Homeપુરુષરણજિત રામચંદ્રન નાઈટ વોચમેનથી આઇઆઇએમ પ્રોફેસર સુધીની પ્રેરણાદાયી સફર

રણજિત રામચંદ્રન નાઈટ વોચમેનથી આઇઆઇએમ પ્રોફેસર સુધીની પ્રેરણાદાયી સફર

કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક

સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
બરકત વિરાણી ‘બેફામ’નો આ શેર વિચાર વિસ્તારમાં કે નિબંધોમાં અનેક વિદ્યાર્થીઓએ લખ્યો હશે. પણ પોતાની જિંદગીમાં એને જીવીને સાર્થક કરનારા કોઈ વિરલા હોય છે. આવો જ એક વીરલો ચપરાસીની મામૂલી નોકરી
કરતાં કરતાં આઇઆઇએમ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાનો પ્રોફેસર બની ગયો. તેની કહાણી ઘણાને પ્રેરણા આપી શકે તેમ છે.
પૂર્વ રાષ્ટ્રપતિ કલામે કહ્યું હતું કે, ‘સપનાં એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો, સપનાં એ છે જે તમને ઊંઘવા નથી દેતા.’ રણજિત રામચંદ્રનની કહાણી પણ આવી જ છે. રણજિતના જીવનભરના સંઘર્ષનું ફળ તેમને ૫ એપ્રિલ, ૨૦૨૧ ના રોજ મળ્યું.
કોણ છે રણજિત રામચંદ્રન?
થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ આવી હતી. રંજીથ આર પનાથુર નામના વ્યક્તિએ મલયાલમમાં એક પોસ્ટ કરી હતી અને આ સ્ટોરી વાયરલ થઈ હતી. આ પોસ્ટમાં એક માટીનું ઘર હતું, નાનું, જર્જરિત. ઘર પર છાપરાનાં નામે કાળી તાડપત્રી હતી.
આ રણજિત રામચંદ્રનનું ઘર છે જેમને આઇઆઇએમ રાંચીમાં પ્રોફેસરના પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઘરમાં રણજિતના માતા-પિતા, ૨ નાના ભાઈ-બહેન રહેતા હતા. રણજિતના પિતા દરજી છે અને તેની માતા મનરેગા વર્કર છે. રણજિતને શિક્ષણ આપવા માટે તેના મા-બાપે પોતાના લોહી-પાણી એક કરી નાંખ્યા, મજૂરી કરીને પણ દીકરાને ભણાવ્યો. આ પરિવાર કેરળના કાસરગોડનો છે.
સંઘર્ષની વાર્તા
આસિસ્ટન્ટ પ્રોફેસર રણજિતને ક્રાઈસ્ટ કોલેજ, બેંગલુરુમાં ભણાવતા માત્ર બે મહિના જ થયા હતાં ત્યાં તેમને આઈઆઈએમ, રાંચીમાં ભણાવવાનો પત્ર મળ્યો. પણ તેની પહેલાની કહાણી કોઈ ફિલ્મી વાર્તા જેવી રોમાંચક છે. જેવું હંમેશા ગરીબ કે નિમ્ન-મધ્યમ વર્ગ પરિવારમાં બનતું આવે છે તેમ, તેમના સંતાનોના નસીબમાં ભણતર ઓછું અને મજૂરી ઝાઝી લખેલી હોય છે. રણજિત પણ ઉચ્ચ માધ્યમિક પરીક્ષા પાસ કર્યા બાદ પરિવારને આર્થિક ટેકો આપવા માટે કમાવા માગતો હતો.
રણજિતને બીએસએનએલ લોકલ ટેલિફોન એક્સચેન્જમાં વોચમેનની નોકરી મળી. પગાર કેટલો જાણો છો? માત્ર રૂ. ૪૦૦૦ પ્રતિ માસ! આમાં તે ઘરને આર્થિક મદદ કરે કે પોતાના આગળના ભણતરનો વિચાર કરે? પણ રણજિત જાણતો હતો કે આર્થિક હાલત બહેતર કરવી હશે તો આગળ ભણવું પણ પડશે. નોકરીની સાથે ભણવા મળે એ ખાતર રણજિત નાઈટ વોચમેન બન્યો, જેથી દિવસે અભ્યાસ કરી શકાય. તેણે ગામની નજીક, રાજાપુરમની પાયસ ટેન્થ કોલેજમાં અર્થશાસ્ત્રના ડિગ્રી કોર્સમાં પ્રવેશ મેળવ્યો. રણજિત દિવસે કોલેજ જતો અને રાત્રે ટેલિફોન એક્સચેન્જમાં વોચમેનની ફરજ બજાવતો. આ રીતે દિવસ-રાત એક કરીએ રણજિતે પોતાનો ડિગ્રી અભ્યાસક્રમ પૂરો
કર્યો.
રણજિત માત્ર મહેનતુ જ નહોતો, પરંતુ પ્રતિભાશાળી પણ હતો. તેણે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા સેન્ટ્રલ યુનિવર્સિટી, કાસરગોડમાં એડમિશન લીધું અને આ રીતે મહેનત કરતાં કરતા તેમાં પણ સફળતા મેળવી. બીએસએનએલ એક્સચેન્જ રણજિત માટે તેનો સ્ટડી રૂમ અને લિવિંગ રૂમ બની ગયું હતું. ત્યાં રાત્રે તે જાગીને ફરજ પણ બજાવતો અને ભણતો પણ ખરો.
રણજિતની પ્રતિભા એટલી જબરજસ્ત હતી કે પોસ્ટ ગ્રેજ્યુએશન પછી રણજિતને આઈઆઈટી -મદ્રાસમાંથી પીએચડી કરવાની તક મળી. આઈઆઈટી મદ્રાસમાં પ્રવેશ સમયે, રણજિત માત્ર મલયાલમ જાણતો હતો અને અંગ્રેજીમાં વાતચીત પણ કરી શકતો નહોતો. અને ન તે કાસરગોડથી કદી બહાર ગયો હતો. પણ સફળતા મેળવવાની જીદ, મહેનત કરવાની તૈયારી જો હોય તો અશક્ય, શક્ય કેમ ન બને?
આઈઆઈટી મદ્રાસમાં પ્રોફેસરોએ મદદ કરી
શાળા કે ડિગ્રીના અભ્યાસ સુધી નોકરી અને શિક્ષણ બંને કરવું ઠીક છે. પણ આઈઆઈટી જેવા કઠિન શિક્ષણ માટે બે હોડીમાં પગ રાખવો કેટલો મુશ્કેલ છે.
એક સમય એવો આવ્યો જ્યારે રણજિતે અભ્યાસ છોડી દેવાનો નિર્ણય લીધો હતો કેમકે પરિવારને સાચવવો તેની પ્રાથમિકતા હતી. પરંતુ આઇઆઇએમના પ્રોફેસરોના સહકારથી તેણે સંઘર્ષ ચાલુ રાખ્યો. આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર ડો. સુભાષ શશીધરણ અને પ્રોફેસર વૈદેહીએ રણજિતને મદદ કરી. રણજિત પોતે જણાવે છે તેમ, પ્રોફેસર સુભાષે તેને માર્ગદર્શન આપ્યું અને કોર્સ ન છોડવા માટે પ્રેરણા આપી. આઈઆઈટી મદ્રાસમાં રણજિત માત્ર સ્ટાઈપેન્ડ પર જ જીવતો નહોતો, પરંતુ તેમાંથી અમુક રકમ બચાવીને ઘરે મોકલવા પણ લાગ્યો હતો.
ઑગસ્ટ ૨૦૨૦માં રણજિત અર્થશાસ્ત્રમાં પીએચડી થયો અને તે ડૉ. રણજિત બન્યો. પ્રતિભાશાળી અને મહેનતુ રણજિતે જાપાન અને જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પોતાના પેપર રજૂ કર્યા છે.
રણજિતની વાર્તા માત્ર પ્રેરણાદાયી નથી, પરંતુ એક અલગ પ્રકારની સકારાત્મક ઊર્જાથી પણ ભરેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -