વર્ષ 1987માં આવેલી રામાનંદ સાગરની ‘રામાયણ’ના પાત્રો આજે પણ લોકોના દિલમાં વસે છે. દીપિકા ચિખલિયા માતા સીતાના રોલમાં અને અરુણ ગોવિલ આ સિરિયલમાં ભગવાન રામના રોલમાં જોવા મળ્યા હતા. લગભગ 35 વર્ષ બાદ અરુણ અને દીપિકા ફરીથી સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.
દીપિકા ચિખલિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના નવા પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહી છે. આ આગામી પ્રોજેક્ટમાં અરુણ ગોવિલ પણ જોવા મળશે. નવા શોમાં દીપિકાના પાત્રનું નામ ‘શ્રદ્ધા’ રાખવામાં આવશે, જે તેની વેનિટી વેનની બહારના પોસ્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
દીપિકાએ નવા શોનો BTS (બિહાઇન્ડ ધ સીન્સ) વીડિયો શેર કર્યો છે, જેમાં તે શૂટિંગ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં તે વેનિટી વેનની અંદર બેસીને તેની સ્ક્રિપ્ટ વાંચતી જોવા મળે છે અને ક્યારેક ઝૂલા પર ઝૂલતી જોવા મળે છે. એક દ્રશ્યમાં તે ઘરની અંદરની એક ઝલક બતાવે છે, જેમાં અરુણ ગોવિલ તેની સામે બેઠો છે. સ્પષ્ટ છે કે અરુણ ગોવિલ અને દીપિકા એક નવા પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યા છે.
દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેમના નવા પ્રોજેક્ટ વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે. દીપિકાના વીડિયો પર યુઝર્સ ઘણી કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, “મારા સિયા રામ એક વાર ફરી સાથે.” તો ત્યાં બીજા યુઝરે લખ્યું કે આ શો જોવા માટે રાહ નથી જોઈ શકતો, આખી ટીમને શુભકામનાઓ. આ સિવાય અન્ય યુઝર્સ કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.
અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેમની ફેન ફોલોઈંગ પણ સારી છે. બંનેને તેમની અસલી ઓળખ રામાયણ સિરિયલથી મળી હતી. વર્ષ 2020 માં, જ્યારે કોવિડ -19 ને કારણે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારે દૂરદર્શને તેના જૂના શો ફરીથી પ્રસારિત કર્યા હતા. એ સમયે મોટી સંખ્યામાં લોકોએ પરિવાર સાથે બેસીને રામાયણના શો નિહાળ્યા હતા. આ પછી અરુણ ગોવિલ અને દીપિકા ચીખલિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા.