જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી
વૈ.સુ.પ, શુક્રવાર, તા. ૨૦-૦૪-૨૦૧૮
શાંતિનાથ દાદાને જુહારીને અમારી હિમાલય યાત્રા આજે પ્રારંભ થઈ. ગામના મુખ્યદ્વાર પર પહોંચતા આગળનો રસ્તો પૂછ્યો. જો કે હજુ સુધી અમને એ ખબર નથી કે કયા રસ્તે આગળ વધવાનું છે. સારું જ થયું, ચોકીદારે અમને સોર્ટકટ રસ્તો બતાવ્યો અને એ પણ લીલીછમ વનરાજીમાંથી. ગંગાની મોટી નહેરને કિનારે, વળી ‘સોને પે સુહાગા’ યુગાધિદેવની ચરણપાદુકાવાળા પ્રાચીન સ્તૂપના દ્વારેથી જ રસ્તો આગળ વધતો હતો. હજુ એક વધુ વખત મુખ્યસ્થાનની સ્પર્શના કરી, આદિશ્ર્વરદાદાના આશીર્વાદ લઈ અમે આગળ વધ્યા. વરસાદ ઝરમર ઝરમર વરસવા લાગ્યો. નીકળ્યા ત્યારથી જ ઘનઘોર ઘનઘટા જામી હતી. મેઘરાજાના ઢોલ ઢબૂકી રહ્યા હતા. થોડા સમયમાં અમી છાંટણા થયા જ, લગભગ ૧૨ કિ.મી.ના વિહારમાં ૪-૫ વાર રસ્તામાં ઝાડ નીચે અમારે ઊભું રહેવું
જ પડ્યું.
આ પુન્યવતી ધરતીની વાત શું કરવી? ચારે બાજુ લીલીછમ હરિયાળી, આમ્રફળોથી લદી પડેલાં આમ્રવૃક્ષો, કોયલની કુક તો સવારે ઊઠ્યા ત્યારથી સંભળાઈ રહી છે. આજે આટલી સમૃદ્ધ વસુંધરા છે તો પાંડવકાળમાં કેટલી જાજરમાન હશે? અને તે પૂર્વે આદિશ્ર્વરદાદા જ્યારે આ ધરાને પાવન કરતા હશે, ત્યારે કેવી હશે? એની કલ્પના ક્યાંથી થાય ? જ્યાં જુઓ ત્યાં શેરડીનાં વાઢ, ઘણાએ સાંભળ્યું હશે કે શેરડીના રસથી આદિશ્ર્વર ભગવાનનું પારણું થયું. કોઈક શ્રેષ્ઠીએ ૧૦૮ ઉત્તમ શેરડીના ઘડા શ્રેયાંસકુમારને ભેટ આપેલા, પણ સવાલ એ થાય કે? શ્રેષ્ઠીએ શેરડીનો રસ જ કેમ ભેટ આપ્યો બીજું કંઈ કેમ ન આપ્યું? રાજા, રાજકુમારોને હીરા, મોતી, ઝવેરાત, સોનું, ચાંદી ભેટ આપવાની પરંપરા છે, એમાં આ શેરડીના રસની ભેટ ક્યાંથી આવી?
અહીં આવ્યા પછી વિચારતા લાગ્યું કે આ ધરતી જ મીઠા રસની છે. સેંકડો કિ.મી. સુધી માત્ર શેરડી જ શેરડી. એકછત્રી સામ્રાજ્ય છે શેરડીનું. કદાચ તે શ્રેષ્ઠીના ખેતરમાં પણ સારી શેરડી થઈ હશે. પહેલા ઉતારનો રસ રાજાને ભેટ આપવા આવ્યા હશે તે બનવાજોગ છે. આજે પણ મીઠીઘટ્ટ શેરડીના વાઢ જોવા મળે છે.
કુરુદેશની પુન્યવતી ધરતીમાં આજે પણ પરમાત્મા આદિનાથદાદાના ચરણસ્પંદનો હૃદયને ભાવવિભોર બનાવી મૂકે છે. અહીં જ કોઈક શુભસ્થાને પ્રભુ કાઉસગ્ગધ્યાને રહ્યા હશે. શુક્લધ્યાનના અમૃતનો આશીર્વાદ માણી રહ્યા હશે. અહીંથી જ કોઈક નાનકડી પગદંડીથી પ્રભુ હસ્તિનાપુર તરફ પારણા માટે પધાર્યા હશે. તે વખતે હસ્તિનાપુરને ક્યાં ખબર હતી કાલે સવારે કોઈક મહાજ્યોતિપૂંજ આ ધરતી પર ડગલા ભરશે. હસ્તિનાપુર આજે આનંદથી પુલકિત થઈ રહ્યું છે. શા માટે આવું થાય છે? કોઈને કંઈ ખબર નથી. આંખો બંધ થઈને વળી પાછી કેમ જલ્દી ખુલી જાય છે. વારંવાર નયનો કે હસ્તિનાપુરના મુખ્ય માર્ગને જુએ છે. શું થવાનું છે? ક્યારેય નહીં અને આજે આવી ઉત્સુકતા કેમ? બસ કોઈક અકળ દિવ્યતા તેમને આવું કરવા વારંવાર કેમ પ્રેરે છે? કારણ એક જ છે, પ્રભુ પધારી રહ્યા છે. અમે પણ એ જ હસ્તિનાપુરના જ નગરજન હોઈએ એવું અમને લાગી રહ્યું છે. પ્રભુ અહીં જ ક્યાંક અનંત આનંદની લહેજત માણતા હોય એવું લાગી રહ્યું છે. અસંખ્ય વર્ષનો ભૂતકાળ અલોપ થઈ ગયો છે. અમને એવું શા માટે લાગી રહ્યું છે? આ જંગલમાં હમણા તો પ્રભુ ક્યાંથી હોય? પ્રભુ તો મોક્ષમાં પધાર્યા પણ પેલી દિવ્યતા… હા કરોડો અબજો અસંખ્ય વર્ષ પૂર્વની દિવ્યતા હજુ અહીં પોતાનું સામ્રાજ્ય બિછાવી ને બેઠી છે, એ જ તો અમને વારંવાર લલચાવે છે પ્રભુના દર્શન માટે. ધન્ય છે જે પુણ્યપુરુષો આ માર્ગથી ચાલ્યા હશે અને ચાલશે. હસ્તિનાપુરની ધરતીનાં સ્પંદનો હજુ પણ વાતાવરણમાં ઋષભ નામનાં આંદોલનો સર્જી રહ્યા છે. આ આંદોલનોની આહટને માણતા અમારી યાત્રા મંથરગતિએ આગળ વધી રહી.
આજે વરસાદ તો શું પડ્યો. વરસાદ પડતા જ નાની નાની દેડકીઓ જન્મી ગઈ. આખા રસ્તે ખૂબ સાચવીને પગ મૂકવા પડ્યા. દરેક ડગલાંની ચારે બાજુ ૮-૧૦ દેડકીઓ તો કૂદાકૂદ કરતી હોય, ખૂબ ધીરે-ધીરે ચાલવું પડ્યું. સંભાળી સંભાળીને પગ મૂકતા, ચાલતા સમય ઘણો લાગ્યો. ચાલ્યા હતા તો ૧૨ કિ.મી. પણ ૧૮ કિ.મી. જેટલો થાક લાગ્યો. કારણ પેલી દેડકીઓ.
આજે રામરાજ પહોંચ્યા છીએ, ૨-૩ ઘર છે, ભાવિક છે, સ્થિરતા તો સ્કૂલમાં જ છે. પંજાબી વસ્તી વધારે છે. આગળ હરિદ્વારના રસ્તા માટે અહીં પૂછપરછ કરી, એક રસ્તો ૯૦ કિ.મી. અને બીજો ૧૧૦ કિ.મી. છે. ક્યા રસ્તે જવું? એક હાઈવે રોડ છે ને બીજો નાનો રોડ છે. એકમાં બધી જ વ્યવસ્થા ગોઠવાયેલી છે, અને બીજો વ્યવસ્થારહિત નવો જ રસ્તો, જ્યાં હજુ સુધી કોઈ સાધુ ચાલેલા નથી. અમે તો અજાણ્યો રસ્તો જ પસંદ કર્યો, ૯૦ કિ.મી. એટલે પાંચ દિવસમાં પહોંચી જવાય. નાનો રોડ એટલે ટ્રાફિકની ચિંતા નહીં. નાનાં નાનાં ગામડાઓની વચ્ચેથી ચાલવાનું. સ્થાન કે ગોચરીનું કંઈક થઈ પડશે. જ્યાં બધી વ્યવસ્થા છે એવા રસ્તેથી જઈને શું કરવું? મજા જ ન આવે. બધું સીધું સીધું પતી જાય. છેલ્લે નક્કી થયું, અમે અજાણ્યા રસ્તે જ આગળ વધશું.
સાંજે ૪ વાગે નીકળ્યા, તડકો તો હતો નહીં. હવાની ઠંડી લહેરખીમાં અમે આગળ વધતા ગયા. એમાંય ગામમાંથી નીકળતાં જ નાનો રોડ ચાલુ થયો. બંને બાજુ ઘનઘોર આંબાવાડિયાં. ગરમી લાગે ક્યાંથી? વૈશાખ મહિનાની એવી કલ્પના છે કે ધોમધખતો સૂરજ હોય, રોડમાંથી વરાળ નીકળતી હોય, સું… સું… કરતી લૂ વાતી હોય, વૈશાખી વાયરા ધૂળ અને કચરો આકાશે ઉડાવતા હોય, ઉપર-નીચે, આગળ-પાછળ બધું જ ગરમીથી સેકાતું હોય. માથું તપે, પગ બળે, ગળું તરસથી સુકાઈ જાય. હોઠનું પાણી સુકાઈને ખાર જમી જાય. પરસેવે નિતરતા હોઈએ.
પણ આ વૈશાખમાં આવું કશું નથી. દિવસે પણ કામળી ઓઢી બેસવું પડે. રાતના તો કહેવું જ શું? જો બરાબર કામળી ઓઢી ન હોય અથવા કોઈ બાજુથી કામળી ખુલ્લી રહી ગઈ હોય
તો આવી બન્યું. મચ્છરનુંં સૈન્ય આક્રમણ કરે અને શીતયુદ્ધ ચાલુ થઈ જાય.
આ મચ્છરે ય ખરા કહેવાય, જ્યારે માણસ સૂઈ જાય ત્યારે જ બધા ભેગા થઈને આક્રમણ કરે. નિદ્રામાં માણસ અર્ધ બેભાન અવસ્થામા હોય. મચ્છરસેના ને મજા પડી જાય. પણ માણસ જાગતો હોય તો મચ્છરનું લશ્કર ગેરીલા નીતિ અપનાવે, ચોરી છુપીથી પગમાં, હાથમાં, પીઠમાં દંશ મારે. સામી છાતીએ હજુ સુધી કોઈ મચ્છર આવ્યો નથી. એક વાર ચેલેંજ કરવી જોઈએ ‘માંનું દૂધ પીધું હોય તો આવી જા સામી છાતીએ.’ પણ મચ્છર મચ્છર જ હોય, વધારે માથાકૂટ શા માટે?
સાંજે પણ નહેરનાં માર્ગે જ વિહાર થયો. ૮ કિ.મી. ચાલ્યા કલ્પ અમારી સાથે જ ચાલતો હતો તેને ખૂબ મજા આવી. ઘરથી હજારો કિ.મી. દૂર પ્રભુની પાવન ધરતી પર ખુલ્લા પગે ચાલવાનું સૌભાગ્ય એને આજે પ્રાપ્ત થયું હતું. ગગનના ગોખ સમી સાંજની રંગબેરંગી રંગોળી પુરાઈ હોય. પાસે જ ગંગાના જળ ખળખળ વહી જતાં હોય ચારે તરફ વિહંગમ વિહગગાન રેલાતું હોય થાક શું લાગે? થોડું ચાલ્યા. ત્યાં નાનકડી ગૌશાળા આવી. રાત્રી વિશ્રામ માટે ઉચિત સ્થાન હતું. ત્યાં જ રોકાયા. નીકળ્યા ત્યારે ત્રણ સ્થાનો વિચારેલા, ગૌશાળા-આલમપુર-દેવડી. અલપઝલપ રસ્તાની જાણકારી લીધી પણ આગળ જતા જાણકારી કરતા જુદી જ વાસ્તવિકતા હતી. જે થયું તે… અમે સાંજે સુખાશાતાપૂર્વક વિહાર કરી શક્યા! થાક લાગ્યો નથી. આવા વાતાવરણમાં થાક શાનો લાગે? એમાંય આગિયાઓએ આખી રાત અજવાળા પાથર્યા. સપના બરાબર દેખાયને? એટલે જ તો.