પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાની હકાલપટ્ટી કરવામાં આવી છે. તેમની જગ્યાએ નજમ સેઠી હવે ખુરશી સંભાળશે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે નજમ સેઠીના નામને મંજૂરી આપી દીધી છે. ઈંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી હારી ગઈ હતી. જે બાદ રમીઝ રાજાની ખુરશી જઈ શકે તેવી ચર્ચા થઈ રહી હતી.
જ્યારે ઈમરાન ખાનની પાર્ટીએ 2018ની સામાન્ય ચૂંટણીમાં બહુમતી બેઠકો જીતી હતી, ત્યારે નજમ સેઠીએ PCB અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. ઈમરાન સાથેના ખરાબ સંબંધોને કારણે તેમને પદ છોડવું પડ્યું હતું.
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને 1992 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય, રમીઝ રાજાને 3 વર્ષની મુદત માટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પીસીબીના 36મા અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા હતા. ઈમરાન ખાન બાદ જ્યારે શાહબાઝ શરીફ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે માનવામાં આવતું હતું કે રમીઝ રાજાની ખુરશી જઈ શકે છે. જોકે, રમીઝ લાંબા સમય સુધી પોતાની ખુરશી જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. હવે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ટીમના ખરાબ પ્રદર્શન અને અનેક આરોપો બાદ તેમને હટાવી દેવામાં આવ્યા છે.
રમીઝ રાજા પોતાના નિવેદનોને લઈને વિવાદોમાં સપડાયા હતા. થોડા દિવસો પહેલા એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે પાકિસ્તાન પાસેથી 2023 એશિયા કપની યજમાની છીનવી લેવાની વાત કરી હતી. જય શાહે કહ્યું હતું કે ભારતીય ટીમ 2023 એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં જાય. આ ટુર્નામેન્ટ માટે તટસ્થ સ્થળ નક્કી કરવામાં આવશે. આ પછી રમીઝ રાજાએ ધમકીભર્યું નિવેદન આપ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન એશિયા કપ રમવા નહીં આવે તો પાકિસ્તાન પણ ODI વર્લ્ડ કપમાં ભાગ લેવા ભારત નહીં જાય. પરંતુ હવે રમીઝ રાજા પોતે પણ પોતાની ખુરશી બચાવી શક્યા નથી