીઆઇ)