ભારતીયોની ફેવરિટ ગેમ છે ક્રિકેટ. ભારતીય ક્રિકેટરો દેશમાં ભગવાનની જેમ પૂજાય છે. લોકો એમની એક ઝલક મેળવવા, એમની નાની-મોટી વાતો જાણવા આતુર રહેતા હોય છે. એટલે જ ક્રિકેટરોના જીવન પર બનેલી ફિલ્મમાં પણ લોકોને ઘણો રસ પડે છે. અગાઉ ભારતીય ક્રિકેટર અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની પર અને લિવીંગ લેજન્ડ સચીન તેંડુલકર પર ફિલ્મ બની ચૂકી છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે ક્રિકેટ જગતમાં દાદા તરીકે જાણીતા સૌરવ ગાંગુલીના જીવન પર ફિલ્મ બનાવવામાં આવશે. જો કેટલાક મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સૌરવ ગાંગુલીએ તેની બાયોપિકની સ્ક્રિપ્ટને મંજૂરી આપી દીધી છે. આ સમાચાર જાણ્યા બાદ દાદા ગાંગુલીના ફેન્સ ખૂબ જ ઉત્સુક છે. ફ્લ્મિની ખાસ વાત એ છે કે આ બાયોપિકમાં સૌરવ ગાંગુલીનું પાત્ર રણબીર કપૂર નિભાવશે. આ ફિલ્મનું શૂટિંગ પણ જલદીથી શરૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં મુખ્ય પાત્ર માટે પહેલા રિતીક રોશન અને સિદ્ધાર્થ મલ્હોત્રાના નામ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. જોકે, અંતમાં રણબીર કપૂરે આ પ્રોજેક્ટ મેળવી જ લીધો છે. ફિલ્મમાં રણબીર કપૂર સૌરવ ગાંગુલીનું પાત્ર ભજવવાનો છે. તેના સિવાય અન્ય ક્રિકેટરોનું પાત્ર કોણ ભજવશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં એમએસ ધોનીનું પાત્ર પણ જોવા મળશે. સૌરવ ગાંગુલી ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. ભારતીય ટીમને આક્રમક શૈલી આપવાનો શ્રેય તેમને જાય છે. તેમણે ટીમમાં હંમેશા યુવાઓને તક આપી છે. વીરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, મોહમ્મદ કૈફ, હરભજન સિંહ અને ઈરફાન પઠાણ જેવા ખેલાડીઓ દાદાની દેન છે.