જયપુર: બુધવારે સિરોહી જિલ્લાના આબુ રોડ પર બ્રહ્મા કુમારીઝ દ્વારા સુપર સ્પેશિયાલિટી ચેરિટેબલ ગ્લોબલ હોસ્પિટલ અને અન્ય પ્રોજેક્ટનો પાયો નાખતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશની આરોગ્ય સેવા “ઝડપી પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લાં નવ વર્ષમાં ગરીબોને સમજાયું છે કે તબીબી સુવિધાઓ તેમના માટે સરળતાથી સુલભ છે. આયુષ્માન ભારત યોજનાએ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને ગરીબો માટે માત્ર સરકારી હોસ્પિટલો જ નહીં પરંતુ ખાનગી તબીબી સુવિધાઓના દરવાજા પણ ખોલ્યા છે. આ યોજનાએ ગરીબો માટે સારવાર અને દવાઓના જરૂરી કરોડો રૂપિયાની બચત કરી છે.
સુપર સ્પેશિયાલિટી ચેરીટેબલ ગ્લોબલ હોસ્પિટલ ૫૦ એકર વિસ્તારમાં ફેલાયેલી હશે. તે વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ પ્રદાન કરશે અને પ્રદેશના ગરીબો અને આદિવાસી લોકો માટે ખાસ કરીને ફાયદાકારક સાબિત થશે.
આરોગ્ય સેવાના વિકાસને રેખાંકિત કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે ૨૦૧૪ પહેલાના ૧૦ વર્ષમાં ૧૫૦ મેડિકલ કોલેજો ખોલવામાં આવી હતી જ્યારે છેલ્લાં નવ વર્ષમાં ૩૦૦ નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવી છે. તેમણે મેડિકલ કોલેજોમાં સંખ્યાબંધ એમબીબીએસ અને પીજી સીટોમાં થયેલા વધારા પર પણ પ્રકાશ પાડ્યો હતો. ૨૦૧૪ પહેલા એમબીબીએસની ૫૦,૦૦૦ બેઠકો હતી પરંતુ આજે તે સંખ્યા વધીને ૧ લાખથી વધુ થઈ ગઈ છે, એમ તેમણે ઉમેર્યું હતું કે, પીજીની બેઠકો પણ ૨૦૧૪ પહેલા ૩૦,૦૦૦ હતી તે હવે વધીને ૬૫,૦૦૦ થઈ ગઈ છે. મોદીએ કહ્યું કે, જો ઈરાદો સારો હોય અને સમાજની સેવા કરવાની ભાવના હોય તો આવા સંકલ્પો લેવામાં આવે છે અને પૂરા પણ થાય છે. આ ‘અમૃત કાલ’માં ભારતની સામાજિક અને આધ્યાત્મિક સંસ્થાઓની મોટી ભૂમિકા છે. અને એ દેશના દરેક નાગરિક માટે ‘કર્તવ્ય કાલ’ છે એમ તેમણે ઉમેર્યું હતું. (પીટીઆઈ)