બોલીવૂડ એક્ટર રણવીર સિંહ અવારનવાર પોતાના પાત્રોમાં પ્રયોગ કરતા જોવા મળે છે. તેમણે અત્યાર સુધીની કારકિર્દીમાં ચોકલેટી બોયથી લઈને કોમેડી મેન અને મજબૂત શાસકથી લઈને ખતરનાક વિલન સુધીના દરેક રોલમાં પોતાને સાબિત કર્યા છે. અત્યાર સુધી તેણે આ તમામ પાત્રો વાર્તાની માંગ પ્રમાણે ભજવ્યા છે. જોકે, બોલીવૂડ એક્ટર ગોવિંદાની એક ફિલ્મ છે, જેની રિમેકમાં રણવીર મુખ્ય ભૂમિકા ભજવવા માંગે છે.
રણવીર સિંહ હાલમાં તેની આગામી ફિલ્મ સર્કસને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી અને મલ્ટીસ્ટારર ફિલ્મનો જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ફિલ્મ અંગે એક વાતચીત દરમિયાન તેણે કહ્યું કે તે અભિનેતા ગોવિંદા દ્વારા ભજવવામાં આવેલો રોલ ફરીથી ભજવવા માંગે છે.
અભિનેતા રણવીર સિંહ ગોવિંદાનો ઘણો મોટો પ્રશંસક છે અને તેની સાથે ભગવાન જેવો વ્યવહાર પણ કરે છે. તેમણે પોતે એક ઈવેન્ટ દરમિયાન આ વાત કહી હતી અને ગોવિંદાને જોઈને તેની આંખો ભીની થઈ ગઈ હતી. હવે તાજેતરમાં જ એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં તેમણે ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ ગોવિંદાની કોમેડી ફિલ્મ ‘રાજા બાબુ’ની રિમેકમાં ‘રાજા બાબુ’નો રોલ કરવા માંગે છે. અભિનેતાએ એમ પણ કહ્યું હતું કે અત્યાર સુધી તેમણે કોઈ હોરર ફિલ્મમાં કામ કર્યું નથી. તે હોરર ફિલ્મો જોવામાં પણ ડરે છે, કારણ કે હોરર તેની શૈલી નથી.
ગોવિંદા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ‘જુડવા’ અને ‘રાજા બાબુ’ મારી પ્રિય ફિલ્મો છે, જે મેં સૌથી વધુ વખત જોઈ છે. તેમણે કહ્યું કે વરુણ ધવન આવી ફિલ્મો કરતો રહે છે તેથી હું તેને કહું છું કે ‘રાજા બાબુ’ ફિલ્મ તું નહીં કરતો, મારે એ ફિલ્મમાં અભિનય કરવો છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘રાજા બાબુ’નું નિર્દેશન વરુણ ધવનના પિતા ડેવિડ ધવને કર્યું હતું.