ઉત્તર પ્રદેશમાં હાલ રામચરિત માનસને લઈને રાજકીય માહોલ ગરમ થઇ ગયો છે. આ વિવાદના કેન્દ્રમાં સમાજવાદી પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્ય છે. મૌર્ય રામચરિત માનસને લઈને પોતાના નિવેદન પર અડગ છે, આજે તેમણે ફરી એક ટ્વિટ કરી પોતે નિવેદન પર કાયમ હોવાનું સૂચવ્યું છે.
મૌર્યએ આજે પોતાના ટ્વીટમાં કહ્યું છે કે ઇન્ડિયન્સ આર ડોગ્સ કહીને બ્રિટિશરો જે અપમાન અને દુર્વ્યવહાર ટ્રેનમાં ગાંધીજી સાથે કર્યો એ ગાંધીજી જ સમજી શક્યા હતા. તેવી જ રીતે ધર્મની આડમાં મહિલાઓ અને શુદ્ર સમાજ પર જે અપમાનજનક ટીપ્પણીઓ કરવામાં આવે છે તેની પીડા માત્ર મહિલાઓ અને શુદ્ર સમાજ જ સમજે છે. તેમણે કહ્યું કે અત્યાચાર કરનાર સમાજ એ દર્દને સમજી શકતો નથી.
ગત મહિને સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિત માનસમાં લખેલા શ્લોક વિષે ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે જે ધર્મ આદિવાસીઓ, દલિતો, પછાત અને મહિલાઓનો વિરોધ કરે છે, શૂદ્રોના નાશની વાત કરે છે, એવા ધર્મનો નાશ થવો જોઈએ.
બુધવારે આ વિવાદ પર ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા પણ આવી છે. સીએમ યોગીએ કહ્યું કે રામચરિત માનસનો મુદ્દો એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે જેથી સરકાર દ્વારા કરવામાં આવેલા કામ પરથી લોકોનું ધ્યાન હટાવવામાં આવે. જે લોકોનું યુપીના વિકાસમાં કોઈ યોગદાન નથી તેઓ જાણી જોઈને આ મુદ્દો ઉઠાવી રહ્યા છે, તેઓ હવે રામચરિત માનસનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.